ટુર્મેલીન : રાસા. બં. : આલ્કલી તેમજ લોહ-મૅગ્નેશિયમ સહિતનું ઍલ્યુમિનિયમનું જટિલ બોરોસિલિકેટ. તેની ઉત્પત્તિ-સ્થિતિ મુજબ તેમાં Na, Ca, Fe, Mg, Li વગેરેનું પ્રમાણ જુદું જુદું હોય છે. આ કારણે  તેનું સામાન્ય સૂત્ર આ પ્રમાણે મુકાય છે : XY3 B3 (AlFe3+)6 Si6O27 (OH · F)4, જેમાં X = Na, Ca; Y = Mg, Fe2+ Al, Li હોઈ શકે. Mg અને Fe2+ અન્યોન્ય વિસ્થાપિત થાય છે, Alનું Fe3+થી, Naનું Caથી અને (OH)નું Fથી વિસ્થાપન થતું હોય છે. Li ઘણી વાર હોય છે. સિલિકેટ સમૂહો પૈકીનું તે સાઇક્લોસિલિકેટ Si6O18 ગણાય છે. સામાન્ય ટુર્મેલીનનું રાસાયણિક બંધારણ Na (Mg · Fe)3 Al6 (BO3)3 (Si6O18) (OH.F)4 મૂકી શકાય.

સ્ફ.વ. : હેક્ઝાગોનલ, વિશિષ્ટપણે ટ્રાયગોનલ.

સ્ફ.સ્વ. : સામાન્યપણે ત્રણ બાજુઓવાળા પ્રિઝમૅટિક સ્ફટિકો, પ્રિઝમફલકો મહદંશે ઊભા રેખાંકનવાળા; વિકેન્દ્રિત સ્તંભાકાર કે સોયાકાર સ્ફટિક સળી સ્વરૂપે પણ મળે; જથ્થામય ઘનિષ્ઠ સ્વરૂપો પણ પ્રાપ્ય પારદર્શકથી અપારદર્શક. રત્નપ્રકાર પારદર્શક. ત્રિકોણીય આડછેદ અને પ્રિઝમપટનાં રેખાંકન તેનાં પ્રધાન લક્ષણો ગણાવી શકાય.

સંભેદ : રૉમ્બોહેડ્રલ, પણ વિભંજન મુશ્કેલ  અસ્પષ્ટ

ભં. સ. : આછી વલયાકાર, ખરબચડી; બરડ.

ચ. : કાચમય

રં.  : સામાન્ય રીતે કાળો (ડામર જેવો), વાદળી-કાળો, ભાગ્યે જ વાદળી, લીલો કે લાલ, રંગવિહીન વિરલ, પરંતુ લોહદ્રવ્યવિહીન હોય તો રંગવિહીન મળે, લિથિયમધારક પ્રકારો ગુલાબી, લીલા કે ભૂરા હોય.

ટુર્મેલીન

(અ) પ્રિઝમ સ્વરૂપનો સ્ફટિક, (બ, ક) લાક્ષણિક સ્ફટિક સ્વરૂપો

ચૂ. રં. : સફેદ (રંગવિહીન)

ક. : 7.5 (ક્યારેક 7–7.5)

વિ.ઘ. : 2.98થી 3.2, સામાન્ય 3થી 3.2 લોહયુક્ત વધુ ઘનતાવાળા.

પ્રકા. અચ. : ω = 1.642, ε = 1.622.

પ્રકા. સં. : એકાક્ષી –ve.

અન્ય ગુણધર્મ : ઉષ્માવિદ્યુત અને પીઝોવિદ્યુત ગુણધર્મધારક છે.

પ્રા.સ્થિ. : ઍસિડ અગ્નિકૃત ખડકોમાં તેમજ વિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે, મુખ્યત્વે ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં મળે, ઉષ્ણબાષ્પીય પ્રક્રિયાની પેદાશ તરીકે અગ્નિકૃત ખડકો સાથે તેમજ બાજુના યજમાન ખડકોમાં પણ બને. ઊંચા તાપમાને ધાતુજન્ય (સીસા, કોબાલ્ટ) શિરાઓ સાથે સંકલિત સ્થિતિમાં વિકૃતિ પામેલા ચૂનાખડકોમાં કથ્થાઈ રંગનું Mg-સમૃદ્ધ ટુર્મેલીન વિકસે.

પ્રા. સ્થા. : યુ.એસ. (દક્ષિણ કૅલિફૉર્નિયા), યુરલ પર્વતો, માડાગાસ્કર, શ્રીલંકા  અને બ્રાઝિલ (મિનાસ ગુરેઇસ).

ઉપયોગ : દબાણમાપકો અને પ્રકાશીય ઉપકરણોમાં પારદર્શક પ્રકારો રત્ન તરીકે ઉપયોગી છે.

પ્રકારો : ડ્રેવાઇટ : બદામી-કથ્થાઈ-કાળું ટુર્મેલીન.

રૂબેલાઇટ : લાલ અથવા ગુલાબી-જાંબલી રંગનું ટુર્મેલીન; પારદર્શક, રત્નપ્રકાર.

(માણેક જેવો રંગ હોવાથી – રૂબી પરથી રૂબેલાઇટ)

બ્રાઝિલિયન સેફાયર : પારદર્શક બર્લિન-બ્લૂ રંગ; રત્નપ્રકાર.

બ્રાઝિલિયન એમરલ્ડ : પારદર્શક લીલો પ્રકાર.

પેરિડોટ : મદ્યસમ પીળો પ્રકાર (શ્રીલંકા).

શોર્લ : કાળો, અપારદર્શકથી પારભાસક પ્રકાર.

ઇલ્બાઇટ : ગુલાબી ટુર્મેલીન.

ટુર્મેલીનના પારદર્શક પ્રકારો તેની આકર્ષકતાને કારણે રત્ન-ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાતા રહ્યા છે અને સદીઓથી તેની માગ રહ્યા કરી છે. (બ્રાઝિલ, યુરલ અને માડાગાસ્કર તેને માટેનાં જાણીતાં પ્રાપ્તિસ્થાનો છે.) તેની રાતી અને લીલી ઉત્કૃષ્ટ જાતો કૅલિફૉર્નિયામાંથી, ટેટી જેવા રંગની જાત બ્રાઝિલમાંથી, અતિસુંદર આકર્ષક પ્રિઝમ-સ્ફટિકો મોઝામ્બિક અને માડાગાસ્કરમાંથી મળી રહે છે. તેના પ્રિઝમ-સ્ફટિકોમાં જ્યાં બે ધ્રુવો વચ્ચે રંગવિવિધતા જોવા મળે તેમજ તેના આડછેદોમાં રાસાયણિક બંધારણની  વિવિધતા હોય ત્યારે ઉત્પન્ન થતા પટ્ટીદાર રંગઝાંય (zoning) તેની કિંમત વધારી મૂકે છે. એવાં નંગો બહુમૂલ્ય બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા