ફ્રૉમ, ઍરિક (જ. 23 માર્ચ 1900, ફ્રૅન્કફર્ટ, જર્મની; અ. 18 માર્ચ 1980) : અગ્રણી સમાજશાસ્ત્રી. મૂળે જર્મન ફ્રૉમ 1934થી અમેરિકામાં સ્થાયી થયા હતા. કાર્લ માર્ક્સ, ફ્રૉઇડ અને અસ્તિત્વવાદથી પ્રભાવિત થયેલા ફ્રૉમે વિશિષ્ટ માનવીય પરિસ્થિતિને કેન્દ્રમાં મૂકીને તેમનો મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ વિકસાવ્યો છે. જર્મનીમાં હાયડલબર્ગ યુનિવર્સિટીમાંથી તેઓ સમાજશાસ્ત્રમાં 1922માં પીએચ.ડી. થયા હતા. બર્લિન ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે મનોવિશ્લેષણમાં તાલીમ લીધી હતી. મૅક્સિકો યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવાઓ આપીને તેમણે 1961થી ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સાયકિયાટ્રીના વિષયમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.
ફ્રૉઇડના મનોવિશ્લેષણના અભિગમોમાં સુધારા-વધારા કરીને તેમના અભિગમથી જુદા પડીને વિકસાવેલા નવ્યવિશ્લેષણાત્મક (neoanalytical) મનોવિજ્ઞાનમાં કાર્લ યુંગ, આલ્ફ્રેડ ઍડલર, કેરન હૉર્ની, સલિવાન વગેરેની જેમ ફ્રૉમના સિદ્ધાંતનું પણ આગવું યોગદાન રહ્યું છે. યુંગને માટે સામૂહિક (collective) અચેતનની વિભાવના મહત્ત્વની હતી. ઍડલરે અલ્પતા-ઉત્તમતાની વિભાવનાઓને આગળ કરી હતી. હૉર્નીએ જૈવીય નિયતિવાદ(determinism)ના ફ્રૉઇડના મતનો વિરોધ કર્યો હતો. વળી સલિવાને આંતરવૈયક્તિક સંબંધોને કેન્દ્રમાં મૂક્યા હતા. હૉર્ની અને સલિવાનની જેમ જ ફ્રૉમે વ્યક્તિત્વના ઘડતરમાં જૈવીય કરતાં સામાજિક-સાંસ્કૃતિક પરિબળોને વધારે મહત્વ આપ્યું હતું.
1980માં ‘ગ્રેટનેસ ઍન્ડ લિમિટેશન્સ ઑવ્ ફ્રૉઇડ્સ થૉટ’ – એ તેમના છેલ્લા પુસ્તકમાં ફ્રૉઇડની સમીક્ષા કરતાં ફ્રૉમે દર્શાવ્યું કે આધુનિક સમાજના પ્રશ્નો સમજવામાં અને તેની સાથે કામ પાડવામાં ફ્રૉઇડનું મનોવિજ્ઞાન નિષ્ફળ જાય છે. સમાજોની સમીક્ષા કરવામાં ફ્રૉઇડના વિચારતંત્રમાં કોઈ વિચારકોટિઓ (categories) મળી શકતી નથી. ફ્રૉઇડ જાતીય (sexual) પ્રેરણા અને તેના દમન ઉપર જ મુખ્યત્વે ભાર મૂકતા હોવાથી તેમની વિચારણા પ્રગતિવાદી (progressive) નહિ, પણ પ્રત્યાઘાતી કે સ્થિતિસંરક્ષક બની રહે છે. 1973માં ફ્રૉમે ‘ધી ઍનેટૉમી ઑવ્ હ્યૂમન ડિસ્ટ્રક્ટિવનેસ’ નામના પુસ્તકમાં પણ આક્રમકતાને જાતીય વૃત્તિની જેમ જ કેવળ પ્રકૃતિવશ સહજવૃત્તિના પ્રવર્તન તરીકે ઘટાવતા ફ્રૉઇડવાદી અભિગમનો વિરોધ કર્યો હતો. ખરેખર તો સામાજિક, સાંસ્કૃતિક કે ઐતિહાસિક સંદર્ભોમાં મૂકીને જ મનુષ્યનાં નૈસર્ગિક પ્રેરણાઓથી ઉદભવતાં વર્તનોનો વિચાર કરવો જોઈએ. ફ્રૉઇડની લૈંગિક શક્તિ(કામશક્તિ; libido)ની વિભાવનાનો મનુષ્યના વ્યક્તિત્વ અને તેની મનોવિકૃતિઓને સમજવા માટે સર્વવ્યાપી રીતે ઉપયોગ કરી શકાય નહિ તેવો ફ્રૉમનો મત હતો. ફ્રૉમના મતાનુસાર વૃત્તિઓ અને તેના દમનની પરિભાષામાંથી વ્યક્તિવિષયક અને સમાજવિષયક ઘટનાઓનો સંપૂર્ણ રીતે ખુલાસો મળી શકતો નથી.
ઍડલર અને હૉર્નીની જેમ ફ્રૉમે માનવબાળકની પ્રારંભિક અસહાયતાની મૂળભૂત પરિસ્થિતિનો મનુષ્યના વ્યક્તિત્વ-વિકાસના સંદર્ભમાં વિચાર કર્યો છે. ફ્રૉમે શોષણખોર અને સ્પર્ધાત્મક સંબંધોના વિકલ્પે પ્રેમ, સંભાળ, સમજણ અને નિસબતના આંતરવૈયક્તિક સંબંધોની માવજત કરવાનો અનુરોધ કર્યો છે. ‘મૅન ફૉર હિમસેલ્ફ’ (1947) અને ‘ધ આર્ટ ઑવ્ લવિંગ’ (1955) – એ પુસ્તકોમાં ફ્રૉમે આ પ્રશ્નો ચર્ચ્યા છે. ‘ધ સેન સોસાયટી’ (1955) એ પુસ્તકમાં તેમણે સમજાવ્યું છે કે પરહિતસાધક (altruistic) – પરોપકારી ર્દષ્ટિકોણ વગરનો સમાજોનો કેવળ ટૅકનૉલૉજિકલ વિકાસ સમાજો માટે ખતરનાક અને આપત્તિજનક નીવડશે.
ફ્રૉમનો કેન્દ્રીય વિચારવિષય ફ્રેન્ચ ફિલસૂફ સાર્ત્ર(1905–1980)ની જેમ મનુષ્યના સ્વાતંત્ર્યનો છે. મનુષ્યજીવનને અર્થ અને દિશા આપનાર તેનું સ્વાતંત્ર્ય છે. ફ્રૉમ તેમના 1941ના ‘એસ્કેપ ફ્રૉમ ફ્રીડમ’ – એ પુસ્તકથી ખૂબ જાણીતા થયા હતા. જર્મન લોકોએ સરમુખત્યારવાદી એવા હિટલરના જુલ્મી શાસન(1933–1945)ને વિરોધ વગર કેમ સ્વીકારી લીધું હશે એ વીસમી સદીના પાંચમા દાયકામાં જુદા જુદા ક્ષેત્રના આગેવાન બૌદ્ધિકો માટે મુખ્ય પ્રશ્ન બની રહ્યો હતો. ફ્રૉમની ર્દષ્ટિએ લોકોએ પોતાનું સ્વાતંત્ર્ય છોડીને સત્તાખોર શાસનમાં આજ્ઞાંકિત બનીને સલામતી મેળવી લીધી હતી. સ્વાતંત્ર્ય ચિંતાપ્રેરક છે એટલે ચિંતા ઘટાડીને સલામતી મેળવવા માટે લોકો પોતાનું સ્વાતંત્ર્ય જતું કરવા તૈયાર થઈ જતા હોય છે. જવાબદારીનું ભાન તીવ્ર બનાવનાર જોખમી વ્યક્તિસ્વાતંત્ર્યથી બચવા માટે લોકો અધીનતા અને શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં હિટલર અને સ્ટાલિનના સર્વસત્તાધીશ એકહથ્થુ શાસન પરત્વે મૂંગે મોઢે શરણાગતિ સ્વીકારનાર પ્રજાઓની મનોદશા સ્વહિતસાધક સલામતીની ઇચ્છા તરીકે જ ઘટાવી શકાય. સત્તાખોર સમાજ કે નેતૃત્વના સંદર્ભે સ્વાતંત્ર્યનો ઉપયોગ વ્યક્તિ માટે ચિંતા ઉપજાવનારો નીવડતો હોય છે. લોકશાહીપરક સ્વાતંત્ર્યનો ઉપયોગ કરીને જો તેના લાભ લેવા હોય તો તેનાં જોખમોનો સામનો કરવાની સમાજોની તૈયારી હોવી જોઈએ તેવો ફ્રૉમનો મત છે. ફ્રૉમે માનવતાવાદી સામુદાયિક સમાજવાદનો આદર્શ રજૂ કર્યો છે. સ્વાંતત્ર્યમાંથી ઊગરી જવાનું પલાયનવાદી વલણ કેટલું વ્યાપક રીતે પ્રવર્તે છે તે તેમના ઉપર્યુક્ત વિખ્યાત પુસ્તકમાં ફ્રૉમે દર્શાવ્યું છે.
ફ્રૉમ પ્રમાણે મનુષ્યના આવેગોને અને તેની ચિંતાઓને સાંસ્કૃતિક પરિબળોનાં પરિણામો તરીકે સમજવાનું આવશ્યક છે. મનુષ્યના સ્વભાવ(human nature)ને સમજવા માટે માનવજાતનો ઇતિહાસ સમજી લેવો ફ્રૉમને જરૂરી લાગે છે. ફ્રૉમના મનોવિજ્ઞાનવિષયક સિદ્ધાંતમાં ઇતિહાસને મહત્વનું સ્થાન છે. ફ્રૉઇડે ઇતિહાસને માનવસર્જિત ગણ્યો છે, જ્યારે ફ્રૉમે માનવને ઇતિહાસસર્જિત ગણ્યો છે. માર્કસે જેમ હેગેલના ચૈતન્યવાદને ઉલટાવીને ભૌતિકવાદ સ્થાપ્યો તેમ ફ્રૉઇડના સિદ્ધાંતને ઉલટાવીને ફ્રૉમે એમ દર્શાવ્યું કે મનુષ્ય સામાજિક પરિબળોની પેદાશ છે; સમાજ એ વ્યક્તિગત પરિબળોની પેદાશ નથી. સામાજિક-સાંસ્કૃતિક ઘટનાઓને ફ્રૉઇડે વ્યક્તિવિષયક પરિબળોનાં પરિણામો તરીકે ઘટાવી હતી. કામેચ્છા(libido)નાં જે પ્રવર્તનો વ્યક્તિની વિકૃતિઓને સમજાવે છે તે જ પ્રવર્તનો સાંસ્કૃતિક ઘટનાઓને પણ સમજાવે છે તેવો ફ્રૉઇડનો ર્દષ્ટિકોણ ફ્રૉમને માન્ય નથી. અલબત્ત, ફ્રૉમે શારીરિક જરૂરિયાતોની પ્રબળતા કે તીવ્રતાનું મહત્વ જરૂર સ્વીકાર્યું છે; પરંતુ કુદરતી સહજવૃત્તિ (instinct) – ખાસ કરીને મનુષ્યમાં સામાજિક–ઐતિહાસિક પરિબળોને અધીન રહીને – અવનવી જટિલ તરેહોમાં પ્રકટીકરણ પામે છે તે બાબત ફ્રૉમને મનોવિજ્ઞાન માટે પ્રસ્તુત જણાય છે. કેવળ નિમ્નકક્ષાની પ્રાણીજાતિઓમાં જ સહજવૃત્તિપ્રેરિત એકધારું વર્તન જોવા મળે છે. મનુષ્યનું વર્તન તો લવચીક (flexible) અને સમાયોજનસાધક (adaptive) હોય છે અને તેમાં ફ્રૉઇડ ધારે છે એટલું સહજવૃત્તિનું પ્રાધાન્ય હોતું નથી તેવું ફ્રૉમ માને છે. તમામ મનુષ્યોની શારીરિક જરૂરિયાતો એકસરખી છે, પરંતુ સમાજસર્જિત જરૂરિયાતો બધામાં એકસરખી હોતી નથી. સામાજિક-ઐતિહાસિક પરિબળોને અવગણીને વ્યક્તિની કેવળ શારીરિક પ્રેરણાઓને આધારે મનોવિજ્ઞાન રચી શકાય નહિ.
મનુષ્યની પરિસ્થિતિની કેટલીક સમસ્યાઓ કાયમી અસ્તિત્વલક્ષી સમસ્યાઓ છે; જેમ કે મનુષ્ય જીવે છે, પણ તેનું મૃત્યુ નિશ્ચિત છે; તેનામાં અપાર શક્તિઓ છે પણ તે બધી એકસાથે કદી પણ સાકાર થઈ શકે તેમ નથી; મનુષ્ય સમાજનો ભાગ છે પણ સમાજ સાથે તે કદી પણ સંપૂર્ણ રીતે એકરૂપ થઈ શકે તેમ નથી કારણ કે તેની વ્યક્તિવિશેષ તરીકેની ચેતના તેને તમામ કુદરતી અને સામાજિક ઘટનાથી અલાયદું, અનન્ય અને દેશકાળબદ્ધ વિશિષ્ટ અસ્તિત્વ આપે છે. આ દ્વિધ્રુવી સમસ્યાઓ(dichotomies)નો કોઈ ઉકેલ શક્ય નથી. મનુષ્યની પરિસ્થિતિનો તે અફર અંશ છે; તેમ છતાં કેટલીક ઇતિહાસસર્જિત દ્વિધ્રુવી સમસ્યાઓ(historical dichotomies)નો ઉકેલ મનુષ્ય લાવી શકે છે તેવું ફ્રૉમે સ્પષ્ટ કર્યું છે; દા.ત., સંપત્તિની અસમાન વહેંચણી, ગરીબી, સામાજિક અન્યાય વગેરે. મનુષ્ય પોતાની રચનાત્મક અને ઉત્પાદક શક્તિઓની ઐતિહાસિક એવી દ્વિધ્રુવી સમસ્યાઓને પહોંચી વળી શકે તેમ છે. ધાર્મિક વિચારધારાઓનો વ્યક્તિની મૂળભૂત અસ્તિત્વલક્ષી સમસ્યાઓથી બચવા માટેનો નિષ્ફળ પ્રયાસ છે તેવું ફ્રૉમ માને છે.
માનવજાતનો ઇતિહાસ જોતાં ફ્રૉમને લાગે છે કે પશ્ચિમી સભ્યતામાં મધ્યયુગમાં સામાજિક સલામતી અને સંગઠન – એ ખૂબ ર્દઢ રીતે સ્થપાયેલી ઘટનાઓ હતી; પરંતુ તે યુગમાં વ્યક્તિસ્વાતંત્ર્યનું મહત્વ ન હતું. નવજાગૃતિકાળ, ધર્મસુધારણા-આંદોલન અને પ્રૉટેસ્ટંટ-અભિગમને લીધે મનુષ્યના વ્યક્તિ-સ્વાતંત્ર્યનું મહત્વ પ્રસ્થાપિત થતું ગયું. કશાકમાંથી (જેમ કે ગુલામીમાંથી) પાશ્ચાત્ય માનવ મુક્ત થતો ગયો, પણ એ મુક્તિનો ઉપયોગ શેને માટે કરવો તે પ્રશ્ન પણ તેને માટે વધુ ને વધુ મૂંઝવતો બનતો ગયો. તેથી વ્યક્તિવાદ પૂર્વેના યુગોની સલામતી ફરી મેળવવા અને પોતાને મળેલું નવું સ્વાતંત્ર્ય છોડી દેવા માટે મનુષ્યો તૈયાર થતા હોય છે. કશાકમાંથી (freedom from) મુક્તિ મળી ગઈ, પરંતુ કશુંક કરવા માટેની મુક્તિ(freedom to)નો શો ઉપયોગ કરવો તે બાબતની સ્પષ્ટ સમજણ મનુષ્યને તુરત જ મળતી નથી. તેથી જ, વીસમી સદીમાં સર્વસત્તાધીશ સમાજો (totalitarian societies) સ્થપાયા અને વિસ્તર્યા તેમ ફ્રૉમ માને છે.
પરપીડન, સ્વપીડન, વિનાશકતા અને અંધઆજ્ઞાંકિતતા – આ ચાર રીતે વ્યક્તિ પોતાના સ્વાતંત્ર્યમાંથી ઊગરી જવાની કોશિશ કરે છે તે બાબત ફ્રૉમે સાવધાન કર્યા છે. તેથી જ ફ્રૉમનું મનોવિશ્લેષણ ઇતિહાસ-કેન્દ્રિત અને નૈતિક મનોવિશ્લેષણ ગણાય છે.
મધુસૂદન બક્ષી