ફ્રૉબેલ, ફ્રેડરિક (જ. 21 એપ્રિલ 1782, ઓબરવિઝબાખ, ટુરિંગિયા, જર્મની; અ. 21 જૂન 1852, મેરિયેન્ટલ, ટુરિંગિયા, જર્મની) : બાલશિક્ષણ માટેની કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા. આખું નામ ફ્રેડરિક વિલ્હેમ ઑગસ્ટ ફ્રૉબેલ. બાલ્યાવસ્થામાં ઘણું દુ:ખ વેઠ્યું. તેમના જન્મ પછી થોડા સમયમાં માતાનું મૃત્યુ થયેલું. તેમને પિતા તથા મામાએ ઉછેર્યા. મામાએ તેમને નિશાળે મોકલ્યા, પણ જીવનમાં વસ્તુઓના ગૂઢ સંબંધો અને તેમની અંત:સ્થિત એકતા શોધવાના તેમના પ્રયાસોને પરિણામે વિદ્યાલયનો અભ્યાસ થઈ શક્યો નહિ. તેમને જંગલખાતાના કોઈ નોકર પાસે કામ શીખવા રહેવું પડ્યું. જંગલમાં તેમને પ્રકૃતિનો સારો અનુભવો થયો. કોઈ પણ શાસ્ત્રના શિક્ષણ વગર તેમને પ્રકૃતિના નિયમોની એકતાનું જ્ઞાન થયું.

ફ્રેડરિક ફ્રૉબેલ

ત્યારબાદ કેટલાંક વર્ષો સુધી જુદા જુદા ધંધાઓમાં ભટકવાનું થયું. 1813માં પ્રશિયાના રાજાનું નિમંત્રણ સ્વીકારી તેઓ સેનામાં દાખલ થયા. લડાઈમાંથી પાછા આવ્યા પછી 1814માં બર્લિનમાં ખનિજવિદ્યાના સંગ્રહાલયમાં તંત્રી તરીકે તેમની નિમણૂક થઈ. બધે સ્થળેથી તેમને પ્રકૃતિની એકતાનાં પ્રમાણો મળતાં ગયાં. શિક્ષણમાં પણ એકતા દાખલ કરવાનો તેમણે નિશ્ચય કર્યો. નોકરી છોડી કીલહાઉમાં શિક્ષણસંસ્થા શરૂ કરી, જેનું નામ ‘યુનિવર્સલ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એજ્યુકેશન’ હતું (1816). આ સંસ્થાના મુખ્યત્વે સિદ્ધાંતો (1) આત્મઆવિષ્કાર (self-expression), (2) મુક્તવિકાસ (free development) અને (3) સામાજિક સહચાર (social participation) હતા. સંસ્થા ઉત્તરોત્તર પ્રસિદ્ધિ પામતી ગઈ. પરિણામે 1826માં તેમણે ‘મનુષ્યની કેળવણી’ નામનું એક પુસ્તક પ્રગટ કર્યું.

તેમણે પહેલી બાલવાટિકા(કિન્ડરગાર્ટન)ની સ્થાપના 1837માં લકનબર્ગ નામના ગામડામાં કરી. ‘બાલવાટિકા’ નામ પરથી તેનો એમ સૂચવવાનો આશય હતો કે બગીચામાં જેમ બાલવૃક્ષો (છોડવા) હોય છે, તેવી રીતે કેળવણીમાં બાળકો હોય છે અને શિક્ષક માળીનું કામ કરે છે. તેમણે અને તેના અનુયાયીઓ બાલવાટિકાને શાળા કહેતા નથી; કારણ કે તેમના મત પ્રમાણે એ શાળાની વય પહેલાંનું શક્તિઓનું સંવર્ધન છે. તેઓ પોતે બાલવાટિકાનો ઉદ્દેશ આ પ્રમાણે પ્રગટ કરે છે : ‘બાળકો નિશાળે જવા યોગ્ય થાય ત્યાં સુધી તેમના પર દેખરેખ રાખવી, સ્વભાવને અનુસરીને તેમનામાં યોગ્ય ગુણોનું અધિષ્ઠાન કરવું, તેમની શારીરિક શક્તિઓને સમર્થ બનાવવી, તેમની ઇન્દ્રિયોને કસરત આપવી, તેમના ખીલતા મનને પ્રવૃત્તિ આપવી. તેમને મનુષ્ય અને ઇતર પ્રકૃતિની પિછાન કરાવવી, તેમના હૃદય અને આત્માને યોગ્ય દિશા બતાવવી અને એ પ્રમાણે તેમનું ઈશ્ર્વરના સામીપ્ય અને સાયુજ્ય પ્રતિ સંક્રમણ કરાવવું.’

એ સાચું છે કે આ અભ્યાસક્રમમાં વાચન, લેખન અને અંકગણિત તથા વ્યાકરણ, ઇતિહાસ અને ભૂગોળનું નામ પણ નથી; અને તે છતાં અવયવો તથા ઇન્દ્રિયોની અને એ રીતે બુદ્ધિ, હૃદય અને નૈતિકતાની  – એમ જુદી જુદી પ્રવૃત્તિઓ માટે પુષ્કળ અવકાશ છે.

તેમના મતાનુસાર, જિંદગીમાં જે જે શક્તિઓની જરૂર પડે છે તે બધીના સંવર્ધન માટે કુટુંબમાં યોગ્ય અવકાશ મળતો નથી. વળી ઘણીખરી માતાઓ પૂરેપૂરી યોગ્ય ન હોવાથી નુકસાન થવાનો પણ સંભવ રહે છે. તેમણે એ તરફ સૌનું ધ્યાન દોર્યું.

તેમણે બાલવાટિકાની સ્થાપના કર્યા પછી મોટાં મોટાં શહેરોમાં ફરીને વ્યાખ્યાનો આપવા માંડ્યાં. તેમણે પોતાના દેશની સ્ત્રીઓને સંબોધતો એક લેખ પ્રસિદ્ધ કર્યો, તેમાં સ્ત્રીત્વનું પવિત્ર કર્તવ્ય બાળકોની સ્નેહપૂર્વક સંભાળ જ નહિ, પણ બુદ્ધિપૂર્વક કેળવણીથી જ પૂરેપૂરું સફળ થાય છે, એવો આવેશમય ઉપદેશ કર્યો. પરિણામે ઘણી માતાઓ તેમની પાસે એ ગામમાં આવી. ગામના છોકરાઓ દ્વારા રમતો, કસરતો અને ગીતોનો કાર્યક્રમ રજૂ કરી તેમણે માતાઓને બાલ-કેળવણીની પ્રત્યક્ષ તાલીમ આપી.

તેમને બેરનેસ મારેન હોલ્ટ્ઝ બૂલોનો પરિચય 1847માં થયો હતો. તે સમયે તેઓ લાઇબેનસ્ટાઇન નજીક એક ખેડૂતના ઘરમાં રહેતા હતા. આ અમીરી ઉદાર બાનુએ જ સૌને તેમનો ખરેખરો ચિતાર આપ્યો. એ બાનુએ પોતાની આખી જિંદગી તેમના સિદ્ધાંતો દુનિયાને સમજાવવામાં ગાળેલી.

આ સમયે એક અણધાર્યું સંકટ આવી પડ્યું. પ્રશિયન સરકારને એવો વહેમ આવ્યો કે ફ્રૉબેલ સહિયારા સ્વામિત્વ(common ownership)નો હિમાયતી છે અને તેથી તેમનું શિક્ષણ કાયદાથી બંધ કરવામાં આવ્યું. ત્યારપછી તેઓ વધારે સમય જીવ્યા નહિ.

જયંતીલાલ ધારશીભાઈ ભાલ