જોશી, મુરલી મનોહર (ડો.) (જ. 5 જાન્યુઆરી 1934, દિલ્હી) : વિદ્વાન પ્રાધ્યાપક અને સ્વચ્છ છબી ધરાવતા રાજકારણી.
એમનું પ્રારંભિક શિક્ષણ બિજનૌર જિલ્લાના ચાંદપુરની હિન્દી હાઈસ્કૂલ અને અલમોડામાં થયું હતું. તેમણે મેરઠ કૉલેજમાંથી બી.એસસી. અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાસે અભ્યાસ કર્યો હતો. પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાછળથી આર.એસ.એસ.ના સંચાલક બન્યા હતા. મુરલી મનોહર જોશીએ અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેમણે પીએચ.ડી.નો સંશોધન ગ્રંથ હિન્દી ભાષામાં રજૂ કર્યો હતો. તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક બન્યા અને ભૌતિક વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. તેમણે અનેક વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં સંશોધન માટે પ્રેરિત કર્યા અને માર્ગદર્શન આપ્યું.
તેઓ 1944માં 10 વર્ષની નાની ઉંમરે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. 1948માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધનો વિરોધ કરવા બદલ તેમની ધરપકડ થઈ હતી. એ પછી 1949માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને 1957માં ભારતીય જનસંઘમાં જોડાયા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અખિલ ભારતીય મહામંત્રી બન્યા. 1953-54માં ગૌરક્ષા ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે 1954માં જમીન મહેસૂલની આકારણી ઓછી કરાવવા માટે ઉત્તર પ્રદેશના ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હતો. ભારતમાં 1975માં કટોકટી લાવવામાં આવી. 26 જૂન,1975થી 1977માં લોકસભાની ચૂંટણી થઈ ત્યાં સુધી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. તેઓ અલાહાબાદ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશનના 1971થી 73 સુધી જનરલ સેક્રેટરી અને 1987થી 90 સુધી પ્રમુખ હતા.
1977ની ચૂંટણીમાં જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેઓ અલમોડામાંથી સાંસદ તરીકે ચૂંટાયા. 1978-80માં જસ્ટિસ સિકરીની અધ્યક્ષતામાં બનાવેલ રેલવે અકસ્માત તપાસ સમિતિના સભ્ય રહ્યા. જનતા પક્ષના સંસદીય મહાસચિવ તરીકે ચૂંટાયા. 1980માં ભાજપની સ્થાપનામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું. તેઓ ભાજપાના સ્થાપક મહામંત્રી બન્યા. 1981-83માં ભાજપાના કોષાધ્યક્ષ બન્યા. 1986થી 90 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું. તેઓ બિહાર, બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોના પ્રભારી રહ્યા હતા. ભાજપાએ અટલ બિહારી બાજપાઈના વડપણ હેઠળ સરકાર બનાવી ત્યારે તેઓ કેન્દ્રીય કેબિનેટમાં માનવ સંસાધન મંત્રી બન્યા. તેઓ 1991થી 93 સુધી ભાજપના પ્રમુખ હતા.
તેમણે 1991માં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની એકતા યાત્રા યોજી. આ યાત્રા ડિસેમ્બર 11 ડિસેમ્બર, 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ અને ભારતના 14 રાજ્યોમાંથી પસાર થઈ હતી. 2014માં કાનપુર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. તેમના પર બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિ ફૂલે, ગુરુજી ગોલવલકર અને પંડિત દયાળ ઉપાધ્યાયના વિચારોનો ખૂબ પ્રભાવ હતો. તેઓ ત્રણ ટર્મ સુધી અલાહાબાદમાંથી સાંસદ તરીકે રહ્યા. 2004ની ચૂંટણીમાં તેઓ હાર્યા. તેઓ વારાણસી બેઠક પરથી 15મી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા.1996માં ભારતીય જનતા પાર્ટીની સરકાર 13 દિવસ સુધી રહી હતી આ સરકારમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. 1998-2004 સુધી માનવ સંસાધન વિકાસ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી અને મહાસાગર વિકાસ એમ ત્રણ ખાતાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહ્યા. 1999ની લોકસભાની ચૂંટણીમાં જીત્યા. તેમણે 2014માં નરેન્દ્ર મોદી માટે લોકસભાની બેઠક ખાલી કરી આપી અને તેઓ કાનપુરથી ચૂંટણી લડ્યા અને જીત્યા.
2009માં શ્રેષ્ઠ સંસદ તરીકેનો પુરસ્કાર અને બંગ વિભૂષણ સન્માન તેમને પ્રાપ્ત થયા હતા. 2017માં ભારત સરકારે પદ્મવિભૂષણથી એમનું સન્માન કર્યું હતું. તેઓ 5 જુલાઈ,1992થી 11 મે,1996 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા. 16 મે, 2009 માં 15મી લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી ચૂંટાયા અને 19 મે, 2014થી 23 મે, 2019 સુધી કાનપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા.
માનવ સંસાધન મંત્રી તરીકે તેમણે અનેક કાર્યો કર્યા. તેમણે મફત કન્યા કેળવણી, સર્વ શિક્ષા અભિયાન, સંસ્કૃત શિક્ષણ, ઉર્દૂમાં શિક્ષણને પ્રોત્સાહન, શિષ્યવૃત્તિમાં વધારો જેવા અગત્યના નિર્ણયો કર્યા. વડાપ્રધાનની આઇટી ટેસ્ટ ફોર્સના અધ્યક્ષ તરીકે તેમણે 11 રાજ્યોની એન્જિનિયરિંગ કૉલેજોનો એનઆઈટીમાં સમાવેશ કરી પ્રવેશ સંખ્યામાં વધારો કર્યો. તેમણે અભ્યાસક્રમમાં ભારતીય સંસ્કૃતિને મહત્ત્વનું સ્થાન અપાવ્યું હતું.
તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણ અને જંગલો પરની સમિતિ, જાહેર ઉપક્રમોની સમિતિ, પેટન્ટ કાયદાની સમિતિ અને ટ્રેડ માર્ક બિલની સમિતિ જેવી મહત્ત્વપૂર્ણ સમિતિઓના સભ્ય હતા. સંરક્ષણની નાણાં સલાહકાર સમિતિ અને કૃષિ અને સહકાર મંત્રાલયની નિમ્ન ઉત્પાદકતા ક્ષેત્રોની સમિતિના સભ્ય હતા. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે પ્રથમ વખત સાર્ક દેશોના પીએસીની કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. તેમણે સમાજના વિવિધ વર્ગોના લાભ માટે ઘણી યોજનાઓ રજૂ કરી. તેમણે ઇન્ડિયા ઇનોવેશન ફંડ, શ્યામાપ્રસાદ ફેલોશિપ, સ્ત્રીશક્તિ પુરસ્કાર, મહિલા વૈજ્ઞાનિકો માટે વિશેષ પુરસ્કારો અને ફેલોશિપ રજૂ કરી. રાષ્ટ્રીય ચિલ્ડ્રન ફંડ અને કિશોર વૈજ્ઞાનિક યોજના જેવી ખૂબ જ નોંધપાત્ર યોજનાઓ અમલમાં મૂકી. તેમણે સ્વદેશી સંશોધન અને ટૅક્નૉલૉજીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રોત્સાહનો શરૂ કર્યા. ભારતની પરંપરાગત આરોગ્ય સંભાળ પ્રણાલી, આયુર્વેદ પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું. તેમણે અટલબિહારી વાજપેયીના જય વિજ્ઞાન સૂત્રને નક્કર રૂપ આપવાનો પ્રયત્ન કર્યો.
તેઓ હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે એટલું જ નહીં, સંસ્કૃત, ગુજરાતી, ઉર્દૂ, બંગાળી, મરાઠી, પંજાબી ભાષાઓના જાણકાર છે. તેમણે ‘ધ અલ્ટરનેટિવ’ અને ‘ધ કન્ટીન્યુઈંગ વિઝડમ’ પુસ્તકો લખ્યાં છે. તેમણે અલાહાબાદમાં ‘વૈચારિકી’ની સ્થાપના કરી. તેઓ ભાઉરાવ દેવરસ ન્યાસ, જ્ઞાન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, માધવ શોધ સંસ્થાન અને ઉત્તરાંચલ વિકાસ સમિતિના ટ્રસ્ટી અને અલાહાબાદ એજ્યુકેશન સોસાયટીના આજીવન સભ્ય છે. રામ જન્મસ્થાનમાં રામ મંદિરના નિર્માણ માટેના અયોધ્યા આંદોલનમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હોવાથી તેમની 8 ડિસેમ્બર, 1992ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કે. એસ. ક્રિષ્નન ઇન્સ્ટિટ્યૂટ ફોર જીઓ-મેગ્નેટિક સ્ટડીઝ, સાયન્સ સિટી, ઇન્ડો-રશિયન સેન્ટર ઑફ બાયો-ઈન્ફોર્મેટિક્સ, એફ એમ ચેનલ રેડિયો સ્ટેશન ફોર ઍજ્યુકેશન અને રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે.
તેઓ 2001માં રશિયન નેશનલ એકેડેમી ઓફ નેચરલ સાયન્સના ફેલો તરીકે ચૂંટાયા હતા. આ એકેડેમીમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ ભારતીય હતા. તેમને કાનપુર, ગોરખપુર, બનારસ અને કુરુક્ષેત્રની યુનિવર્સિટીઓ દ્વારા ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તિરુપતિ સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા તેમને મહામહોપાધ્યાયની પદવી અને સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાવાચસ્પતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને અલાહાબાદની નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા એક્સટર્નલ ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસે તેમને 1999માં જવાહરલાલ નેહરુ એવોર્ડ એનાયત કર્યો હતો. ભારત અને મંગોલિયા વચ્ચેના સંબંધોના વિકાસમાં તેમના યોગદાન બદલ તેમને જુલાઈ, 2002માં મંગોલિયાના રાષ્ટ્રપતિ દ્વારા “ફ્રેન્ડશિપ મેડલ” એનાયત કરવામાં આવ્યો હતો.
અનિલ રાવલ