જોશી, મહાદેવશાસ્ત્રી

January, 2014

જોશી, મહાદેવશાસ્ત્રી (જ. 12 જાન્યુઆરી 1906, અંબેડે, ગોવા; અ. ડિસેમ્બર 1992, પુણે) : ભારતીય સંસ્કૃતિકોશના સંપાદક અને સંકલનકર્તા. તેમનું મૂળ વતન કોંકણ વિસ્તારના દેવગડના પરિસરમાં. તેમના દાદા કીર્તનકાર હતા અને કીર્તન કરવાના હેતુથી એક વાર તેઓ ગોમાંતકના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને તે પ્રદેશનું સૃષ્ટિ-સૌંદર્ય એટલું બધું ગમી ગયું કે ત્યારબાદ તેમણે તેમના પરિવારના કાયમી વસવાટ માટે તે પ્રદેશની પસંદગી કરી. મહાદેવશાસ્ત્રીનું શિક્ષણ પારંપરિક પદ્ધતિ દ્વારા સાંગલી ખાતેની એક પાઠશાળામાં થયું હતું જ્યાં તેમણે વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, નક્ષત્રજ્ઞાન, જ્યોતિષ તથા યાજ્ઞિકીનો ઊંડો અભ્યાસ કર્યો અને તે બધાંમાં નિપુણતા પ્રાપ્ત કરી.

શિક્ષણ પછી સ્વગૃહે પાછા ગયા પછી ભરણપોષણના સાધન તરીકે તેમણે 1926માં ‘સત્તરી શિક્ષણ સંસ્થા’ નામક શાળા સ્થાપવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમને સફળતા સાંપડી ન હતી. થોડોક સમય જ્યોતિષ કાર્યાલય ચલાવી પોતાનું નસીબ અજમાવવાનો પણ તેમણે પ્રયાસ કર્યો, પરંતુ તેમાં પણ ભલીવાર ન આવતાં 1935માં તેમણે કાયમી વસવાટના હેતુથી પરિવાર સાથે પુણે ખાતે સ્થળાંતર કર્યું, જ્યાં એક મંદિરમાં ‘જ્ઞાનેશ્વરી’ પર તેમણે પ્રવચનો શરૂ કર્યાં તથા તે સમયના વિખ્યાત રાષ્ટ્રીય કીર્તનકાર કોલ્હટકરબુઆના મદદનીશ તરીકે તેમની સાથે જોડાયા. એ સાથે ‘ચૈતન્ય’ નામના સામયિકનું સંપાદનકાર્ય પણ હાથમાં લીધું. સમયાંતરે તેમણે તેમની પોતાની ‘જ્ઞાનરાજ’ પ્રકાશનસંસ્થા શરૂ કરી. ઉપરાંત, મરાઠીમાં સ્વતંત્ર ઘાટ ધરાવતી વાર્તાઓ લખવાની પણ તેમણે શરૂઆત કરી. 1934માં તેમની પ્રથમ ટૂંકી વાર્તા ‘રાણ્યાંચે બંડ’ પ્રકાશિત થઈ. 1941માં ‘વેલવિસ્તાર’ શીર્ષકથી તેમનો પહેલો વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો અને ત્યારબાદ 1957 સુધીમાં તેમના દસ વાર્તાસંગ્રહો બહાર પડ્યા. તેમની મોટા ભાગની વાર્તાઓ ગોમાંતકના જનજીવન પર આધારિત હતી. તે પૂર્વે 1954માં ગોમાંતકમાં ભરાયેલ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં તેમની એક વાર્તાને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં એક સારા વાર્તાકાર તથા સંસ્કારપોષક બાળસાહિત્યના સર્જક તરીકે સમગ્ર મહારાષ્ટ્રમાં તેમની ખ્યાતિ પ્રસરી. તેમની કેટલીક મરાઠી વાર્તાઓનો હિંદીમાં પણ અનુવાદ થયો. વાર્તાઓ ઉપરાંત તેમણે મરાઠાઓની શૌર્યગાથાઓ સાથે સંકળાયેલાં સ્થળો, મહારાષ્ટ્રની આગવી સંસ્કૃતિનાં પ્રતીકો તથા મહારાષ્ટ્રના સંસ્કારોની વિશેષતાનું વર્ણન કરતાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં; પરંતુ ભારતમાં માત્ર લેખનકાર્ય કરીને કોઈ લેખક પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકવાની ક્ષમતા ધરાવે તે શક્ય ન હતું. આવા કપરા આર્થિક સંજોગોમાં તેમનાં પત્ની સુધાતાઈ પુણે નગરમાં ઘેર ઘેર ફરીને બંગડીઓ વેચતાં.

મહાદેવશાસ્ત્રી જોશી

1955ની શરૂઆતમાં ગોવા નૅશનલ કૉંગ્રેસના અધ્યક્ષપદે સુધાતાઈની વરણી થઈ  અને તે જ વર્ષના એપ્રિલ માસમાં ગોમાંતકના મ્હાપસે ખાતે તેનું અધિવેશન યોજવામાં આવ્યું, જેમાં ગોવાના મુક્તિસંગ્રામનો શંખ વગાડવામાં આવ્યો. ગોવાના પોર્ટુગીઝ શાસનના વિરુદ્ધમાં કોઈ મહિલાના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવેલો તે સર્વપ્રથમ ખુલ્લો બળવો હતો. પોર્ટુગીઝ શાસન દ્વારા સુધાતાઈની ધરપકડ કરવામાં આવી, તેમના પર કામ ચલાવવામાં આવ્યું તથા તેમને ચાર વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારવામાં આવી. તેમની ગેરહાજરીમાં પરિવારની આર્થિક પરિસ્થિતિ વધારે કથળતી ગઈ, તેમ છતાં મહાદેવશાસ્ત્રી જોશીએ પોતાની પુત્રી તર્કતીર્થ કૃષ્ણાની મદદથી ‘ભારતીય સંસ્કૃતિકોશ’ રચવાનું શકવર્તી કાર્ય હાથમાં લીધું. તેમના પોતાના નાનકડા નિવાસમાં જ આ કોશ માટેનું વિવિધ પ્રકારનું કાર્ય કરવામાં આવતું. સદનસીબે શેઠશ્રી અરવિંદ મફતલાલ તથા ગોવા રાજ્યના નવા વરાયેલા પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંદોડકરે સંસ્કૃતિકોશના કાર્ય માટે આર્થિક સહાય પૂરી પાડી. મહારાષ્ટ્ર અને ગોવા સરકારે પણ તેના માટે અનુદાન મંજૂર કર્યું. ચાર વર્ષની સજા ભોગવીને સ્વગૃહે પાછાં આવ્યા પછી સુધાતાઈ પણ આ કાર્યમાં જોડાયાં અને ઘેર ઘેર ફરીને તેઓ સંસ્કૃતિકોશના ગ્રંથોનું વેચાણ કરતાં.

આ સંસ્કૃતિકોશના દસ ખંડોનાં આઠ હજાર પાનાંઓમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતાં 25,000 જેટલાં અધિકરણો સમાવી લેવામાં આવ્યાં છે. આ વિરાટ કાર્યના પ્રારંભિક વિચારથી માંડી તેનાં આયોજન, સંચાલન અને સંપાદનનું સમગ્ર કાર્ય એકલા હાથે મહાદેવશાસ્ત્રી જોશીએ માત્ર વીસ વર્ષના ગાળામાં પૂરું કર્યું હતું. આ અદભુત કાર્યસિદ્ધિ માટે પુણે વિશ્વવિદ્યાલયે મહાદેવશાસ્ત્રી જોશીને ડૉક્ટર ઑવ્ લિટરેચરની માનદ ઉપાધિ એનાયત કરી હતી.

નવેમ્બર, 1992માં સુધાતાઈનું કૅન્સરથી અવસાન થયું. આવાં શ્રદ્ધેય પત્નીના અવસાનનો આઘાત સહન ન થતાં મહાદેવશાસ્ત્રીએ સ્વેચ્છાથી અન્નજળનો ત્યાગ કર્યો; જેના એક માસ બાદ ડિસેમ્બર 1992માં મહાદેવશાસ્ત્રી જોશીએ દેહત્યાગ કર્યો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે