સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન.
તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન. પિતા ગુરમુખ સિંહ અને માતા અમૃત કૌર. 1947માં દેશનું વિભાજન થયું ત્યારે તેમનો પરિવાર ભારતમાં આવ્યો હતો. બાળપણમાં માતાનું અવસાન થતાં દાદીએ તેમનો ઉછેર કર્યો. શાળાનું પ્રારંભિક શિક્ષણ ઉર્દૂ માધ્યમમાં થયું. તેમણે અમૃતસરની હિન્દુ કૉલેજમાં અભ્યાસ કર્યા પછી હોશિયારપુરમાં અભ્યાસ કર્યો. 1952માં સ્નાતક (ઓનર્સ), 1954માં કૅમબેલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકમાં પ્રથમ વર્ગની પદવી મેળવી. સમગ્ર શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેઓ પ્રથમ સ્થાને જ રહ્યા. 1956માં તેમને ઍડમ સ્મિથ પ્રાઇઝ ઑવ્ કેમ્બ્રિજ મળ્યું અને 1957માં યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજના રેનબરી સ્કૉલર ચૂંટાયા. 1957માં યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રની ટ્રીપોસ પૂર્ણ કરી. કેમ્બ્રિજમાં અભ્યાસ કરી તેઓ ભારત પાછા ફર્યા અને પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે શિક્ષણકાર્ય કર્યું. 1960માં ડીફિલ માટે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા. 1962માં ડીફિલની પદવી મેળવી ભારત પાછા ફર્યા. 1957થી 1969 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના સિનિયર લેક્ચરર, 1959થી 1963 દરમિયાન રીડર અને 1963થી 1965 દરમિયાન પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે 1966થી 1969 દરમિયાન યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઓન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)ના અધ્યક્ષ તરીકે અને 1969થી 1971 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં આંતરરાષ્ટ્રીય વેપારના પ્રોફેસર તરીકે કર્યું.
મનમોહન સિંહની અર્થશાસ્ત્રી તરીકેની ખ્યાતિ અને પ્રતિભાને કારણે લલિત નારાયણ મિશ્રાએ તેમને વિદેશી વેપાર મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર(1972-76)તરીકે નીમ્યા. 1976માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીના માનદ્ પ્રોફેસર બન્યા. 1976થી 1980 દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર બન્યા. મનીલા ખાતે આવેલ એશિયન ડેવલપમેન્ટ બૅન્કના બોર્ડ ઑફ ગવર્નર્સમાં તેમની નિમણૂક થઈ. 1972માં તેઓ નાણામંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા અને 1976થી 80 દરમિયાન નાણામંત્રાલયના સચિવ બન્યા.1980-82માં તેમનો આયોજન પંચમાં સમાવેશ કરવામાં આવ્યો. પ્રણવ મુખર્જી નાણામંત્રી હતા ત્યારે 1982માં તેમને ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર 1985 સુધી રહ્યા. ત્યારબાદ 1985 થી 1987 દરમિયાન આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા. તેઓ 1977થી 1990 સુધી સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા ખાતેના સાઉથ કમિશનના સેક્રેટરી જનરલ બન્યા. 1990થી ’91 દરમિયાન ભારત સરકારની આર્થિક સલાહકાર સમિતિના ચૅરમૅન તથા એટૉમિક એનર્જી કમિશન અને સ્પેસ કમિશનના સભ્ય રહ્યા. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅંક ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર રહ્યા. કૉમનવેલ્થના સેક્રેટરીજનરલ નિમાયા. અને માર્ચ 1991માં યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશનના અધ્યક્ષ બન્યા. જૂન 1991માં તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને નાણાપ્રધાન (21 જૂન, 1991-15 મે,1996)બનાવ્યા. એ વખતે તેઓ લોકસભા કે રાજ્યસભાના સભ્ય ન હતા આથી 1991માં આસામમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે ભારતના સમાજવાદી અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્રમાં બદલવા માટે ઘણી નીતિઓ અમલમાં મૂકી. તેમણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI)ને પડતી અડચણો દૂર કરી તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ શરૂ કર્યું. તેમણે ભારતના અર્થતંત્રને ઉદાર બનાવ્યું. ફુગાવાને અંકુશિત કરી ઉત્પાદકતાને વેગ આપ્યો અને વિદેશી હૂંડિયામણની વ્યવહારુ નીતિ જેવાં અનેક આર્થિક પગલાં દ્વારા મૂડીનું ધોવાણ અટકાવી બહુરાષ્ટ્રીય એકમોને ભારતમાં આવકારવાની નીતિ સ્વીકારી દેશના અર્થતંત્રને નવો વળાંક આપ્યો. દીર્ઘદૃષ્ટિ ધરાવતા, કાર્યક્ષમ પ્રામાણિક અને નિ:સ્વાર્થ નાણાપ્રધાન તરીકે પ્રજામાનસમાં તેઓ આદરભર્યું સ્થાન પામ્યા. 2014 સુધી ભારતે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન પ્રાપ્ત કર્યું. આથી વૈશ્વિક સ્તરે તેમની પ્રતિષ્ઠા વધી. તેઓ 1991 પછી 1995, 2001, 2007 અને 2013માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1998થી 2004 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહ્યા.
1999માં તેઓ દક્ષિણ દિલ્હીથી લોકસભા માટે ચૂંટણી લડ્યા પણ હારી ગયા. 2014ની ચૂંટણી પછી કૉંગ્રેસની આગેવાની હેઠળ યુપીએની રચના કરવામાં આવી. મનમોહન સિંહ સ્વચ્છ રાજકારણી તરીકેની છબી ધરાવતા હતા આથી સોનિયા ગાંધીએ મનમોહન સિંહને વડાપ્રધાન પદ માટે જાહેર કર્યા. આથી સિંહે 22 મે, 2004ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા મહત્ત્વના નિર્ણયો કર્યા.તેમણે મહાત્મા ગાંધી નૅશનલ રુલર એમ્પ્લોયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NHRM), અને શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE) રજૂ કર્યો. 2006માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સ્ટડીઝ (IIMS), ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ્સ ઑફ ટૅક્નૉલૉજી(IITs), ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મૅનેજમેન્ટ(IIMs) અને અન્ય ઉચ્ચશિક્ષણની કેન્દ્રીય સંસ્થાઓમાં 27% બેઠકો અનામત રાખવાની દરખાસ્તનો અમલ કર્યો. આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આઠ આઇઆઇટી ખોલવામાં આવ્યા. ફેબ્રુઆરી, 2009માં યુનિક આઇડેન્ટીફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. તેમણે ભારતની વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા 2006માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ સાથે પરમાણુ સહયોગ સંધિ માટે વાટા ઘાટો કરી. 2009માં ભારતમાં 51મી લોકસભાની ચૂંટણી યોજાઈ. યુપીએની જીત થતાં 22 મે, 2009ના રોજ મનમોહન સિંહએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમની ઉંમર 72 વર્ષની હતી. 2010 તેમના કાર્યકાળ દરમિયાન 2010 કોમનવેલ્થ ગેમ્સના આયોજન, 2જી સ્પેક્ટ્રમ ફાળવણી અને ભારતીય કોલસા ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા. આથી તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી. 17 મે, 2014ના રોજ તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો. 16મી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તેમણે અનિચ્છા વ્યક્ત કરી.
2006માં તેમના સન્માનમાં ઉઝબેકિસ્તાનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. 2010માં વર્લ્ડ સ્ટેટ્સમેન ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ ફોર્બ્સની યાદીમાં 2012માં 19મા અને 2023માં 28મા ક્રમે આવ્યા હતા. 2005માં Time દ્વારા વિશ્વના ટોચના પ્રભાવશાળી લોકોમાં તેમનો સમાવેશ થયો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી, કિંગ સાઉદ યુનિવર્સિટી, મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટી ઑફ ઇન્ટરનેશનલ રિલેશન્સ, યુનિવર્સિટી ઑફ બોલોગ્ના, યુનિવર્સિટી ઑફ જમ્મુ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅક્નૉલૉજી જેવી સુપ્રસિદ્ધ સંસ્થાઓએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી આપી છે. પંજાબ યુનિવર્સિટીએ 2009માં અર્થશાસ્ત્ર વિભાગમાં ડૉક્ટર મનમોહન સિંહ ચૅર બનાવી છે અને સેન્ટ જોન્સન કૉલેજે તેમના નામ પરથી પીએચડી માટે ડૉક્ટર મનમોહન સિંહ શિષ્યવૃત્તિ શરૂ કરી છે. 2017માં શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને બી.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ પંજાબ યુનિવર્સિટી મેડલ અને એમ.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવવા માટે ઉત્તરચંદ કપૂર મેડલ મળ્યો હતો. સેન્ટ જોન્સ કૉલેજમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે રાઇટ પુરસ્કાર (1955) અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એડમ સ્મિથ પુરસ્કાર(1956) આપવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ બૅન્કર્સના માનદ્ ફેલો (1982), ઓલ ઇન્ડિયા મૅનેજમેન્ટ એસોસિયેશનના માનદ્ ફેલો (1994), લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ફેલો (1994), નૅશનલ એકૅડેમી ઑફ ઍગ્રિકલ્ચરલ સાયન્સના ફેલો (1999) અને ઇન્ડિયન ઇકૉનૉમિક એસોસિયેશનના પ્રમુખ (1985) તરીકે ચૂંટાયા. 1987માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ પુરસ્કાર (1995), એશિયા પુરસ્કાર(1997), જસ્ટિસ કે. એસ. હેગડે ફાઉન્ડેશન ઍવૉર્ડ (1997), લોકમાન્ય તિલક પુરસ્કાર (1997), એચ. એચ. કાંચી શ્રી પરમાચાર્ય ઍવૉર્ડ ફોર એક્સેલેન્સ (1999), અન્નાસાહેબ ચિરમૂલે પુરસ્કાર (2009), શ્રેષ્ઠ સંસદસભ્યનું સન્માન (2002), જાપાન સરકાર ઑર્ડર ઑફ ધ પાઉલોનિયા ફ્લાવર્સ (2014), સાઉદી અરેબિયા દ્વારા ઑર્ડર ઑફ અબ્દુલ અઝીઝ અલ સાઉદ તેમને આપવામાં આવ્યો હતો. સિંહના જીવન પર આધારિત 2019માં ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ બની હતી.
રક્ષા મ. વ્યાસ
અનિલ રાવલ