ફિલિપ્સ, વિલિયમ ડેનિલ (Phillips, William Daniel) (જ. 5 નવેબ્મર 1948, પેન્સિલ્વેનિયા, યુ.એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે વિલિયમ ડેનિલ ફિલિપ્સ, સ્ટીવન ચુ તથા ક્લૉડ કોહેન – તનુજીને પ્રાપ્ત થયો હતો.

વિલિયમ ડેનિલ ફિલિપ્સના પિતા બ્રિટિશ હતા તથા માતા ઇટાલિયન હતાં. 1970માં વનિતા કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટૅકનૉલૉજી (NIST)માં જોડાયા. અહીં તેમણે પરમાણુઓનું શીતલન તથા ચુંબક-પ્રકાશિકી પ્રગ્રહણ કરવાની પદ્ધતિ વિકસાવી, જે માટે તેઓએ લેસર પ્રકાશનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિને લીધે પરમાણુઓ ધીમા પડે છે તેથી વૈજ્ઞાનિકો પ્રત્યેક પરમાણુનો અત્યંત ચોકસાઈપૂર્વક અભ્યાસ કરી શકે છે. આ પદ્ધતિનો ઉપયોગ ચોકસાઈયુક્ત પરમાણુ-ઘડિયાળ બનાવવામાં થાય છે.

હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ મૅરીલૅન્ડ, કૉલેજપાર્કમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક છે. 1982માં તેમને મૅરીલૅન્ડ એકૅડેમી તરફથી ‘યુવા વૈજ્ઞાનિક’નો પુરસ્કાર મળ્યો. 1983માં ડિપાર્ટમેન્ટ ઑવ્ કૉમર્સ તરફથી રજન ચંદ્રક તથા 1993માં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયા. 1996માં તેમને ફ્રૅન્કલિન ઇન્સ્ટિટ્યૂટ તરફથી માઇકલસન ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. 1999માં તેમને ગોલ્ડન પ્લેટ પુરસ્કાર મળ્યો. ત્યારબાદ 2005માં પ્રેસિડેન્સિયલ રૅન્ક પુરસ્કાર તથા 2006માં ‘સર્વિસ ટુ અમેરિકા’ પુરસ્કાર પ્રાપ્ત થયા. ‘ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સાયન્સ ઍન્ડ રિલિજિયન’ના તેઓ સ્થાપક સભ્ય છે. વિજ્ઞાન અને ધર્મ વચ્ચેના વાર્તાલાપને પ્રોત્સાહન આપવા માટે તેઓ ઘણા સક્રિય છે.

પૂરવી ઝવેરી