સ્યમંતક મણિ  : યાદવ રાજા સત્રાજિતને સૂર્યની કૃપા-પ્રસાદી રૂપે મળેલો મણિ, જે તેજસ્વી, રોગનાશક, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર અને નિત્ય સુવર્ણ આપનારો હતો. શ્રીકૃષ્ણે એ મણિ રાજા ઉગ્રસેન માટે માગ્યો પણ સત્રાજિતે એ આપવાનો ઇનકાર કર્યો.

એક દિવસ સત્રાજિતનો નાનો ભાઈ પ્રસેનજિત એ મણિને ગળામાં પહેરીને શિકાર કરવા ગયો. ત્યાં એક સિંહે તેને મારી નાખી મણિ લઈ લીધો. એ સિંહને મારીને જાંબવાન નામના રીંછે મણિ લઈને પોતાની ગુફામાં તેને સંતાડી દીધો. ભાઈને વનમાંથી પાછો ફરેલો ના જણાતાં સત્રાજિતે દ્વારકાવાસીઓ સમક્ષ કૃષ્ણ પર આરોપ લગાવ્યો કે શ્રીકૃષ્ણે પ્રસેનજિતને મારી નાખીને સ્યમંતક મણિ લઈ લીધો છે. આ મિથ્યા આરોપને લઈને સત્યની શોધ માટે શ્રીકૃષ્ણ વનમાં ગયા અને મણિનું પગેરું કાઢતાં છેક જાંબવાનની ગુફા સુધી પહોંચી ગયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જાંબવાન પરાજિત થયો અને તેણે શ્રીકૃષ્ણના સામર્થ્યનો સ્વીકાર કરી પોતાની પુત્રી જાંબવતી અને મણિ શ્રીકૃષ્ણને સુપરત કર્યાં. દ્વારકા પરત આવીને શ્રીકૃષ્ણે સત્રાજિતને મણિ સોંપી પોતાના પર આવેલા ચોરીના આળને ફેડી નાખ્યું. સત્રાજિતે ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાનાં લગ્ન શ્રીકૃષ્ણ સાથે કર્યાં. વસ્તુતઃ સત્યભામા સાથે અક્રૂર અને શતધન્વા લગ્ન કરવા ઝંખતા હતા. એટલે શ્રીકૃષ્ણની અનુપસ્થિતિમાં શતધન્વાને હાથે સત્રાજિતનો ઘાત કરાવ્યો અને મણિ કબજે લીધો. સત્યભામાએ શ્રીકૃષ્ણ દ્વારા શતધન્વાનો વધ કર્યો પરંતુ મણિ તો અક્રૂરે કબજે કર્યો હતો તેથી એ મણિ અક્રૂર પાસે રહ્યો.

પ્રવીણચંદ્ર પરીખ