સત્યકામ : ઉપનિષદકાલના એક પ્રખ્યાત તત્વદર્શી, જેઓ પોતાની સત્યવાદિતાને કારણે પ્રસિદ્ધ છે. તેઓ ગૌતમઋષિ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા ત્યારે ઋષિ એમનું ગોત્ર પૂછતાં સત્યકામે નિર્ભય થઈને જવાબ આપ્યો કે મને મારા ગોત્રની ખબર નથી. મારી માતાનું નામ જાબાલા છે અને મારું નામ સત્યકામ છે. મારા પિતા પોતાની યુવાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતા અને ઘરમાં અતિથિ આવ્યા જ કરતા હતા. માને એટલોય સમય નહોતો મળતો કે તે મારા પિતાને એમનું ગોત્ર પૂછી લે. સત્યકામના આ સ્પષ્ટ ઉત્તરથી પ્રસન્ન થઈને ઋષિ ગૌતમે તેને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો. તેમણે શિષ્યને 400 ગાયો આપી અને એક હજાર વર્ષ પછી આવવા કહ્યું.

સત્યકામ જાબાલને ગુરુએ આપેલી અવધિમાં વાયુ, અગ્નિ, સૂર્ય અને પ્રાણદેવતાએ અનુક્રમે વૃષભ, અગ્નિ, હંસ અને જલમૃગનું રૂપ ધારણ કરીને બ્રહ્મજ્ઞાન આપતા રહ્યા. અવધિ પૂરી થતાં ગુરુના આશ્રમમાં ગયો જ્યાં ગુરુએ તેના ચહેરા પરનું તેજ જોઈને કહ્યું કે તને સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે. તને જે જ્ઞાન થયું છે એનાથી વિશેષ જ્ઞાન આ સંસારમાં સંભવ નથી.

પ્રવીણચંદ્ર પરીખ