મન કી બાત : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’.
‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો. શક્ય એટલા વધુ લોકો સુધી મન કી બાત પહોંચે એ માટે 2 જૂન, 2017થી આ કાર્યક્રમ પ્રાદેશિક બોલીઓમાં પણ પ્રસારિત થયો. આ કાર્યક્રમ દર મહિને ઑલ ઇન્ડિયા રેડિયો, ડીડી નૅશનલ અને ડીડી ન્યૂઝ પરથી પ્રસારિત થાય છે.
વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે ‘મન કી બાત’ કાર્યક્રમ રેડિયોના માધ્યમ દ્વારા દેશની જનતા સુધી પહોંચવાનું એક માધ્યમ છે. આ કાર્યક્રમ ભારતના નાગરિકોને વડા પ્રધાનના રેડિયો સંબોધન દ્વારા જોડાવા, સૂચન કરવા અને સહભાગી થવાની તક પૂરી પાડે છે. લોકો પોતાના આઇડિયા અને સૂચનો MyGovના ટોલ ફ્રી નંબર 1800117800 પર કરી શકે છે.31 જાન્યુઆરી, 2016ના રોજ પ્રસારિત થયેલા સોળમા એપિસોડમાં વડાપ્રધાને જાહેરાત કરી હતી કે, હવેથી ‘મન કી બાત’ કાર્યક્રમ મોબાઇલ દ્વારા 8190881908 પર મિસ્ડ કૉલ કરીને પણ સાંભળી શકાશે.
‘મન કી બાત’ કાર્યક્રમ 23 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત થાય છે. 29માંથી 25 ઉત્તરપૂર્વ અને 4 છત્તીસગઢની બોલીઓનો સમાવેશ થાય છે. 28 મે, 2017થી સંસ્કૃતમાં પ્રસારણ થાય છે. આ ઉપરાંત ફ્રેન્ચ, તિબેટીયન, બલુચી, ચાઇનીઝ, અરેબિક, ઇન્ડોનેશિયન, પસ્તુ સહિત 11 વિદેશી ભાષાઓમાં પણ પ્રસારણ થાય છે.
‘મન કી બાત’ કાર્યક્રમ 23 કરોડ લોકો નિયમિતપણે જુએ કે સાંભળે છે. જ્યારે 41 કરોડ લોકો અનિયમિતપણે જુએ કે સાંભળે છે. 100 કરોડ કરતાં વધુ લોકોએ ઓછામાં ઓછા એક વખત આ કાર્યક્રમ જોયો કે સાંભળ્યો છે. પહેલા પંદર એપિસોડમાં લોકો તરફથી વૅબસાઇટ પર 61,000થી વધુ આઇડિયા અને 1,43,000 ઑડિયો રેકૉર્ડિંગ મળ્યા હતા.
27 જાન્યુઆરી, 2015માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 29 સપ્ટેમ્બર, 2019ના એપિસોડમાં લતા મંગેશકર અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
‘મન કી બાત’ કાર્યક્રમ ઑલ ઇન્ડિયા રેડિયો માટે આવકનો મોટો સ્રોત સાબિત થયો છે. ઈ. સ. 2015માં ઑલ ઇન્ડિયા રેડિયો પર સામાન્ય રીતે 10 સેકંડની જાહેરાતનો ભાવ 500થી 1500 હતો, પરંતુ ‘મન કી બાત’ કાર્યક્રમ માટે જાહેરાતનો ભાવ 2 લાખ હતો.
‘મન કી બાત’માં નરેન્દ્ર મોદીએ જળ અને વનસંરક્ષણ, પરીક્ષા, સંસ્કૃતિ, સ્વચ્છતા, જવાનોની બહાદુરી, પદ્મશ્રી વિજેતાઓનાં કાર્યો, જી-20, સ્ટાર્ટ-અપ, ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, પ્રાકૃતિક ખેતી, હર ઘર તિરંગા જેવા વિવિધ વિષયોની દેશવાસીઓ સાથે વાત કરી છે. તેમણે 99 પ્રસારણ દરમિયાન 307 વખત સ્ત્રીસશક્તીકરણ, 28 વખત સ્વાસ્થ્ય જાગૃતિ, 24 વખત જવાનોની બહાદુરી, 14 વખત ખાદી, 30 વખત યોગ, 23 વખત રમતગમત અને તેમાં સિદ્ધિઓ, 52 વખત સ્વચ્છતાની તેમજ 730 પ્રેરણાત્મક વાતો કરી છે.
‘મન કી બાત’ના 100મા કાર્યક્રમના પ્રસારણ માટે દેશભરમાં 4 લાખ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
અનિલ રાવલ