પદુકોણ દીપિકા (જ. 5 જાન્યુઆરી 1986, કોપનહેગન, ડેન્માર્ક –) : જાણીતાં અભિનેત્રી.

દીપિકા પદુકોણ એ જાણીતા બૅડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી છે. એમનાં માતાનું નામ ઉજ્જ્વલા પદુકોણ. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. કોંકણી બોલી બોલે છે. દીપિકાનું બાળપણ અને યુવાની બૅંગાલુરુમાં પસાર થયાં. પિતાની જેમ તે પણ સ્કૂલ–કૉલેજના દિવસોમાં બૅડમિન્ટન રમતી હતી અને રાષ્ટ્રીય સ્તરની એક ખેલાડી હતી. તેનો પ્રારંભિક અભ્યાસ બૅંગાલુરુની સોફિયા હાઈસ્કૂલ અને ત્યાર પછી માઉન્ટ કાર્મેલ કૉલેજમાં થયો. ત્યાર બાદ બેચલર્સ ઑફ આર્ટ્સ માટે ઇન્દિરા ગાંધી નૅશનલ ઓપન યુનિવર્સિટીમાં દાખલ થાય છે. તેની નાની બહેન અનીશા ગોલ્ફની નૅશનલ લેવલની ખેલાડી છે. દીપિકાએ બૅડમિન્ટન રમત છોડીને જાહેરાતો માટે મૉડલિંગ શરૂ કર્યું. મૉડલિંગના કારણે તેને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. આમ તો દીપિકાએ એક મૉડલ તરીકે આઠ વર્ષની ઉંમરે કામ કરવું શરૂ કરેલું. એ સમયે તે બેઝબૉલના એક ખેલાડી તરીકે પણ રાજ્યસ્તરે રમતી હતી.

દીપિકા પદુકોણ

એક મૉડલ તરીકે ટેલિવિઝન પર તેની લિરિલ સાબુ માટેની જાહેરાતથી કેટલાક લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. મૉડલિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માટે દીપિકા બૅંગાલુરુથી મુંબઈ રહેવા આવે છે. મૉડલિંગની કૅરિયર દરમિયાન દીપિકાએ લેકમે ફૅશન વીકમાં ભાગ લીધો અને કિંગફિશરના કૅલેન્ડરમાં પ્રગટ થઈ. હિમેશ રેશમિયાના એક વીડિયો આલબમ ‘નામ હૈ તેરા’માં રજૂ થવાથી તેને વ્યાપક સ્વીકૃતિ મળે છે. 2006માં તેને ફિલ્મમાં અભિનય કરવાની ઑફર મળવા લાગી. દીપિકાએ પોતાને મળતી ઑફરોને ધ્યાનમાં લઈને અભિનયની વ્યવસ્થિત તાલીમ લેવા માટે  અનુપમ ખેરની એકૅડેમીમાં પ્રવેશ લીધો. એની પ્રથમ ફિલ્મ ‘ઐશ્વર્યા’ કન્નડમાં હતી. હિમેશ રેશમિયાના મ્યુઝિકલ આલબમમાં ફરાહખાને તેને જોતાં જ તેની ફિલ્મ ‘ઓમ્ શાંતિ ઓમ્’ માટે પસંદ કરી. 2007માં એણે એનો પ્રથમ ડબલ રોલ હિન્દી ફિલ્મ ‘ઓમ્ શાંતિ ઓમ્’માં કર્યો જેમાં એણે શાહરૂખ ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે અભિનય કરેલો. અને એ જ વર્ષે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ રોલ માટે ઍવૉર્ડ મળ્યો. આ ફિલ્મ વ્યાવસાયિક રીતે બહુ સફળ રહી. બીજી ફિલ્મ ‘લવ આજકલ’ (2009) આવી જેમાં તેનો એક રોમૅન્ટિક રોલ હતો. પણ આ ફિલ્મ અત્યંત નિષ્ફળ રહી.

રોમૅન્ટિક કૉમેડીના રોલમાં તે વધુ સફળ થાય છે એવી માન્યતા સાથે તે પછી કેટલીક ફિલ્મો આવી જે બધીએ તેને એક ચોક્કસ બીબામાં ઢાળી દીધી. આવી ફિલ્મોમાં ‘કોકટેઇલ’ (2012), ‘યે જવાની હૈ દીવાની’ (2013), ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ (2013), ‘હેપી ન્યૂ ઇયર’ (2014) હતી. પણ પછી કેટલીક પડકારરૂપ ભૂમિકામાં દીપિકા દીપી ઊઠી. આવી ફિલ્મોમાં ‘બાજીરાવ મસ્તાની’ (2015), ‘પદ્માવત’(2018)નો સમાવેશ થાય છે. આ ફિલ્મોથી દીપિકાએ તેની અભિનયક્ષમતા પુરવાર કરી. દરમિયાન બે મહત્વની ફિલ્મને પણ યાદ કરવી રહી તે ‘ગોલીઓ કી રાસલીલા : રામલીલા’(2013)માં તેણે જુલિયટનો રોલ તો ‘પીક્કુ’(2015)માં શીર્ષક ભૂમિકા કરી. ફિલ્મ પીક્કુના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળે છે. ફિલ્મનિર્માણ માટે દીપિકા પોતાની ફિલ્મનિર્માણ કંપની  – કા પ્રોડક્શનનો આરંભ કરીને બે ફિલ્મો ‘છપાક’ (2020) અને ‘83’(2021)નું નિર્માણ કરે છે પણ બંને નિષ્ફળ જાય છે. આ દરમિયાન એક હોલિવુડની અંગ્રેજી ફિલ્મ ‘XXX: રિટર્ન ઑફ ઝેન્ડર કેજ’(‘XXX: Return of Xender Cage’ – 2017)માં પણ અભિનય કર્યો છે.

દીપિકા પદુકોણે હિન્દી સિનેમાના નામાંકિત દિગ્દર્શકો જેવા કે સંજય લીલા ભણસાલી, ઇન્દ્રજિત લંકેશ, ફરાહ ખાન, નિખીલ અડવાની, ઇમ્તિયાઝ અલી, રોહિત શેટ્ટી, પ્રદીપ સરકાર, આશુતોષ ગોવારીકર, પ્રકાશ ઝા, રોહિત ધવન સાથે કામ કર્યું છે. તો અભિનેતાઓમાં રણવીર સિંહ, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, શાહિદ કપૂર, શાહરૂખ ખાન, અક્ષયકુમાર, અભિષેક બચ્ચન જેવા પ્રથમ હરોળના અભિનેતાઓ સાથે અભિનય કર્યો છે. દીપિકાએ હિન્દી ઉપરાંત કન્નડ અને તમિળ ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. દીપિકાને સ્ક્રીન ઍવૉર્ડ તથા ત્રણ વખત ફિલ્મફેર ઍવૉર્ડ મળેલા છે.

સહઅભિનેતા સાથે થયેલા પ્રણયમાં મળેલ નિષ્ફળતા અને તેના પરિણામે આવેલા ડિપ્રેશનના કારણે દીપિકાને સારવાર લેવી પડી હતી. આ સમસ્યામાંથી બહાર આવ્યા બાદ દીપિકા લીવ, લવ લાઇફ ફાઉન્ડેશન(Live Love Lough Foundation)ની સ્થાપના કરે છે અને ડિપ્રેશનના ભોગ બનેલા લોકોને મદદ કરે છે. દીપિકાનું નામ ડ્રગ કેસમાં પણ સંડોવાય છે.પણ કોઈ પુરાવા ન મળતાં તેની સામે કોઈ આરોપનામું દાખલ થતું નથી.

2017માં સહઅભિનેતા રણવીર સિંહ સાથે દીપિકાએ લગ્ન કર્યાં છે.

અભિજિત વ્યાસ