મહોબાનાં મૂર્તિશિલ્પો : ચંદેલા રાજા કીર્તિવર્માના સમય (11મી સદી)નાં બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મોને લગતાં મૂર્તિશિલ્પો અને અન્ય કલાકૃતિઓ મહોબા અને આસપાસના વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં બોધિસત્વ સિંહનાદ અને પદ્મપાણી અવલોકિતેશ્વરની મૂર્તિઓ શ્રેષ્ઠ છે. જમણા હાથમાં નાગ વીટ્યું ત્રિશૂળ ધારણ કરીને મહારાજ લીલાસનમાં સિંહ પર બેઠેલા સિંહનાદના જટામુકુટની પાછળ કમળપત્રનું પ્રભામંડળ કંડાર્યું છે. તેમની જટામાંથી છૂટી પડીને સ્કંધ પર પથરાયેલી લટોમાં સૈકાઓ પછી પણ ગુપ્તકલાનો પ્રભાવ ટકી રહેલો હોવાનું સૂચવે છે. બોધિસત્વની બેસવાની છટા, અંગ પર ધારણ કરેલ વૈવિધ્યપૂર્ણ અલંકારો, સિંહનું પરંપરાગત પણ કાળજીપૂર્વકનું આલેખન, મરોડદાર અક્ષરમાં લખાયેલ અભિલેખ વગેરેને કારણે આ મૂર્તિ અનુપમ બની છે. અવલોકિતેશ્વરની મૂર્તિ પણ આવાં જ લક્ષણો ધરાવતી સરસ પ્રતિમા છે. મહોબામાંથી મળેલી બૌદ્ધ દેવી તારા અને ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ પણ મધ્યકાલીન બૌદ્ધ કલાના સુંદર નમૂનાઓ છે. એમાં બુદ્ધના મસ્તક પરનું લગભગ મુકુટઘાટનું ઉષ્ણીય, મૂર્તિની પાટલી પરનું અને પીઠ પાછળનું રૂપાંકન સમૃદ્ધ અને મોહક છે.
પ્રવીણચંદ્ર પરીખ