મહોબા (મહોત્સવનગર) : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તરપ્રદેશની દક્ષિણ સરહદે ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 20´ ઉ. અ. અને 79° 00´ પૂ. રે.ની આજુબાજુનો 3,068 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હમીરપુર, પૂર્વમાં બાંદા, દક્ષિણે મધ્યપ્રદેશની સરહદ તથા પશ્ચિમે ઝાંસી જિલ્લો આવેલા છે. જિલ્લાનું મહોબા નામ જિલ્લામથક મહોબા પરથી પાડવામાં આવેલું છે.

મહોબા જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ ટેકરીઓ અને ઉચ્ચપ્રદેશથી બનેલું છે. દક્ષિણ તરફ ટેકરીઓની સંખ્યા વિશેષ છે. મહોબા અને કુલપહાડ તાલુકાઓ પહાડી પ્રદેશથી બનેલા છે. અહીં નાઇસ પ્રકારના વિકૃત ખડકો વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી, આર્થિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતા કેટલાક ખડકો અને ચિરોડી પણ મળી આવે છે. ધસાણ, ઊર્મિલ, બરમા અને અર્જુન અહીંની મુખ્ય નદીઓ છે. સિંચાઈ માટે તૈયાર કરેલા મદનસાગર, કિરાતસાગર, કલ્યાણસાગર અને વિજયસાગર જેવાં માનવસર્જિત ભવ્ય જળાશયો માટે આ જિલ્લો જાણીતો બનેલો છે.

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. અહીં કાળી અને આછા રંગની જમીનો આવેલી છે. જુવાર, બાજરી, ડાંગર, કપાસ, ઘઉં, કઠોળ અને નાગરવેલનાં પાન આ જિલ્લાના મુખ્ય કૃષિપાકો છે. સૈકાઓથી અહીં નાગરવેલનાં પાનની ખેતી થાય છે. મહોબા અને કુલપહાડ ખાતે અફીણ અને તમાકુની ખેતી પણ થાય છે. નહેરો અને કૂવા અહીંના મુખ્ય સિંચાઈ-સ્રોત છે.

અહીંનાં મુખ્ય પાલતુ પશુઓમાં ગાયો, ભેંસો અને ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે. જિલ્લાના મોટાભાગના લોકો દૂધ માટે પશુઓ પાળે છે. પહાડી પ્રદેશોમાં ઘેટાં-બકરાંનું પાલન મુખ્યત્વે દૂધ અને માંસ માટે કરવામાં આવે છે, ઊનની ઊપજ ભાગ્યે જ લેવાય છે.

ઉદ્યોગવેપાર : મોટા પાયા પરના ઉદ્યોગો અહીં બિલકુલ વિકસ્યા નથી. કુલપહાડની ઉત્તરે સેંકડો માણસો અહીંની ટેકરીઓમાંથી મળી રહેતા સોપસ્ટોનમાંથી બીબાઢાળ કટોરા બનાવવામાં રોકાયેલા છે. હાથવણાટનું જાડું કાપડ મહોબાના મુસ્લિમ લોકો સ્થાનિક ઉપયોગમાં લેવા માટે બનાવે છે. તેનું એકમાત્ર એકમ કાબરાઈ ખાતે આવેલું છે. તેમાં વર્ષમાં લાખો રૂપિયાનો માલ તૈયાર થાય છે. મહોબા વર્ષોથી નાગરવેલનાં પાન માટે જાણીતું છે. આ જિલ્લામાં હાથવણાટના અને ખાદીના કાપડનું; કૃષિસાધનો, પગરખાં, ગોળ, પિત્તળનાં બાવલાં, તમાકુ, પથ્થરો અને ઈંટોનું ઉત્પાદન લેવાય છે. આ જિલ્લામાંથી ઘઉં, કમળ-મૂળ, માછલીઓ, ખાદ્યાન્ન, કોથમીર-બીજ, તમાકુ, નાગરવેલનાં પાન, સરસવનું તેલ તથા પથ્થરોની નિકાસ થાય છે; જ્યારે યંત્રસામગ્રી, કાપડ, ખાંડ, કરિયાણું, કેરોસીન, ધાતુઓ, સિમેન્ટ, પ્લાસ્ટિક, પિત્તળ, લોખંડ વગેરેની આયાત કરવામાં આવે છે.

પરિવહનપ્રવાસન : ઝાંસીથી બાંદા જતા બ્રૉડગેજ રેલમાર્ગ પર મહોબા અગત્યનું રેલમથક છે. તે ઉપરાંત ગુટાઈ, કાબરાઈ અને કુલપહાડ અન્ય રેલમથકો છે. 44 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પશ્ચિમથી પૂર્વ તરફ પસાર થાય છે. તે જિલ્લાના બધા તાલુકાઓને આવરી લે છે. અહીંના માર્ગો પર રાજ્ય-પરિવહનની બસસેવા ઉપલબ્ધ છે.

ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતું મહોબા જિલ્લાનું પ્રવાસલાયક અગત્યનું નગર ગણાય છે. આ નગર ઘણું જ પ્રાચીન હોવાનું મનાય છે. ચંદ બરદાઈના કાવ્યમાં આ નગરનો ‘મોહત્સવ’ અથવા ‘મોહત્સવનગર’ તરીકે ઉલ્લેખ થયેલો છે. બુંદેલખંડના તત્કાલીન શાસકો ચંદેલાઓ હતા. તેમના ઇતિહાસ સાથે મહોબા નગર સંકળાયેલું છે. આ નગરથી નૈર્ઋત્યમાં 3 કિમી. અંતરે આવેલા રોહિલા ખાતે ત્યાંના પ્રથમ રાજવીએ મંદિર અને તળાવ બંધાવેલાં. મદનસાગર (જળાશય) નજીક આવેલા શિવના કાકરામઠો પ્રવાસીઓ માટેનાં આકર્ષણમથકો છે. મદનસાગર નજીક ચંદેલા રાજવીઓનાં ઉનાળુ આરામગૃહોના અવશેષો આજે પણ જોવા મળે છે. મદનસાગરના ઉત્તર કાંઠે ચંદેલાઓના ઇષ્ટદેવનું મંદિર આવેલું છે. કિરાતસાગર નજીકની ટેકરીના મથાળે કનોજના જયચંદના એક અધિકારીનું સ્મારક પણ એ જ કાળનું છે. ઉપર જણાવેલાં મદનસાગર, કિરાતસાગર, કલ્યાણસાગર અને વિજયસાગર અહીંનાં જોવાલાયક ભવ્ય જળાશયો છે. મહોબા ખાતે ઘણાં જૈન અને બૌદ્ધ મંદિરો પણ છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા અને ઉત્સવો યોજાતા રહે છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી 1991 મુજબ 5,68,165 જેટલી છે. હિન્દી અહીંની મુખ્ય ભાષા છે. મહોબા, કુલપહાડ, ખારેલા, કાબરાઈ અને ચરખારી આ જિલ્લાનાં મુખ્ય મથકો છે. જિલ્લાનાં આ મથકો ખાતે શિક્ષણના જુદા જુદા તબક્કાઓની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકાઓ અને 4 સમાજવિકાસ- ઘટકોમાં વહેંચેલો છે. અહીંનાં બધાં જ નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.

ઇતિહાસ : 1995ના ફેબ્રુઆરીની 11મી તારીખે હમીરપુર જિલ્લાનું વિભાજન કરીને મહોબા જિલ્લાની રચના થઈ છે. મહોબાનો ભવ્ય ઇતિહાસ બુંદેલખંડ પરના સાતમીથી ચૌદમી સદી સુધીના ચંદેલા વંશના રાજાઓના શાસન સાથે સંકળાયેલો છે. ચંદેલા વંશ અગાઉ મહોબા ગાહડવાલ રાજપૂતોને હસ્તક હતું. તેમના પછી પઢિયારોનું શાસન આવેલું. તેઓ ઈ. સ. 621ના અરસામાં ચંદેલ નાયકોના પ્રથમ નાયક ચંદ્રવર્માના હાથે ફેંકાઈ ગયા. 1203માં ચંદેલાઓનું પતન થયું. તે પછી બુંદેલખંડમાં બ્રિટિશ હકૂમતની અસર આવી ત્યાં સુધી રાજકીય અવ્યવસ્થા રહેલી. આ જિલ્લાનો ઇતિહાસ સોળમી સદીના પ્રારંભથી હમીરપુર જિલ્લાની રચના થઈ ત્યાં સુધી એકસરખો રહેલો.

ગિરીશભાઈ પંડ્યા