બુદ્ધ (વૈદિક પ્રતીક) : બુદ્ધના લોકોત્તર રૂપનું વૈદિક પ્રતીક. બુદ્ધના માનુષી રૂપ – ગૌતમ બુદ્ધ વિશે સાહિત્યે ગમે તેવાં વર્ણનો કર્યાં હોય પણ બુદ્ધના લોકોત્તર રૂપનો આધાર તો વૈદિક પ્રતીક છે. ‘લલિત વિસ્તર’માં બુદ્ધની જીવનલીલાનાં વર્ણનનો વિસ્તાર એ ધર્મના લોકોત્તરવાદી આચાર્યોએ વૈદિક પ્રતીકોના આધારે કર્યો છે. દા. ત., તુષિત સ્વર્ગનો શ્વેત હાથી, માતુકુક્ષિ દ્વારા જન્મ, સપ્તપદ, શીતોષ્ણ જલધારા દ્વારા પ્રથમ અભિષેક, બોધિવૃક્ષ, બોધિમણ્ડ, મારઘર્ષણ, ઇન્દ્રશૈલગુફા, વાનરો દ્વારા મધના પ્યાલાનો ઉપહાર, લોકપાલો દ્વારા પ્રાપ્ત ચાર ભિક્ષાપાત્રોનું એક ભિક્ષાપાત્રમાં પરિવર્તન, અગ્નિજ્વાળાઓ અને જલધારાઓનું દેહદ્વારા પ્રકટીકરણ કરાવી સહસ્રબુદ્ધરૂપ દર્શન – આ તમામ માનુષી બુદ્ધના જીવનપ્રસંગો નથી, પરંતુ બુદ્ધના પ્રતીકાત્મક જીવનની લીલાઓ છે. એ તમામના ઊંડાણમાં વૈદિક પરંપરા અને રહસ્યો રહેલાં છે. વૈદિક પરંપરા પ્રમાણે બુદ્ધ સૂર્યનું પ્રતીક છે. માતૃકુક્ષિ દ્વારા જન્મ જીવન અથવા પ્રાણનો અજ્ઞાત સ્રોત હોવાનું સૂચવે છે. શ્વેત હાથી વિરાટ સંચિત કે ચેતનાનો સંકેત છે. શીતોષ્ણ જલનો અભિષેક વિશ્વવ્યાપી અગ્નિસોમાત્મક દ્વંદ્વનો ભાવ પ્રગટ કરે છે. વાનર ઇંદ્રનો સહયોગી વૃષ્ટા છે. બુદ્ધનો અગ્નિ અને જલનો ચમત્કાર સ્પષ્ટતઃ આધ્યાત્મિક પ્રતીક છે. એ જ વૈદિક અગ્નિ અને સોમ છે. પ્રત્યેક વ્યક્તિનું શરીર અગ્નિ અને જલથી સંચિત છે. સહસ્ર બુદ્ધ અનંતનું પ્રતીક છે. વૈદિક પરંપરાના ઉપલક્ષમાં કદાચ ‘લલિત વિસ્તર’માં કહ્યું છે કે બુદ્ધે ધર્મચક્રપ્રવર્તન કર્યું તે પૂર્વે અનેક તથાગત, અર્હત, સમ્યક્ બુદ્ધ કરી ચૂક્યા છે. ધર્મચક્ર એ શાશ્વત બ્રહ્મચક્રના સંકેતરૂપ છે.
પ્રવીણચંદ્ર પરીખ