બુદ્ધઘોષ (ઈ. સ. 380થી 440) : પ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય. તેમના જીવન વિશેની માહિતી ‘ચૂલવંશ’, ‘બુદ્ધઘોસુપ્પત્તિ’, ‘શાસનવંશ’, ‘ગ્રંથવંશ’ અને ‘સદ્ધમ્મસંગહ’માંથી મળે છે. પ્રથમ બે ગ્રંથો મહત્વના છે, બાકીના ગ્રંથો આ બે ગ્રંથોને આધારે વૃત્તાન્ત આપે છે. આ બેમાં પણ ‘ચૂલવંશ’ જ અધિક પ્રમાણભૂત ગણાય છે.

બુદ્ધઘોષ જન્મે બ્રાહ્મણ હતા. તેમનો જન્મ બોધિગયા પાસે કોઈ સ્થાને થયો હતો. લંકાના જાણીતા રાજા મહાનામના સમયમાં (ઈ. સ. 402થી 424) તેઓ લંકા ગયા હતા. વળી તેમના એક ગ્રંથનો ચીની ભાષામાં અનુવાદ ઈ. સ. 488માં થયો હતો. તેમણે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. માતાપિતાની સંમતિથી તેમણે બૌદ્ધ પ્રવ્રજ્યા લીધી. તેમના ગુરુ રેવત સ્થવિર હતા. તેમની પાસે તેમણે ત્રિપિટકોનો અભ્યાસ કર્યો. ‘બુદ્ધઘોષ’ નામ તેમને ગુરુએ આપ્યું હતું. પ્રવ્રજ્યા લઈ ગુરુના આદેશથી તેઓ લંકા ગયા. લંકામાં રહી તેમણે સિંહાલી અટ્ઠકથા-ગ્રંથોનું શ્રવણ કર્યું અને આચાર્યપરંપરાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વળી, તેમણે ‘વિસુદ્ધિમગ્ગ’ (વિશુદ્ધિમાર્ગ) નામનો ગ્રંથ રચ્યો અને સિંહાલી અકથાઓનું પાલિમાં ભાષાન્તર કર્યું. આ કાર્ય સમાપ્ત કરી તેઓ લંકાથી ભારત પાછા આવ્યા. તેમનું મૃત્યુ બોધિગયામાં થયું.

બુદ્ધઘોષે પોતે ‘મજ્ઝિમનિકાય’ની અટ્ઠકથામાં જણાવ્યું છે કે લંકા જતા પહેલાં તે મયૂરસુત્ત બંદર ઉપર ભદંત બુદ્ધમિત્ર સાથે કેટલાક દિવસ રહ્યા હતા અને તેમની વિનંતીથી જ પોતે પ્રસ્તુત અટ્ઠકથા લખી હતી. અંગુત્તરનિકાયની તેમણે લખેલી અટ્ઠકથા ઉપરથી સ્પષ્ટ થાય છે કે લંકા જતા પહેલાં તે કાંજીવરમમાં ભદંત જ્યોતિપાલ સાથે રહ્યા હતા અને તેમની વિનંતીથી જ તેમણે મનોરથપૂરણીની રચના કરી હતી. આ ઉપરથી જણાય છે કે બુદ્ધઘોષ બોધિગયાથી પ્રસ્થાન કરી દક્ષિણ ભારત થઈને લંકા ગયા હતા અને માર્ગમાં આવતા અનેક વિહારોમાં રહ્યા હતા.

બર્મા(મ્યાનમાર)ના બૌદ્ધાચાર્યોમાં અનુશ્રુતિ છે કે બુદ્ધઘોષ લંકાથી ધર્મપ્રચારાર્થે બર્મા ગયા હતા. કંબોડિયાના બૌદ્ધોની માન્યતા છે કે બુદ્ધઘોષ લંકાથી ત્યાં ગયા હતા. કંબોડિયામાં ‘બુદ્ધઘોષવિહાર’ નામનો પ્રાચીન વિહાર છે. કંબોડિયાના બૌદ્ધો માને છે કે બુદ્ધઘોષ આ વિહારમાં રહ્યા હતા અને ત્યાં જ તેમને નિર્વાણ મળ્યું હતું.

બુદ્ધઘોષે ત્રિપિટકોની વિશદ પાલિ ટીકાઓ રચીને ત્રિપિટકોના વાસ્તવિક અર્થનું તેમજ ભાવનું રક્ષણ કર્યું છે. જો તેમણે અટ્ઠકથા-ગ્રંથોની રચના ન કરી હોત તો આજે ત્રિપિટકોને સમજવા મુશ્કેલ થઈ જાત. પાલિ સાહિત્યના ગ્રંથનિર્માતાઓમાં ત્રિપિટકવાઙમય પછી મહાન પાલિગ્રંથનિર્માતા આચાર્ય બુદ્ધઘોષ જ થયા છે. તેમણે અટ્ઠકથાઓમાં દાર્શનિક, ઐતિહાસિક, ધાર્મિક, રાજનૈતિક, આર્થિક અને સામાજિક વિષયોનું જે વિવેચનાત્મક નિરૂપણ કર્યું છે તેનાથી તેમનું પાંડિત્ય પૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે.

બુદ્ધઘોષે પાલિ ભાષામાં લખેલો ‘વિસુદ્ધિમગ્ગ’ ગ્રંથ પણ તેમનાં જ્ઞાન અને પાંડિત્યને જાણવા માટે પર્યાપ્ત છે. જો તેમણે લખેલી બધી અકથાઓ લુપ્ત થઈ જાય અને કેવળ આ ગ્રંથ જ અવશિષ્ટ રહે તો પણ બુદ્ધઘોષની વિદ્વત્તા, કીર્તિ અને તેમનું વિશિષ્ટ કાર્ય અમર રહે. તેમાં બૌદ્ધ દર્શનની વિવેચનાત્મક ગવેષણાની સાથે યોગાભ્યાસની પ્રારંભિક અવસ્થાથી માંડી સિદ્ધિ સુધીની બધી વિધિઓ રોચક રીતે સમજાવી છે.

છેલ્લે, દસ સર્ગોનું બનેલું ‘પદ્યચૂડામણિ’ નામનું એક મહાકાવ્ય પણ બુદ્ધઘોષની રચના હોવાનું વિદ્વાનો માને છે.

નગીનભાઈ જીવણલાલ શાહ