ફ્રાંસ

પશ્ચિમ યુરોપમાં આવેલો પ્રજાસત્તાક દેશ. યુરોપીય દેશો પૈકી વિસ્તારની ર્દષ્ટિએ તે રશિયા પછી બીજે ક્રમે આવે છે. ફ્રાંસ દુનિયાભરના પ્રાચીન દેશો પૈકીનો એક ગણાય છે. તેનું ‘ફ્રાંસ’ નામ લૅટિન શબ્દ ‘ફ્રાંસિયા’ (ફ્રૅંકોનો દેશ – ફ્રૅન્ક એ જર્મનો માટે વપરાતું નામ છે, જેમણે 5 મી સદી દરમિયાન રોમન સામ્રાજ્યના પતન વખતે આ પ્રદેશનો કબજો મેળવેલો તેથી ફ્રૅન્કોનો દેશ ફ્રાંસિયા) શબ્દ પરથી પડેલું છે. તેનું પૂર્વ–પશ્ચિમ અંતર 974 કિમી. અને ઉત્તર–દક્ષિણ અંતર 950 કિમી. છે. તેનો કુલ વિસ્તાર 5,43,965 ચોકિમી. જેટલો છે અને બધી બાજુએથી તે લગભગ 1,000 કિમી.ના વ્યાસવાળો ષટ્કોણ આકાર ધરાવે છે. ષટ્કોણની ત્રણ બાજુઓ – વાયવ્યમાં ઇંગ્લિશ ખાડી, પશ્ચિમે બિસ્કેના અખાત સહિત આટલાન્ટિક મહાસાગર અને અગ્નિકોણમાં લાયન્સના અખાત સહિત ભૂમધ્ય સમુદ્રનાં જળથી આવૃત છે; બંને બાજુના દરિયાકિનારાની લંબાઈ 3,701 કિમી. જેટલી થાય છે; બાકીની ત્રણ બાજુઓ યુરોપીય પડોશી દેશોથી તથા તેમની સરહદ પર બંને તરફ વહેંચાઈ જતા પર્વતોથી ઘેરાયેલી છે. ઈશાન તરફ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ તથા સરહદ પરના આર્ડેન્સ પર્વતો, પૂર્વ તરફ જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલી તથા તેમની સરહદ પરના આલ્પ્સ-જુરા પર્વતો, દક્ષિણ તરફ સ્પેન તથા તેની સરહદ પરના પિરિનીઝ પર્વતો આવેલા છે. ભૂમધ્ય સમુદ્રમાં કિનારાથી દૂર અગ્નિકોણમાં આવેલો કૉર્સિકાનો ટાપુ 1768થી ફ્રાંસની હદમાં અને એની હકૂમત હેઠળ છે. આ ઉપરાંત મુખ્ય ભૂમિભાગના અગ્નિકોણમાં ભૂમધ્ય સમુદ્રને કિનારે ફ્રાંસ-ઇટાલી સરહદ નજીકના નાઇસ શહેર પાસે અત્યંત નાનકડો મોનૅકો પ્રદેશ પણ આવેલો છે. ફ્રાંસનાં દરિયાપારનાં સંસ્થાનોમાં દક્ષિણ અમેરિકામાંનું ફ્રેન્ચ ગિયાના, વેસ્ટઇન્ડિઝમાંનાં ગ્વાડેલુપ અને માર્ટિનિક, હિન્દી મહાસાગરમાં માડાગાસ્કર નજીકનો માયૉટ ટાપુ, કૅનેડાના પૂર્વ કિનારે આવેલાં પિયરી અને મિક્વેલોન સહિતનાં છ સંસ્થાનો, પૅસિફિક મહાસાગરમાં ફ્રેન્ચ પૉલિનીશિયાના સામૂહિક નામથી ઓળખાતા તાહિતીના વહીવટ હેઠળ આવેલા ટાપુઓ, ફ્રેન્ચ સધર્ન ઍન્ડ ઍન્ટાર્ક્ટિક ટેરિટરિઝ, ન્યૂ કૅલિડોનિયા તથા વાલિસ અને ફુટુના ટાપુઓ, કર્ગ્વેલિન અને ક્રૉઝેટ દ્વીપસમૂહો, સેન્ટ પૉલ અને ઍમ્સ્ટર્ડૅમ (હિન્દી મહાસાગર), ફ્રાંસ અને યુ.કે.ના સંયુક્ત વહીવટ હેઠળના ન્યૂ હેબ્રિડીઝનો તેમજ અન્ય નાના નાના ટાપુઓનો સમાવેશ થાય છે.

યુરોપ ખંડમાં ફ્રાંસનું ભૌગોલિક સ્થાન

ભૂપૃષ્ઠ : નૈર્ઋત્યમાં આવેલા બિયારિટ્ઝ અને ઈશાનમાં આવેલા લક્ઝમબર્ગ સહિતનું ફ્રાંસ બે સ્પષ્ટ ભૂપૃષ્ઠ એકમોમાં વહેંચાઈ જાય છે : વાયવ્યતરફી સમગ્ર વિસ્તાર પહોળાં મેદાનો, ઓછી ઊંચાઈના ઉચ્ચપ્રદેશો અને ટેકરીઓવાળો, જ્યારે અગ્નિતરફી સમગ્ર વિસ્તાર ઊંચા પર્વતો અને ઉચ્ચપ્રદેશોવાળો છે. ફ્રાંસમાં ત્રણેય પ્રકારના ભૂમિઆકારો અસ્તિત્વ ધરાવતા હોવાથી તેને યુરોપની નાની પ્રતિકૃતિ તરીકે ઘટાવવામાં આવે છે. ફ્રાંસનું ભૂપૃષ્ઠ 10 પ્રાદેશિક એકમોમાં વહેંચી નાખવામાં આવેલું છે : (1) બ્રિટાની–નૉર્મન્ડીની ટેકરીઓ, (2) ઉત્તર ફ્રાંસનો પૅરિસ-થાળા સહિતનો મેદાની પ્રદેશ, (3) ઈશાની ઉચ્ચપ્રદેશ, (4) ર્હાઇનનો ખીણપ્રદેશ, (5) ઍક્વિટેન થાળું, (6) મધ્યનો ઊંચાણવાળો પ્રદેશ, (7) જુરા અને આલ્પ્સ પર્વતો, (8) પિરિનીઝ પર્વતો, (9) ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશ અને (10) કૉર્સિકા. આ દસેય એકમોને મુખ્ય ત્રણ પ્રકારનાં ભૂમિલક્ષણો રૂપે અલગ તારવી શકાય : ઊંચા પર્વતપ્રદેશો, પ્રાચીન ઉચ્ચપ્રદેશો અને મેદાની પ્રદેશો. પિરિનીઝ, આલ્પ્સ અને જુરા પર્વતો મુખ્ય આલ્પાઇન પર્વતરચનાના જ વિભાગો છે. મૅસિફ સેન્ટ્રલ, આર્મોરિકન મૅસિફ, વૉસ્જિસ અને આર્ડેન્સ પર્મોકાર્બોનિફેરસ ભૂસ્તરીય કાળગાળા દરમિયાન થયેલા ગિરિનિર્માણના ઘસાઈ ગયેલા ઉચ્ચપ્રદેશીય અવશેષો છે. પૅરિસ થાળું, ઍક્વિટેન થાળું અને ર્હોનસોનનો ખીણપ્રદેશ અસમતળ મેદાનો છે.

પર્વતો : (1) પિરિનીઝ પર્વતો : ફ્રાંસ-સ્પેનની સરહદ રચતી આ પર્વતમાળા બધે જ લગભગ 3,000 મીટરની એકસરખી ઊંચાઈવાળી છે. વીતી ગયેલા હિમયુગ દરમિયાન તે હિમાચ્છાદિત રહેલી ખરી, પણ આલ્પ્સની તુલનામાં ત્યાં આજે હિમનદીઓ કે મોટાં સરોવરો અવશેષ રૂપે જોવા મળતાં નથી, હિમનદીઘર્ષણજન્ય ખાંચાખૂંચીવાળી ડુંગરધારો કે ખુશનુમા વાતાવરણ ધરાવતી અવશિષ્ટ ખીણો પણ જોવા મળતી નથી. અહીંથી અવરજવર માટેના ઘાટ તેમજ તેના બે છેડેથી સમુદ્રપ્રવેશ માટેના માર્ગોનું પ્રમાણ પણ ખૂબ જ મર્યાદિત અને મુશ્કેલીભર્યું છે.

(2) આલ્પ્સ : ફ્રાંસ અને સ્વિટ્ઝર્લૅન્ડ–ઇટાલી વચ્ચે 3,500 કે તેથી વધુ મીટરની ઊંચાઈવાળી આ પર્વતમાળા પૂર્વ તથા અગ્નિ તરફની સરહદ રચે છે. ઉત્તર તરફ જિનીવા સરોવરથી માંડીને પશ્ચિમ તરફ ર્હોન નદી સુધી તે વિસ્તરેલી છે. અહીં નદીઓએ પર્વતોને કોરીને ઊંડી ખીણો રચી છે. અગાઉ વહેતી હિમનદીઓને સ્થાને પહોળી ખીણો જોવા મળે છે. ફ્રાંસનું 4,807 મીટર ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ શિખર મા બ્લાં અહીં આવેલું છે, તેની હિમનદીઘર્ષણજન્ય સીધા ઢોળાવવાળી ઉપલી ધાર રમણીય ર્દશ્ય ઊભું કરે છે. અહીં અવરજવર માટે ઘણા સુલભ ઘાટ પણ આવેલા છે.

(3) જુરા પર્વતો : ફ્રાન્સ–સ્વિટ્ઝર્લૅન્ડ સરહદ રચતા આ પર્વતો ગેડવાળા ચૂનાખડકોની ડુંગરધારોથી બનેલા છે. જિનીવાથી બેસલ સુધી તે વિસ્તરેલા છે. ઓછી ઊંચાઈ અને અસમ સ્થળર્દશ્યવાળા આ પર્વતો આલ્પ્સની ઉત્પત્તિ સાથે જ ઉદભવેલા છે અને ભૂસ્તરીય ર્દષ્ટિએ પણ સામ્ય ધરાવે છે.

ઉચ્ચપ્રદેશો : (1) મૅસિફ સેન્ટ્રલ : લૉઇર, ગેરૉન અને રહોન નદીઓનાં થાળાં વચ્ચે દક્ષિણ ફ્રાંસમાં આવેલું ‘મૅસિફ સેન્ટ્રલ’ પ્રાચીન હર્સિનિયન પર્વતરચનાના અવશેષો પૈકી મોટામાં મોટું છે. આલ્પ્સની ઉત્પત્તિ દરમિયાન ઉદભવેલાં દાબનાં બળોથી તે ઊંચકાયેલું છે, પરંતુ તેના બંધારણમાં રહેલા ખડકો સખત હોવાથી ગેડવાળા બનવાને બદલે ફાટોમાં પરિણમેલા, જેમાંથી પેટાળમાંનો મૅગ્મા બહાર આવીને જ્વાળામુખી પર્વતો રચાયા છે, જોકે તે આજે સક્રિય રહ્યા નથી.

(2) આર્મોરિકન મૅસિફ : વાયવ્ય તરફ બ્રિટાની-નૉર્મન્ડીના બે દ્વીપકલ્પો રચતું આ જૂથ આશરે 1,000 મીટરની ઊંચાઈવાળું અને ઓછી ફાટોવાળું છે. અહીંથી વહેતી નદીઓએ તેમને વધુ કોરી કાઢ્યા છે, સીધા ઢોળાવવાળી ખીણો રચી છે અને અસમતળ ભૂપૃષ્ઠ બનાવ્યું છે. અહીંની જમીનો હલકા પ્રકારની હોવાથી ખેતીયોગ્ય નથી.

(3) વૉસ્જિસ પર્વતો : ફ્રાંસની ઈશાન સરહદે ઉત્તર–દક્ષિણ વિસ્તરેલા, 1,200 મીટરથી વધુ ઊંચાઈવાળા અને 40 કિમી. પહોળાઈ ધરાવતા આ પર્વતો આલ્સેસની ર્હાઇન ખીણની સમૃદ્ધ ભૂમિને ફ્રાંસના બાકીના વિસ્તારથી અલગ પાડે છે. ઊંડી ખીણોના ઉપર તરફના ભાગો વનાચ્છાદિત છે. આ જ પ્રકારનું ભૂમિર્દશ્ય અહીંથી વધુ ઉત્તર તરફના આર્ડેન્સ પર્વતોમાં પણ છે. આ પર્વતોનો ઓછો વિસ્તાર ફ્રાંસમાં અને વધુ વિસ્તાર બેલ્જિયમમાં છે.

આ બધા ઉચ્ચપ્રદેશીય વિભાગો વર્તમાન પૂર્વે 34–23 કરોડ વર્ષ દરમિયાનના કાર્બોનિફેરસ–પર્મિયન ભૂસ્તરીય કાળગાળામાં થયેલી હર્સિનિયન ગિરિનિર્માણક્રિયામાં ઊંચકાઈ આવેલા પર્વતોના અવશેષો છે. આ પ્રદેશો ગ્રૅનાઇટ કે સ્ફટિકમય ખડકવાળા હોવાથી તેમની સપાટી પર તૈયાર થયેલી જમીનો પાતળા પડવાળી છે.

મેદાનો : (1) પૅરિસ થાળું : મધ્ય ફ્રાંસના ઉત્તર ભાગમાં આવેલું આશરે 1 લાખ ચોકિમી. વિસ્તાર ધરાવતું આ પૅરિસ થાળું તેની આજુબાજુ આવેલા આર્મોરિકન મૅસિફ, મૅસિફ સેન્ટ્રલ, વૉસ્જિસ તથા આર્ડેન્સ પર્વતોથી ઘેરાયેલું છે. ચારે તરફ કમાનાકારે શ્રેણીબદ્ધ સમુત્પ્રપાતો  (escarpments) આવેલા છે. પૅરિસ નજીકનાં મેદાનો સમતળ છે, પરંતુ દૂર જતાં સીધી રકાબી જેવા ઢોળાવવાળાં બની રહે છે.

(2) ઍક્વિટેન થાળું : ફ્રાંસની નૈર્ઋત્યમાં પિરિનીઝની તળેટીમાં આવેલું આ થાળું ફળદ્રૂપ જમીનો ધરાવતો, નીચાણવાળો વિસ્તાર છે. નીચલી ગેરૉન નદીનો નૈર્ઋત્ય તરફનો ત્રિકોણાકાર લાન્ડ વિભાગ ઓછો ફળદ્રૂપ, રેતાળ છે, ત્યાં શંકુદ્રુમ જંગલોના વિકાસ માટે મોટા પાયા પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

(3) ર્હોન-સોન થાળું : આલ્પ્સ પર્વતો અને મૅસિફ સેન્ટ્રલ વચ્ચે આવેલું આ થાળું સાંકડો પટ્ટી-વિભાગ રચે છે. તે નાનાં નાનાં શ્રેણીબંધ થાળાંમાં વહેંચાઈ ગયેલો છે અને અવરજવર માટે અનુકૂળ બનતો નથી, પરંતુ ફળદ્રૂપ કાંપની તથા ગોરાડુ જમીનોથી બનેલો હોવાથી ખેતીયોગ્ય છે.

ફ્રાંસને કૉર્સિકા સહિત કુલ 3,427 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો છે. પ્રદેશભેદે કિનારાનાં લક્ષણો સીધાં કે ખાંચાખૂંચીવાળાં છે.

નદીઓ : લૉઇર, સીન, ગેરૉન અને રહોન – એ ફ્રાન્સની ચાર મુખ્ય નદીઓ છે. રહાઇન નદી જર્મની સાથે સરહદ રચે છે. 1,050 કિમી. લંબાઈવાળી લૉઇર ફ્રાંસની લાંબામાં લાંબી નદી છે. તે મૅસિફ સેન્ટ્રલમાંથી નીકળે છે અને પૅરિસ થાળાના દક્ષિણ ભાગમાંથી પસાર થઈને નેન્ટ્સ ખાતે આટલાન્ટિક મહાસાગરને મળે છે. તેમાં જળજથ્થો ઓછોવત્તો રહે છે અને વારંવાર પૂર આવે છે. 780 કિમી. લાંબી સીન નદી પૅરિસ થાળામાંથી તેમજ પૅરિસ શહેરની મધ્યમાંથી પસાર થઈને ઇંગ્લિશ ખાડીને મળે છે, તે આખું વર્ષ જળપુરવઠાથી ભરપૂર રહેતી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. પિરિનીઝમાંથી નીકળતી ગેરૉન નદી ઍક્વિટેન થાળામાં થઈને વહે છે, ડોડૉર્ન નદી તેને મળે છે અને બૉર્ડૉક્સ ખાતે ગિરૉન્ડ નદી રૂપે તે આટલાન્ટિકને મળે છે, તેમાં પણ પૂર આવે છે. સ્વિટ્ઝર્લૅન્ડમાંથી નીકળતી રહોન નદી જિનીવા સરોવરમાં થઈને ફ્રાંસમાં પ્રવેશે છે. ફ્રાંસ પૂરતી તેની લંબાઈ 523 કિમી. જેટલી છે. લિયોન ખાતે તેની સાથે સોન નદીનો સંગમ થાય છે અને માર્સેલ્સ પાસે તે ભૂમધ્ય સમુદ્રને મળે છે. આ નદી ઊંડી, ઝડપી વહેણ અને વમળોવાળી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી નથી, પરંતુ જળવિદ્યુત-ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. આ ચારેય નદીઓનાં મુખ પર નેન્ટ્સ, લ હાવર, બૉર્ડૉક્સ અને માર્સેલ્સ જેવાં ફ્રાંસનાં પ્રમુખ ગણાતાં બંદરો આવેલાં છે. આ ચારેય નદીઓને એકમેક સાથે, અન્ય શાખા-નદીઓ સાથે તેમજ રહાઇન સાથે નહેરોથી સાંકળી લેવામાં આવેલી છે. આ નદીઓ તથા નહેરો જળમાર્ગ રૂપે ફ્રાંસના અર્થતંત્રમાં ઘણો મહત્વનો ફાળો આપે છે.

એફિલ ટાવર અને તેના પરિસરમાંના ઉદ્યાનનું રમણીય ર્દશ્ય

ફ્રાન્સના શાહી ભૂતકાળની ભવ્ય સ્મૃતિ : પૅલેસ ઑફ ફૉન્ટન્બ્લો

આબોહવા : ફ્રાંસના જુદા જુદા પ્રાદેશિક વિભાગોમાં આબોહવાની વિવિધતા જોવા મળે છે. આબોહવાના આ તફાવતોનો આધાર પ્રાદેશિક ઊંચાઈ, સમુદ્રથી અંતર તેમજ સ્થાનિક પરિસ્થિતિ પર રહે છે. સામાન્ય રીતે પશ્ચિમમાં દરિયાઈ, પૂર્વમાં ખંડીય અને દક્ષિણમાં ભૂમધ્ય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. મધ્યના કોઈ પણ વિભાગમાં કઈ દિશા તરફની આબોહવા વધુ પ્રબળ છે તેના પર તે તે પ્રદેશની આબોહવાનો આધાર રહે છે.

બ્રિટાની–નૉર્મન્ડીમાં આટલાન્ટિક મહાસાગરની દરિયાઈ આબોહવા નરમ-ભેજવાળી સ્થિતિનું નિર્માણ કરે છે. ગરમ અખાતી પ્રવાહની ઉત્તર આટલાન્ટિક પ્રવાહ-શાખા અહીંથી પસાર થાય છે, તે અહીંની આબોહવાને હૂંફાળી અને ભેજવાળી રાખે છે. ઉનાળામાં દરિયા તરફથી ફૂંકાતા પવનો હવાને પ્રમાણમાં ઠંડી રાખે છે. શિયાળા ઠરી જવાને બદલે હૂંફાળા રહે છે. પશ્ચિમિયા પવનોને કારણે તાપમાન ભાગ્યે જ વિષમ બને છે. બ્રેસ્ટ ખાતે જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 17° સે. અને 7° સે. જેટલાં રહે છે. અહીં વર્ષના લગભગ 180 દિવસ વરસાદવાળા રહે છે અને વરસાદ 840 મિમી. જેટલો પડે છે. વરસાદ મોટેભાગે તો ધીમાં, સ્થાયી છાંટણાં રૂપે પડતો રહે છે. આકાશ વાદળછાયું રહે છે, ક્વચિત્  હિમવર્ષા કે ઝાકળની સ્થિતિ પણ જોવા મળે છે.

પૂર્વ તરફ પ્રવર્તતી ખંડીય સૂકી આબોહવા તાપમાનને વિષમ બનાવી મૂકે છે. યુરેશિયાની ભૂમિ પરથી આવતા પૂર્વીય પવનોમાં ભેજનું પ્રમાણ નહિવત્ હોવાથી ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા બની રહે છે. સ્ટ્રાસબર્ગ ખાતે જુલાઈ–જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 18° સે. અને – 1° સે જેટલાં રહે છે; શિયાળામાં આશરે 80 દિવસ માટે સરેરાશ તાપમાન શૂન્યથી પણ નીચે ઊતરી જાય છે, ઓછામાં ઓછા 20 દિવસ માટે હિમવર્ષા પણ થાય છે. ઉનાળા દરમિયાન ક્યારેક ગાજવીજ સાથે ભારે ઝાપટાં પણ પડી જાય છે, પહાડી ભાગોમાં સરેરાશ વર્ષાપ્રમાણ 587 મિમી. જેટલું રહે છે.

દક્ષિણ ફ્રાંસમાં કિનારાથી 160 કિમી.ના અંતર સુધી, વિશેષે કરીને સ્થાનભેદે 20થી 60 કિમી. સુધી ભૂમધ્ય સમુદ્રીય આબોહવા પ્રવર્તે છે. શિયાળા નરમ, ભેજવાળા અને ઉનાળા ગરમ, સૂકા રહે છે. વરસાદ કકડે કકડે નાનાં નાનાં ઝાપટાં રૂપે પડી જાય છે. માર્સેલ્સ ખાતે જુલાઈ–જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 22° સે. અને 7° સે. જેટલાં રહે છે. ક્વચિત્ દિવસ દરમિયાનનું તાપમાન 38° સે. જેટલું ઊંચે પણ પહોંચે છે. વર્ષના 95 દિવસોમાં સરેરાશ 550થી 580 મિમી. વરસાદ પડે છે, જ્યારે 120 જેટલા દિવસો સૂર્યપ્રકાશિત રહે છે. ક્યારેક શિયાળા દરમિયાન પણ ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોની અસર વરતાય છે, જે અહીંના હવામાનને અણધાર્યું ઠંડું બનાવી મૂકે છે.

આલ્પ્સ, વૉસ્જિસ, જુરા, મૅસિફ સેન્ટ્રલ કે પિરિનીઝ જેવા પર્વતો કે ઉચ્ચપ્રદેશોની આબોહવામાં ઊંચાઈ મુજબ ફેરફારો જોવા મળે છે. આલ્પ્સના બ્રાયનકોનમાં જુલાઈજાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 17° સે. અને –2° સે. જેટલાં રહે છે. ઊંચાઈ મુજબ તાપમાન ઘટે છે, અને વરસાદનું પ્રમાણ વધે છે. વધુ ઊંચાઈએ શિયાળા દરમિયાન તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે, વરસાદ હિમવર્ષા રૂપે પડે છે. વસંત ઋતુ અને ઉનાળા દરમિયાન બરફ ઑગળે છે, પણ વર્ષના બાકીના ગાળામાં ઊંચાઈવાળા ભાગો હિમાચ્છાદિત રહે છે, ઉપરવાસમાં નદીઓ થીજી જઈ હિમનદીઓમાં ફેરવાઈ જાય છે. મા બ્લાં વર્ષભર હિમાચ્છાદિત રહે છે.

કુદરતી વનસ્પતિ : ફ્રાંસમાં જોવા મળતી કુદરતી વનસ્પતિ આબોહવા પર આધારિત છે. નવપાષાણયુગની અગાઉના સમયમાં ફ્રાંસ સંપૂર્ણપણે વિપુલ વનરાજિથી ભરપૂર હતું. સમશીતોષ્ણ આબોહવાવાળા પહાડી વિસ્તારો પર્ણપાતી જંગલોવાળા હતા. ભૂમધ્ય સમુદ્રીય અગ્નિભાગોમાં પાઇન અને ઓકનાં વૃક્ષો હતાં. ખેતી અને ગોચર-પ્રવૃત્તિઓના વિકાસની સાથે જંગલોનું પ્રમાણ ઘટતું ગયું. આજે ફ્રાંસનો માત્ર 25% ભાગ જંગલોથી છવાયેલો છે. જ્યાં ખેતીલાયક જમીનો નથી એવા પહાડી પ્રદેશો કે આરક્ષિત વિભાગોમાં જ જંગલો જોવા મળે છે. ઈશાન અને મધ્યમાં આવેલા ઉચ્ચપ્રદેશોમાં, નૈર્ઋત્યના કિનારાના વિસ્તારમાં, આલ્પ્સ, જુરા, વૉસ્જિસ અને પિરિનીઝમાં જંગલો આવેલાં છે. પર્વતોમાં હિમરેખા નજીકના ભાગો ઉજ્જડ છે, છાયાવાળા કેટલાક ભાગોમાં શેવાળ જોવા મળે છે. ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશમાં તેમજ કૉર્સિકામાં કૉર્ક ઓક, દેવદાર અને ઑલિવનાં વૃક્ષો થાય છે. આ ઉપરાંત ઍશ, બીચ અને સાયપ્રસનાં વૃક્ષો પણ અહીં જોવા મળે છે.

ફ્રાંસના વિખ્યાત સ્થપતિ લા કૉર્બુઝિયેનું સર્જન : ‘રૉનચૅમ્પ ચૅપલ’

ઓગણીસમી સદીથી અહીં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વનઉદ્યાનો પૂરતું નૈસર્ગિક પર્યાવરણ જાળવી રાખવા આયોજન કરવામાં આવેલું છે. નૈર્ઋત્યના લાન્ડ વિસ્તારમાં શંકુદ્રુમ જંગલોના વિકાસ માટે વૃક્ષ-વાવેતર કરવામાં આવે છે. અગાઉ જંગલોમાં જોવા મળતાં જંગલી હરણ કે ભુંડ લગભગ નામશેષ થઈ ગયાં છે.

અર્થતંત્ર : યુરોપભરમાં ફ્રાંસ એક ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાય છે. ત્યાંના લોકોનું જીવનધોરણ પણ ઊંચું છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ફ્રાંસનું અર્થતંત્ર મુખ્યત્વે નાનાં ખેતરો અને વ્યવસાયો પર જ આધારિત હતું. વિશ્વયુદ્ધ દરમિયાન તેની સમૃદ્ધિમાં ફેરફાર થતો ગયો છે. 1945 પછી તત્કાલીન ગવર્નરે અર્થતંત્રમાં આધુનિકીકરણના પ્રયાસો આદર્યા, ઉત્પાદન અને વેપારક્ષેત્રે વ્યવસ્થિત આયોજન કર્યું અને તેમાં ધારી સફળતા પણ મળી. ફ્રાંસમાં મોટા ભાગના ધંધા ખાનગી ક્ષેત્ર હેઠળ છે, પરંતુ દેશની અગ્રગણ્ય બૅંકો અને નાણાકીય સંસ્થાઓ, મોટરગાડીઓનું ઉત્પાદન, પોલાદનાં બે કારખાનાં, તકનીકી અને લશ્કરી સાધનસરંજામનું ઉત્પાદન સરકારી માલિકી હેઠળ છે.

ફ્રાન્સના પાટનગર પૅરિસનાં ભવ્ય આધુનિક ભવનો અને નગર-આયોજનની એક ઝલક

કુદરતી સંપત્તિ : ફળદ્રૂપ જમીનો દેશની મહત્વની સમૃદ્ધિ ગણાય છે. 90 % ફળદ્રૂપ ભૂમિ ખેતીયોગ્ય છે, આ પૈકીની વધુ સમૃદ્ધ ખેતભૂમિ ઉત્તર અને ઈશાન ભાગોમાં આવેલી છે. ઘઉં અને શુગર બીટ ત્યાંના મુખ્ય પાક છે. વાયવ્ય તરફનો વરસાદી વિસ્તાર ઘાસભૂમિવાળો છે. તે ઢોર અને ઘેટાં માટેની ચરિયાણભૂમિ પૂરી પાડે છે. ત્યાં વાડીઓ પણ આવેલી છે. દક્ષિણ તરફના સૂકા પ્રદેશો દ્રાક્ષ માટે અનુકૂળ જમીનો પૂરી પાડે છે. મધ્યના ઉચ્ચપ્રદેશો અને કૉર્સિકાની જમીનો જ માત્ર હલકા પ્રકારની છે.

ખેતી : પશ્ચિમ યુરોપના બધા જ દેશો પૈકી ફ્રાંસ ખેતીની પેદાશોના ઉત્પાદનમાં તેમજ તેની નિકાસમાં અગ્રેસર રહ્યું છે. ફ્રાંસનાં લગભગ બધાં ખેતરોમાં વીજળી અને આધુનિક યંત્રોની સુવિધા છે. 66% ખેતરો પશુપાલનક્ષેત્રે સજ્જ છે, 25 % ભૂમિ ગોચરો માટે ઘાસભૂમિ છે. માંસ માટે ઢોર અને ઘેટાં પળાય છે. દૂધ માખણ અને ચીઝ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. કેટલાક ખેડૂતો મરઘાં-બતકાં અને ભુંડ પણ પાળે છે. ઘઉં અને શુગર બીટના પાક ઉપરાંત અહીં જવ, મકાઈ, ઓટ, સરસવનો પણ મુખ્ય પાકોમાં સમાવેશ થાય છે. આ સિવાય બટાટા, ટામેટાં, ગાજર, કૉલી ફ્લાવર, વાલ, વટાણા, ચેરી, પીચ, જામફળ, સૂર્યમુખી-બીજ તથા ફૂલોની ખેતી પણ થાય છે દક્ષિણ ફ્રાંસ, આલ્સેસ, બૉર્ડૉક્સ, બર્ગન્ડી, શૅમ્પેઇન અને લૉઇર ખીણ દ્રાક્ષ-ઉત્પાદન માટેનાં મુખ્ય ક્ષેત્રો છે. નૈર્ઋત્ય ફ્રાંસમાં થતી દ્રાક્ષમાંથી બ્રાન્ડી અને ભૂમધ્ય વિસ્તારમાં થતી દ્રાક્ષમાંથી સસ્તો દારૂ બનાવાય છે. સ્થાનભેદે થતી જુદા જુદા પ્રકારની દ્રાક્ષમાંથી બનાવાતા દારૂઓને તેમની પોતાની અલગ અલગ સોડમ હોય છે. ઉત્તર ફ્રાંસના નૉર્મન્ડી વિભાગમાં સફરજનની ઘણી વાડીઓ આવેલી છે.

ખાણો : ફ્રાંસના લોરેઇનમાં લોહધાતુખનિજો અને અગ્નિભાગમાં બૉક્સાઇટ(ઍલ્યુમિનિયમનું ધાતુખનિજ)ના વિપુલ જથ્થા મળે છે, જે લોખંડ–પોલાદ અને ઍલ્યુમિનિયમ ઉદ્યોગને નિભાવે છે. આલ્સેસમાંથી મળતા પૉટાશનો નોંધપાત્ર જથ્થો ખાતર-ઉત્પાદન માટે વપરાય છે. નૈર્ઋત્યમાં આવેલા લૅક (Lacq) ખાતેથી મળતો કુદરતી વાયુ ઘણા ઉદ્યોગોને ઇંધન પૂરું પાડે છે. આ ઉપરાંત કોલસો, લિગ્નાઇટ, પેટ્રોલિયમ, ચિરોડી, મીઠું, ગંધક, ટંગસ્ટન તથા યુરેનિયમ પણ ફ્રાંસમાંથી મળે છે.

ઊર્જાસ્રોત : ફ્રાંસની વીજઊર્જાનો 50% ફાળો અણુશક્તિ પર આધારિત છે. ફ્રાંસ દુનિયાભરમાં અણુઊર્જા-પ્રાપ્તિ અને અણુઇંધનના ઉત્પાદનક્ષેત્રે અગ્રેસર ગણાય છે. બાકીની વીજઊર્જા કોલસામાંથી અથવા જળવિદ્યુત દ્વારા પૂરી પાડવામાં આવે છે. જુરા અને આલ્પ્સ પર્વતોમાં ઘણાં જળવિદ્યુત-મથકો આવેલાં છે. આ ઉપરાંત બ્રિટાનીના કિનારા નજીક ભરતીમોજાંમાંથી તથા પિરિનીઝમાં સૂર્યશક્તિમાંથી પણ ઊર્જા મેળવવામાં આવે છે.

ફ્રાંસના જળમાર્ગ-વ્યવહારનો જીવંત ધબકાર : સીન નદી

માછીમારી :  ફ્રાંસના મત્સ્યઉદ્યોગમાં રોકાયેલા લોકો વાર્ષિક આશરે 6,80,000 ટન જેટલી વિવિધ પ્રકારની માછલીઓ પકડે છે. નૉર્મન્ડી–બ્રિટાનીમાંથી વહાણ-કાફલાઓ માછીમારી માટે આઇસલૅન્ડ, ન્યૂફાઉન્ડલૅન્ડ અને કૅનેડાના કિનારા સુધી જાય છે અને આ ઉદ્યોગને નિભાવે છે.

સેવાક્ષેત્ર : સેવાક્ષેત્ર ઉત્પાદન સાથે નહિ, પણ લોકોની વ્યાવસાયિક સેવાઓ સાથે સંલગ્ન હોય છે. તેમાં સામાજિક, સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીઓ, સ્વતંત્ર વ્યવસાયો, શિક્ષણક્ષેત્ર, વાણિજ્યક્ષેત્ર, સ્વાસ્થ્યક્ષેત્ર, લશ્કરી ક્ષેત્ર, નાણાક્ષેત્ર-વાહનવ્યવહાર તેમજ પ્રવાસન-ક્ષેત્રનો સમાવેશ થાય છે; આ ઉપરાંત ઉપભોક્તા ચીજવસ્તુઓનાં ઉત્પાદન, વિક્રયાદિ સાથે સંકળાયેલા સેવાક્ષેત્રનો તેમજ હોટેલો અને રેસ્ટોરાંના વ્યવસાયક્ષેત્રનો પણ આમાં સમાવેશ થાય છે. ફ્રાંસનાં મહત્ત્વનાં ગણાતાં શહેરોમાં મોટાભાગના લોકો આ બધાં સેવાક્ષેત્રોમાં રોકાયેલા છે.

ઉત્પાદનક્ષેત્ર : દુનિયાભરમાં  ફ્રાંસ એક ઉત્પાદક ક્ષેત્ર તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે. પૅરિસ તથા અન્ય ઘણાં શહેરોમાં આ ક્ષેત્રનો વિકાસ થયેલો છે. અહીં યંત્રસામગ્રી, મોટરગાડીઓ, અતિઝડપી રેલગાડીઓ, અવકાશી ઉપગ્રહો; કમ્પ્યૂટર, રેડિયો, ટી.વી. અને ટેલિફોન જેવી વીજાણુ-યંત્રસામગ્રી; હવાઈ જહાજોની સામગ્રી; વિવિધ પ્રકારનાં હથિયારો; રસાયણ; ઔષધો; સૌન્દર્યપ્રસાધનો; કાચ–સામગ્રી; ટાયરો; બાંધકામ-સામગ્રી; લોખંડ-પોલાદ તથા ઍલ્યુમિનિયમની માલસામગ્રી; રાચરચીલું; કાગળ અને તેનો માવો; સાબુ; ઔદ્યોગિક યંત્રસામગ્રી; ઇજનેરી સાધનો, વાહનવ્યવહારનાં સાધનો;  સુતરાઉ અને રેશમી કાપડ, નાયલૉન અને અન્ય કૃત્રિમ રેસા, તૈયાર કપડાં; ખાદ્યપ્રક્રમણની સામગ્રી; ખાંડ, માખણ, ચીઝ અને દારૂ (દુનિયાભરમાં બીજું સ્થાન) તથા મત્સ્યાદિનું ઉત્પાદન થાય છે.

વિદેશી વેપાર :  ફ્રાંસ વિદેશી વેપારમાં દુનિયાભરમાં પાંચમું સ્થાન ધરાવે છે.  ફ્રાંસમાં આયાતનું પ્રમાણ નિકાસ કરતાં થોડુંક જ વધારે છે.  ફ્રાંસ પેટ્રોલિયમ પેદાશોની આયાત કરે છે; જ્યારે રાસાયણિક પેદાશો, યંત્રસામગ્રી, વીજસાધનો અને મોટરગાડીઓની નિકાસ કરે છે. ફ્રાંસ યુરોપીય સહિયારા બજારનું સભ્ય છે, જર્મની સાથેનો તેનો સહિયારો વેપાર વધુ છે. આ ઉપરાંત તે સાઉદી અરેબિયા, રશિયા, સ્વિટ્ઝર્લૅન્ડ તથા યુ.એસ. સાથે પણ વ્યાપારી ભાગીદારીમાં કામ કરે છે.

વાહનવ્યવહાર : અઢારમી સદીથી  ફ્રાંસ અન્ય કોઈ પણ યુરોપીય દેશ કરતાં વધુ લંબાઈના માર્ગો ધરાવે છે. રેલમાર્ગો અને સડકમાર્ગોની લંબાઈ અનુક્રમે 37,888 કિમી. તથા 4,68,160 કિમી.ની છે. આજે તેની સડક તથા રેલમાર્ગ-વ્યવસ્થા ઉત્તમ કક્ષાની ગણાય છે. ત્યાંના ઘણા માર્ગો બહુવાહિની અવરજવરવાળા છે.  ફ્રાંસ-ઇટાલીને જોડતું 13 કિમી. લંબાઈ ધરાવતું રેલમાર્ગ-બોગદું ફ્રેજસ શિખર હેઠળ છે, બીજું મા બ્લાં હેઠળ 11.7 કિમી. લંબાઈનું બોગદું છે.  ફ્રાંસ–બ્રિટનને જોડતું ઇંગ્લિશ ખાડી હેઠળનું બોગદું 1987માં ખોદવાનું શરૂ કરેલું તે હવે કામ કરતું થઈ ગયું છે.  ફ્રાંસની રેલવ્યવસ્થા ઉત્તમ પ્રકારની ગણાય છે; 1981માં પૅરિસ–લિયોન વચ્ચે અને 1989માં પૅરિસ અને પશ્ચિમ ફ્રાંસનાં શહેરો વચ્ચે અતિઝડપી વેગવાળી (TGV) રેલગાડીઓ શરૂ કરવામાં આવેલી છે.

પૅરિસ નજીક આવેલાં ચાર્લ્સ દ ગોલ અને ઑર્લી હવાઈ મથકો દુનિયાભરમાં અત્યંત વ્યસ્ત રહેતાં મથકો ગણાય છે. માર્સેલ્સ, નાઇસ અને લિયોન પણ મુખ્ય હવાઈ મથકો ધરાવે છે. ‘ઍર ફ્રાન્સ’ અને ‘એર ઇન્ટર’ હવાઈ ઉડ્ડયન સેવાઓ અનુક્રમે 75 જેટલા દેશો માટે આંતરરાષ્ટ્રીય સેવા અને દેશનાં શહેરો માટે આંતરિક સેવા આપે છે.

ફ્રાંસની નદીઓ અને સંકલિત નહેરો મારફતે વહાણો દ્વારા આખા દેશને અવરજવર તથા માલહેરફેરની સગવડ મળી રહે છે. માર્સેલ્સ, લ હૅવર અને ડંકર્ક બંદરો હેરફેર માટે ધમધમતાં રહે છે.

સંદેશાવ્યવહાર :  ફ્રાંસમાં પૅરિસ, લિયોન, માર્સેલ્સ, બૉર્ડૉક્સ જેવાં શહેરોમાંથી લગભગ 85 જેટલાં દૈનિકો બહાર પડે છે. દેશમાં રેડિયો તથા ટેલિવિઝનની ઘણી મોટી જાળ પથરાયેલી છે. મોટાભાગનાં ઘરોમાં આ બંને સાધનો હોય છે. દેશભરમાં 4,700 જેટલાં સિનેમાઘરો છે.

લોકો : જાતિસમૂહો :  ફ્રાંસના કેટલાક ભાગોમાં પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન, 25,000 વર્ષ અગાઉના સમયમાં પણ લોકવસવાટ હતો. ઉત્તર આફ્રિકામાંથી નૈર્ઋત્ય  ફ્રાંસમાં શિકાર અર્થે ટોળીઓ આવતી રહેતી. અહીંની જાણીતી લૅસકૉક્સ ગુફાઓ જેવાં સ્થાનોમાં દોરેલાં ચિત્રો તેમના વસવાટની સાક્ષી પૂરે છે. ત્યારપછી તો સ્થળાંતર કરીને લોકો અહીં આવતા ગયા અને વસતા ગયા. આજની લોકવસ્તી હજારો વર્ષોથી થતાં ગયેલાં વિવિધ જાતિઓનાં મિશ્રણનું પરિણામ ગણાય. આ પૈકી ત્રણ સમૂહોને સ્પષ્ટપણે અલગ તારવી શકાય છે : (1) ઊંચા, શ્ર્વેત વર્ણવાળા, નીલી કે રાખોડી આંખોવાળા, કદાવર નૉર્ડિક; (2) ટૂંકા, જાડા અને મધ્યમ વર્ણવાળા આલ્પાઇન અને (3) ટૂંકા, મધ્યમથી આછા બાંધાવાળા, કાળી આંખો અને કાળા વાળવાળા તેમજ લંબગોળ ચહેરાવાળા ભૂમધ્ય સમુદ્રીય લોકો.

ભાષા : અહીંની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે. બ્રિટાનીના બ્રેટન લોકો કેલ્ટિક, નૈર્ઋત્ય  ફ્રાંસમાં પિરિનીઝના પશ્ચિમ ભાગમાં બાસ્ક અને પૂર્વ ભાગમાં કેટેલન ભાષા બોલાય છે; કૉર્સિકામાં ઇટાલિયન ભાષાની કૉર્સિકન બોલી તથા ફ્રેન્ચ આલ્પ્સ પ્રદેશમાં ઇટાલિયન ભાષાની બીજી બોલી બોલાય છે; ઈશાન તરફના આલ્સેસ અને લૉરેઇનમાં જર્મન ભાષાની બોલી બોલાય છે, જ્યારે ડંકર્ક વિસ્તારમાં ડચ (ફ્લેમિશ) ભાષા બોલાય છે.

ધર્મ : ફ્રાંસના 75 % લોકો રોમન કૅથલિક, 12 % લોકો અજ્ઞેયવાદીઓ કે નાસ્તિકો તથા અન્ય દેશોમાંથી આવેલાં સ્થળાંતરવાસીઓ, 2% લોકો મુસ્લિમો, 2 % લોકો પ્રૉટેસ્ટંટ અને 1 % લોકો યહૂદીઓ છે.

વસ્તી : 1991 મુજબ 5,63,75,000 જેટલી હતી, જે 1996માં 5,73,88,000 થવાની શક્યતા હતી. આ પૈકી 73% શહેરી અને 27% ગ્રામીણ છે. વસ્તીગીચતા દર ચોકિમી. 98 વ્યક્તિની છે, વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર આશરે 0.6% જેટલો છે. પૅરિસ  ફ્રાંસનું પાટનગર છે, જેની વસ્તી 1991 મુજબ 93,19,000 જેટલી હતી. પૅરિસ ઉપરાંત વધુ વસ્તીવાળાં બે શહેરો લિયોન (12,62,000) અને માર્સેલ્સ (10,87,000) છે. પૅરિસમાં વસ્તીનું કેન્દ્રીકરણ વધુ પ્રમાણમાં થયેલું છે. ત્યાં દેશની 16 % (છઠ્ઠા ભાગની) વસ્તી રહે છે. ગ્રામીણ વસ્તીનું વિતરણ સમપ્રમાણમાં જોવા મળે છે. ગ્રામીણ વસ્તી મુખ્યત્વે પૂર્વીય પૅરિસ થાળામાં, મધ્યના ઉચ્ચપ્રદેશીય વિભાગ, લાન્ડ, જુરા, આલ્પ્સ, પિરિનીઝ, બ્રિટાની, આલ્સેસ અને ર્હોન-સોન થાળામાં જોવા મળે છે.

ઇતિહાસ : ફ્રાંસ એક એવો દેશ છે, જેના માનવઇતિહાસની લગભગ સંપૂર્ણ નોંધ મળે છે. પુરાતત્ત્વીય ઉત્ખનનોમાંથી મળેલાં હસ્તકારીગરીનાં ઓજારો સૂચવે છે કે ત્યાં એક લાખ વર્ષથી પહેલાંની વસાહતો હતી. ઈ. પૂ. 1500ના અરસામાં કેલ્ટિક લોકોએ રહાઇન નદીની ખીણમાંથી દક્ષિણ અને પશ્ચિમ તરફ ઇટાલી તથા ફ્રાંસમાં સ્થળાંતર કરેલું. ઈ. પૂ. 625માં આયોનિયન ગ્રીકોએ માર્સેલ્સ ખાતે વ્યાપારી વસાહત સ્થાપેલી, જે સદીઓ સુધી સમૃદ્ધ થતી રહી. ઈ. પૂ. 123માં રોમનોએ અહીંના ગોલ્સ લોકો પર જીત મેળવી, જે ઈ. પૂ. 54માં જુલિયસ સીઝરે પૂરી કરી. ગોલ લોકોનો પ્રદેશ રોમન સામ્રાજ્યના 500 વર્ષોના શાસન દરમિયાન સંપૂર્ણપણે રોમન સંસ્કૃતિમય બની રહ્યો. રોમન સામ્રાજ્યના પતન બાદ આ ગોલપ્રદેશ જર્મન આક્રમણોનો ભોગ બન્યો. પાંચમી સદીના અંત સુધીમાં તો સેલિયન ફ્રૅન્કોએ લૉઇર નદીથી ઉત્તર તરફના ઍક્વિટેન, પ્રૉવેન્સ, બર્ગન્ડી જેવા પ્રદેશોને કબજે કરી લીધા. 8મી સદી સુધીના ગાળામાં અહીંના પ્રદેશોનો કબજો કારોલિન્જિયનો પાસે ગયો. તેમાંથી શાર્લમૅનનું સામ્રાજ્ય વિકસ્યું. તેણે મોટાભાગનું પશ્ચિમ યુરોપ પોતાના વર્ચસ્ હેઠળ લાવી મૂક્યું; પરંતુ તેના મૃત્યુ બાદ આ મહાન સામ્રાજ્યના ભાગલા પડ્યા. ઈ. સ. 843 પછી આ સામ્રાજ્યનો પશ્ચિમ ભાગ ફ્રાંસિયા ઑક્સિડેન્ટાલિસ તરીકે ઓળખાતો થયો. કારોલિન્જિયનનો છેલ્લો રાજવી 987માં મૃત્યુ પામ્યો; ત્યારે આ ફ્રાંસિયા પ્રદેશના રાજા તરીકે હ્યુ કૅપેટને ચૂંટી કાઢ્યો, પરંતુ તે નબળો અને બિનઅસરકારક પુરવાર થયો.

1328માં ફ્રાંસની ગાદી ચાર્લ્સ ઑવ્ વૅલ્વાને મળી. ત્યારપછી 1337થી 1453 સુધી  ફ્રાંસ અને બ્રિટન વચ્ચે ‘સો વર્ષનું યુદ્ધ’ ચાલ્યું. તે દરમિયાન  ફ્રાંસમાં વૅલ્વા રાજવી કુટુંબનું વર્ચસ્ સ્થપાયું હતું. અંગ્રેજોએ કૅલે સિવાયનો બધો જ પ્રદેશ ગુમાવ્યો હતો. પંદરમી સદીના અંત સુધી તો બર્ગન્ડી અને બ્રિટાની વૅલ્વાને હસ્તક હતાં અને  ફ્રાંસની લગભગ આજની સરહદો પણ નક્કી થઈ ચૂકી હતી.

સોળમી સદી દરમિયાન ફ્રાંસમાં પ્રૉટેસ્ટંટ પંથનો પ્રસાર થયો, તેમાંથી પ્રૉટેસ્ટંટો અને રોમન કૅથલિકો વચ્ચે ધાર્મિક સંઘર્ષો થયા હતા, આ કારણે 1572માં 3,000 માણસોની હત્યા પણ થઈ હતી. આ સંઘર્ષોના પરિણામે પ્રૉટેસ્ટંટ પંથી હેન્રી ચોથાએ રાજગાદી મેળવી ખરી, પરંતુ શાંતિ સ્થપાય એ હેતુથી કૅથલિકો સાથે સમાધાનકારક વલણ અખત્યાર કર્યું.

સત્તરમી સદી દરમિયાન ફ્રાંસ યુરોપમાં મહાસત્તા બની રહ્યું. લૂઈ 14મો ગાદી પર આવ્યો. અઢારમી સદી દરમિયાન થયેલાં યુદ્ધોમાં તેની હાર થઈ અને તેના પરિણામરૂપે  ફ્રાંસને અલ્જિરિયા, પશ્ચિમ આફ્રિકા, વિષુવવૃત્તીય આફ્રિકા જેવાં દરિયાપારનાં ઘણાં સંસ્થાનો ગુમાવવાં પડ્યાં. દેશ પર દેવાનો બોજ વધી ગયો હતો. લૂઈ 16માના સમયમાં 1789માં ફ્રાંસમાં ક્રાંતિ થઈ, રાજવી પ્રથાને તિલાંજલિ અપાઈ, જોકે આ  ક્રાંતિ લોહિયાળ બની રહી. 1791માં નવું બંધારણ ઘડવામાં આવ્યું.  ફ્રાંસને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. 1795માં પાંચ ડિરેક્ટરોને સત્તા સોંપાઈ, પરંતુ તેમની સરકારી વ્યવસ્થા નબળી પડતાં સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટે 1799માં સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લીધાં. તેણે 1799થી 1814 સુધીમાં શરૂમાં કાસલ તરીકે અને પછીથી શહેનશાહ તરીકે સત્તા ભોગવી. તેના લશ્કરી શાસનનો 1815માં અંત આવ્યો, થોડો વખત મર્યાદિત રાજસત્તા પણ રહી. 1830 અને 1848માં સફળ ક્રાંતિઓ થઈ. 1848થી 1852ના ગાળા દરમિયાનની પ્રજાસત્તાક વ્યવસ્થાને બાદ કરતાં 1871 સુધી રાજસત્તા ચાલતી રહી. તે દરમિયાન 1870–71માં ફ્રૅન્કો–જર્મન યુદ્ધ થયું. તેમાંથી ફરીથી પ્રજાસત્તાક શાસનનું નિર્માણ થયું. 1871માં ફ્રાંસનો આલ્સેસ–લૉરેઇન પ્રદેશ જર્મનોના કબજામાં ગયો, જે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પાછો મળ્યો. 1940માં ફ્રાંસ પરના હિટલરના આક્રમણ પછી વીચી ખાતે માર્શલ પેતાંના નેતૃત્વ હેઠળ સરકાર રચવામાં આવી. તે પછી જનરલ ચાર્લ્સ દ ગોલની દોરવણી હેઠળ બ્રિટનમાં સ્વતંત્ર ફ્રાંસ માટેની ચળવળ દ્વારા આ પ્રકારની વ્યવસ્થાનો પ્રતિકાર કરવામાં આવ્યો. 1943માં અલ્જિયર્સમાં કામચલાઉ સરકાર સ્થપાઈ. 1944માં તે મુક્ત થવાથી સરકારનું મથક પૅરિસ ખાતે ખસેડવામાં આવ્યું. 1945માં દ ગોલ કામચલાઉ સરકાર રચીને તેના પ્રમુખ બન્યા. ફ્રાંસે યુનાઇટેડ સ્ટેટ્સની મદદ મેળવીને તેનાં શહેરો ફરી બાંધ્યાં અને ઉદ્યોગો શરૂ કર્યા.

ફ્રાંસે ભારે નુકસાન વેઠ્યા બાદ 1954માં તેનું સંસ્થાન ઇન્ડોચાઇના (હિંદી ચીન) છોડી દેવું પડ્યું. 1956માં તેણે મોરૉક્કો અને ટ્યુનિસિયાને સ્વતંત્રતા આપી. 1958માં દ ગોલ પ્રજાસત્તાકના વડાપ્રધાન બન્યા અને તે પછી નવા બંધારણ મુજબ પ્રમુખપદે ચૂંટાયા. 1962માં અલ્જિરિયાને સ્વતંત્રતા આપવી પડી. દ ગોલ 1965માં બીજી વાર સાત વર્ષ માટે પ્રમુખપદે ચૂંટાયા. તેમણે 1967માં નાટોમાંથી ફ્રાંસનું લશ્કરી સભ્યપદ પાછું ખેંચી લીધું. 1968માં તેમના શાસનવિરુદ્ધ દેશમાં વ્યાપક હિંસક દેખાવો થયા અને હડતાળો પાડવામાં આવી. લોકોના વિરોધને કારણે 1969માં દ ગોલે રાજીનામું આપ્યું અને જ્યૉર્જ પૉમ્પિડુ પ્રમુખપદે ચૂંટાયા. તેમણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સમાજવાદી પક્ષના ફ્રાંસિસ મિત્તરાં 1981માં પ્રમુખપદે ચૂંટાયા. સમાજવાદીઓએ સરકારની માલિકીના વેપારધંધા વધાર્યા. મિત્તરાં 1988માં બીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાયા. ધારાસભામાં પણ સમાજવાદીઓને બહુમતી મળવાથી માઇકલ રોકાર્ડ વડાપ્રધાન બન્યા. 1991માં ફ્રાંસના બે લાખ ખેડૂતોએ સરકારની ખેતીવિષયક નીતિ વિરુદ્ધ પૅરિસમાં દેખાવો યોજ્યા. તેથી મિત્તરાંએ રોકાર્ડને સ્થાને એડિથ ક્રેસનને વડાપ્રધાનપદે નીમ્યાં. મે 1995માં રૂઢિચુસ્ત જેક્વીસ ચિરાક ફ્રાંસના પ્રમુખપદે ચૂંટાયા.

ફ્રેન્ચ સંસ્કૃતિ : ફ્રાંસના લોકો પ્રાચીનકાળમાં ગોલ તરીકે ઓળખાતા. ગોલો મૂળમાં કેલ્ટિક પ્રજા હતા અને વેલ્શ તથા આઇરિશ પ્રજાઓ સાથે ગાઢપણે સંકળાયેલા હતા. ફ્રાંસમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તરમાંથી રોમનો, જર્મનો અને ત્યારબાદ નોર્સ લોકો આક્રમણકારીઓ તરીકે આવ્યા અને વસી ગયા. તેઓ ધીમે ધીમે ગોલ પ્રજા સાથે ભળી ગયા. રોમનોએ ફ્રાંસમાં પરસ્પર લડતી ગોલિક ટોળીઓ વચ્ચે સુલેહ સ્થાપી. તેમણે વહીવટમાં લૅટિન ભાષા દાખલ કરીને તેને લિંગ્વા ફ્રાન્કાનો દરજ્જો અપાવ્યો. સમગ્ર દેશ માટે એક જ કાયદો દાખલ કર્યો. તોલમાપનાં નવાં ધોરણો પ્રચલિત કર્યાં અને ફ્રાંસને તેની સીમારેખા આંકી આપી, જે આજે પણ ઘણે અંશે ચાલુ રહી છે. ગોલોને રોમનોના શાસન દરમિયાન શાળાઓ, પુસ્તકાલયો, થિયેટરો, સ્નાનાગારો અને બીજી ઘણી સુવિધાઓ સાંપડી. શરૂઆતમાં દારૂની આયાત થતી, પણ પછી ફ્રાંસમાં જ ઉત્તમ દારૂ બનવા લાગ્યો. આમ, ફ્રાંસમાં ગેલો-રોમન સંસ્કૃતિ પ્રવર્તી. ધીમે ધીમે એમાં પછી આવેલી પ્રજાઓનો રંગ પણ ભળતો ગયો. ફ્રાંસનું નામ તેના ફ્રાંક નામના જર્મન વિજેતાઓ પરથી પડ્યું છે અને પૂર્વોત્તર ફ્રાંસના ઘણા લોકોના પૂર્વજો જર્મન છે. નૉર્મન્ડીમાં વસેલા લોકો પોતાને નોર્સ પ્રજાના વંશજો કહે છે. આ બધીય પ્રજાઓની જીવનશૈલીઓના સમન્વયથી એક વિશિષ્ટ જીવનશૈલી પાંગરી, જેને ફ્રેંચ સંસ્કૃતિને નામે ઓળખવામાં આવે છે.

ફ્રેન્ચો તેમના સ્વભાવ, મોજીલાપણાની બાબતમાં સ્પૅનિશ અને ઇટાલિયન લોકોને મળતા આવે છે. કોઈ કામના ઉકેલ માટે લાભકારક ટૂંકો રસ્તો લેવાને બદલે ધોરણસરનો માર્ગ અપનાવવાનું એમનું વલણ જાણીતું છે. અંગ્રેજી બોલનારા વ્યવહારવાદીઓને તેમનું આ વલણ રુચતું નથી. જીવનને માણવું એ ફ્રેન્ચ પ્રજાનો ઉદ્દેશ છે. દેખાડો કે દંભ નહિ, પણ સરળતા અને સહજતા એ ફ્રેન્ચ આચારનો અર્ક છે. ખાવું, પીવું, વાતો કરવી, વસ્ત્રપરિધાન કરવાં, ખરીદી કરવી જેવી રોજ-બ-રોજની બાબતોમાં પણ તેઓ ભારે દિલચસ્પી દાખવે છે. ભોજન એનું સરસ ર્દષ્ટાંત છે. ફ્રેન્ચો ભોજન પર એકદમ ધસી જવાનું પસંદ કરતા નથી. તેઓ ભોજન અંગે હંમેશાં પૂર્વયોજના કરે છે. ખૂબ જહેમત અને કાળજી લઈ ભોજન પકાવે છે, વાનગીઓ રુચિને પોષનારી બને તેનું ધ્યાન રાખે છે. ભોજનના ટેબલને સરસ રીતે સજાવે છે. પીરસેલી વાનીઓની પ્રશંસા કરવી, પ્રત્યેક કોળિયાનો આસ્વાદ માણવો, જમવામાં સહેજ પણ ઉતાવળ ન કરવી, વચ્ચે વચ્ચે દ્રાક્ષ કે કોઈ ફળનો દારૂ ધીમે ધીમે એકધારો પીવો વગેરે ફ્રેન્ચ ભોજનનાં તરી આવતાં લક્ષણો છે. ફ્રેન્ચો તેમની આવી શૈલીને કારણે અન્ય યુરોપીય પ્રજાઓથી જુદા તરી આવે છે.

વસ્તુત: નવજાગૃતિ પછી ફ્રાંસ જીવન જીવવાની કલાની બાબતમાં સભ્યતાનું ખરું કેન્દ્ર બન્યું. સત્તરમી અને અઢારમી સદીઓમાં ફ્રાંસની સંસ્કૃતિને જગતમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું. સમ્રાટ લૂઈ 14માના લશ્કરી સામર્થ્ય અને તેની કીર્તિને કારણે યુરોપ ખંડમાં ફ્રાંસની રીતભાત અને જીવનશૈલી ફેલાઈ. ત્યારબાદ ઘણા દેશોના શિષ્ટ વર્ગમાં એ પ્રકારની જીવનશૈલી અપનાવાઈ. તેની સાથે ફ્રાંસનાં ભાષા, સાહિત્ય, કલા અને સ્થાપત્યનો પણ પ્રસાર થયો.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

પ્રવીણચંદ્ર પરીખ