પરમાશ્વ : બૌદ્ધ દેવતા હયગ્રીવનું બીજું સ્વરૂપ : ધ્યાની બુદ્ધ અક્ષોભ્યમાંથી ઉદભવેલ દેવી-દેવતાઓમાં હયગ્રીવની જેમ પરમાશ્વ એટલે કે મહાન અશ્વ તરીકે ઓળખાતા આ દેવ ઉદભવેલા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તે ચતુર્મુખ અને અષ્ટભુજ છે. તેને ચાર પગ છે. ત્રણ નેત્રવાળું પ્રથમ મુખ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. તેનાં આયુધાં વજ્ર અને દંડ, ખડ્ગ, બાણ, ધનુષ વગેરે હોય છે. તે પ્રત્યલીઢાસનમાં ઇંદ્રાણી, શ્રી, રતિ અને પ્રીતિ નામે ચાર દેવીઓ અને ઇન્દ્ર, મધુકર, જયકર અને વસંત નામે ચાર દેવની ઉપર ઊભેલા છે. આ એક સાંપ્રદાયિક મહત્વ દર્શાવતું સ્વરૂપ હોવાનું જણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ