ઢોલામારૂ : રાજસ્થાનની અત્યંત પ્રસિદ્ધ લોકકથા. હેમચંદ્રાચાર્યે પ્રાકૃત-વ્યાકરણમાં જે અપભ્રંશના ઉદાહરણ આપેલાં છે તેમાં ઢોલા શબ્દપ્રયોગ મળે છે. આ શબ્દ ત્યાં નાયકના અર્થમાં પ્રયોજાયો છે, જે આ લોકગાથાના નાયકની સુપ્રસિદ્ધિને કારણે નાયકની સંજ્ઞા ઢોલા પ્રચલિત થઈ હોવાનું જણાય છે. ઢોલામારૂની ગાથા ઐતિહાસિક આધાર ધરાવે છે. ઢોલા પોતે કછવાહા વંશના રાજા નળનો પુત્ર હતો. મારૂ (મૂળનામ મારવણી) પૂગલના રાજા પિંગલની કન્યા હતી. એક વાર પૂગલ દેશમાં આકરો દુકાળ પડ્યો. તેથી રાજા પિંગલ સપરિવાર નલરાજાના દેશમાં જઈ રહ્યો. ત્યાં પિંગલની રાણી ઢોલા(બીજું નામ સાલ્હકુમાર)થી ભારે અભિભૂત થઈ અને પોતાની કન્યા મારવણીનાં લગ્ન એની સાથે કરાવ્યાં. આ ઢોલા અને મારવણીના પ્રેમનું વર્ણન આ ગાથામાં ખૂબ સુંદર રીતે થયું છે. આ પ્રેમગાથામાં માનવ- હૃદયના કોમળ ભાવો તેમજ બાહ્ય પ્રકૃતિનું મનોહર ચિત્રણ થયું છે. રાજા નળનો સમય વિ. સં. 950થી 1000નો ગણાય છે. આથી આ ગાથા 1000 વર્ષ જેટલી પ્રાચીન હોવાનું પ્રતીત થાય છે. કાશી નાગરી પ્રચારિણી સભા દ્વારા ‘ઢોલા-મારૂ-રા-દૂહા’ નામે આ ગાથા પ્રકાશિત થઈ છે. એમાં પ્રેમનાં મનોરથ દૃશ્યો, મારવણીનો સંદેશો, માલવણી(બીજી પત્ની)ના વિરહનું વર્ણન, પ્રકૃતિનું સજીવ ચિત્રણ ચિત્તાકર્ષક છે. લોકકવિએ રાજસ્થાનનાં વિશેષ પશુ-ઊંટનું અને ત્યાંની વાલૂકામયી ભૂમિ તેમજ ત્યાંની પેદાશોનું પણ વર્ણન કર્યું છે. વસ્તુતઃ આ લોકગાથાને રાજસ્થાનની પ્રતિનિધિ-ગાથા ગણવામાં આવે છે. આ ગાથા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ભોજપુરીમાં ઢોલા અને ઢોલનરૂપ ધારણ કરીને પ્રચલિત થયેલી છે.
પ્રવીણચંદ્ર પરીખ