કૃષ્ણગીતાવલિ : તુલસીદાસનો કૃષ્ણચરિતને લગતો ગીત-સંગ્રહ. આ ગ્રંથમાં 61 ગીતો સમાવિષ્ટ છે. કૃષ્ણચરિતના કોમલ અને મધુર અંશોને ચિત્રિત કરવા માટે તુલસીદાસને આ ગીત-રચનામાં મોકળાશ મળી હતી. તેથી વર્ણન-વિસ્તારમાં બિલકુલ ગયા નથી અને માત્ર રૂપરેખા દ્વારા એમણે કૃષ્ણકથા કહી દીધી છે. આ ગીતોમાં પણ તુલસીદાસે ઘણે અંશે પોતાની માન્યતા અનુસાર મર્યાદાવાદનું પરિપાલન કર્યું છે. રચનાઓ નાની છે પરંતુ કલાની દૃષ્ટિએ સુંદર છે. પદયોજના સરસ અને અનાયાસ છે. શૈલી
સુવ્યવસ્થિત અને ભાષા બિલકુલ બોલચાલની વ્રજભાષા પ્રયોજી છે જેને લઈને વ્રજ પ્રદેશનું વાતાવરણ અનુભવાય છે.
તુલસીદાસે ‘ગીતાવલિ’ની રચના કર્યા પછી આ કૃષ્ણગીતાવલિની રચના કર્યાનું જણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ