ફૉલિંગ વૉટર : અમેરિકાના બિયર રન શહેરમાં પેન્સિલ્વેનિયા રાજ્યના નિવાસ માટેની એક વિખ્યાત ઇમારત. 1937–39 દરમિયાન અમેરિકન સ્થપિત ફ્રેન્ક લૉઇડ રાઇટે બાંધેલી આ ઇમારત અમેરિકાના અર્વાચીન સ્થાપત્યનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. અર્વાચીન અમેરિકન અને યુરોપીય સ્થાપત્યનો સમન્વય સાધતી આ સ્થાપત્ય-રચનામાં એના સ્થપતિએ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ, એકસ્પ્રેશનિઝમ અને ઍન્ટિરૅશનાલિઝમ – એ ત્રણેય શૈલીઓને કુશળતાપૂર્વક પ્રયોજી છે. બાંધકામમાં એ વખતે નવા અને આધુનિક ગણાતા રિન્ફૉર્સ્ડ સિમેન્ટ-ક્રૉન્ક્રીટ(આર.સી.સી)નો ઉપયોગ થયો છે, જ્યારે અંદરની સજાવટમાં કાષ્ઠસામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રચના માટે પ્રકૃતિ-સૌંદર્યથી ભરપૂર સ્થળની પસંદગી સ્થપતિએ સ્વયં કરેલી અને એક ઝરણાને આવરી લેતી ખડકાળ જગ્યા પર તેમણે આ આર.સી.સી. ઇમારતની રચના એવી આગવી કુશળતાથી કરી છે કે આ બહુમાળી મકાનનો મુખ્ય મજલો જાણે ખડકમાંથી ઝરણા પર અધ્ધર તરતો મુકાયેલો હોય તેવો ભાસ થાય છે. અહીં મકાનના મજલાઓની માનવસર્જિત સપાટીઓ કુદરતી સૌંદર્યથી ભરપૂર ઝાડીવાળી જગ્યા સાથે એવી રીતે સાંકળવામાં આવી છે કે બંનેનો સમન્વય એક અભૂતપૂર્વ અનુભવ બની રહે છે. મકાનની છો(floor)ની રચના પણ એવી રીતે કરાયેલી છે કે જાણે ખડકાળ જમીન પર જ ચાલતા હોઈએ તેવું લાગે છે. ઇમારતના આંતરિક સમાયોજનમાં પણ આજુબાજુના સુંદર વાતાવરણનો ખ્યાલ રાખીને કાષ્ઠ-સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુદરતી પ્રકાશને પણ ઉત્કૃષ્ટ રીતે સાંકળવામાં આવ્યો છે. મકાનના મુખ્ય ભાગ ઉપરથી એક લટકતી સીડી દ્વારા સીધા નીચેથી પસાર થતા ઝરણા પર ચાલ્યા જવાય એવી વ્વયસ્થા કરવામાં આવી છે. સ્થપતિની કલાત્મક ર્દષ્ટિ તેમજ કુદરત અને તેની સુંદરતા વચ્ચે વિહાર કરવાની ભાવના બંનેના ઉત્તમ સમન્વયને પરિણામે આ રચના વિશ્વની એક અત્યંત મહત્વની આવાસરૂપ ઇમારત બની છે. તેનો દર્શનાનુભવ કોઈ એકાદ જમાના પૂરતો મર્યાદિત જણાતો નથી. વીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન લાખો લોકોએ તેની પ્રશંસા કરી છે. વસ્તુત: લોકજીવનને સમૃદ્ધ બનાવતું આ બેનમૂન સ્થાપત્ય છે.

રવીન્દ્ર વસાવડા