ફૉલસ્ટાફ (સર જૉન ફૉલસ્ટાફ)

February, 1999

ફૉલસ્ટાફ (સર જૉન ફૉલસ્ટાફ) : શેક્સપિયરનું એક સુવિખ્યાત ‘કૉમિક’ પાત્ર. ‘કૉમિક’ એટલે અહીં ખાસ કરીને નાટકમાં, હાસ્યરસને તેના સ્થૂલ અર્થથી માંડીને સૂક્ષ્મતમ ધ્વનિ સુધી વિસ્તારાતી પાત્રાલેખનની રીતિ.

ફૉલસ્ટાફ શેક્સપિયરનાં ત્રણ નાટકોમાં ભૂમિકા ભજવે છે. ઐતિહાસિક સામગ્રી પર આધારિત ‘હૅન્રી ધ ફૉર્થ, પાર્ટ વન’ અને ‘હેન્રી ધ ફૉર્થ, પાર્ટ ટૂ’ એમ બે નાટકોમાં તેમજ ‘ધ મેરી વાઇવ્ઝ ઑવ્ વિન્ડસર’માં ફૉલસ્ટાફની સ્થૂલ શારીરિક સંપત્તિ ગજબ છે. એ ખૂબ જ જાડો છે. વળી એ પીધા વગર રહી શકતો નથી. ખાસ કરીને સૅક નામના દારૂનો એ શોખીન છે. એ બોલવામાં જીભનો બેહદ ચતુર છે. એ જાતજાતનાં પેંતરા ને છટકાં ગોઠવવામાં સતત પ્રવૃત્ત હોય છે અને કદાચિત્ એની આ રમતોમાં હારી બેસે તોપણ તેની પેલી ચાલાકીથી ‘વિટ’ એટલે કે વાક્ચાતુર્યથી છેવટે એ જાણે જીતી જાય છે. વાચક–પ્રેક્ષક ફૉલસ્ટાફની સામે નહિ, તેની સાથે હસે છે અને જ્યાં પણ અમાનુષી આત્યંતિકતા દેખાતી હોય – પછી એ શૌર્યની હોય, સત્તાની હોય કે ખુદ પોતાના સદગુણી હોવાના ખ્યાલની હોય – ત્યાં ફૉલસ્ટાફની કોઈ ને કોઈ છટા દ્વારા શેક્સપિયર જાણે કે તેનો ઉપહાસ કરે છે. માણસ માત્રને પોતાની મર્યાદાઓ બતાવી, તેને સ્વીકારી, સમાવી, તેના પર અને જાત પર હસી લેવાનું શીખવે છે, કહે છે. રેનેસાં- નવજાગરણ સમયના માનવતાવાદનો જાણે કે અહીં અર્ક ઝિલાયો છે.

ઐતિહાસિક સામગ્રીવાળાં બે નાટકોમાં ફૉલસ્ટાફ મુખ્યતયા પ્રિન્સ હૅલ – જે પાછળથી રાજા હેન્રી પાંચમો બને છે – તેના મિત્ર, સાથીદાર અને મળતિયાની ભૂમિકામાં છે. પ્રિન્સ, પોતે પ્રિન્સ છે ત્યાં સુધી તેને બહેકાવે છે, તેની ગમ્મતમાં જોડાય છે. એક ઝાડીમાં બકરમનો સૂટ પહેરેલા કહેવાતા કેટલાય લૂંટારાઓનો તેણે બહાદુરીથી સામનો કર્યો; યુદ્ધમાં તેણે હૉટસ્પર નામના શૂરાને કેવી રીતે પૂરો કરી નાખ્યો, પોતે ધારો કે રાજા હોય અને પ્રિન્સ તેની પાસે ખુલાસો કરતો હોય તો કેવી રીતે વર્તે – એ બધા શેક્સપિયરનાં આ નાટકોમાં ફૉલસ્ટાફના રોલના વિખ્યાત કિસ્સા છે, પણ અંતે પ્રિન્સ હવે રાજા થતાં એ જ ફૉલસ્ટાફને તુચ્છકારે છે, અને ત્યાં કંઈક કરુણના અંશો ઊભરાય છે. ‘મેરી વાઇવ્ઝ’માં ફૉલસ્ટાફનાં લક્ષણો એ જ રહે છે અને કોઈકને છેતરવા જતાં તે ઉઘાડો પડી જાય છે.

ફૉલસ્ટાફના પાત્ર પર સંખ્યાબંધ ઑપેરા રચાયા છે અને એમ સર્જક-કલ્પનાને આ પાત્ર ઉત્તેજતું રહ્યું છે.

દિગીશ મહેતા