સુન્દાસ, ઇન્દ્ર

January, 2008

સુન્દાસ, ઇન્દ્ર (જ. 22 સપ્ટેમ્બર 1918, સિપેઇધૂરા, જિ. દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ; અ. 10 મે 2003) : નેપાળી નવલકથાકાર. અગાઉ તેઓ રાજ્યની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા બાદ 1949થી 1975 દરમિયાન પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી સેવાનિવૃત્ત થયા. તે પછી તેઓ લેખનકાર્ય તરફ વળ્યા.

તેમને તેમની નવલકથા ‘નિયતિ’ માટે 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે અત્યાર સુધીમાં 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મંગાલી’ (1958), ‘જુનેલી રેખા’ (ધ લાઇન્સ ઑવ્ મુનલાઇટ, 1979), ‘નિયતિ’ (1982), ‘સહારા’ (1995) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘શ્રી રામ ક્રિશ્ન’ અને ‘મહાત્મા ગાંધી’ (1973) ચરિત્રગ્રંથો છે. ‘રાજા રામમોહન રૉય’ (1983) પ્રબંધ છે. ‘રાણી-ખોલા’ (1967) અને ‘રોમંથન’ (1967) વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓ અંગ્રેજી, હિંદી, બંગાળી અને અસમ ભાષામાં અનૂદિત થઈ છે.

તેમણે જવાહરલાલ નહેરુના તેમની પુત્રીને લખેલા પત્રો, ટૉલ્સ્ટૉયની વાર્તાઓ (1948), ટાગોરની ટૂંકી વાર્તાઓ (1962), માણિક બંદોપાધ્યાયની બંગાળી નવલકથા ‘પદ્મ નદીર મઝી’ (1985) અને સુકુમાર સેનના ‘હિસ્ટરી ઑવ્ બૅંગાલી લિટરેચર’ નેપાળીમાં અનૂદિત કર્યાં છે.

તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર, જન નિસાર અખ્તર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

તેમને તેમની ‘જુનેલી રેખા’ બદલ 1980ના વર્ષનો ભાનુભક્ત ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે તેમની નવલકથાઓ દળદાર હોવા સાથે આકર્ષક હોય છે. તેઓ નેપાળી નવલકથાના અગ્રેસર ગણાય છે. તેમની નવલકથા ‘નિયતિ’માં તેમણે સામાન્ય ગ્રામજીવનને વિવિધ દૃષ્ટિકોણથી અદભુત રીતે મૂલવ્યું છે. તેમાં પ્રાકૃતિક વાતાવરણ – પર્યાવરણ તથા લોકસંસ્કૃતિનું આબેહૂબ ચિત્રાંકન જોવા મળે છે. તેમની આ નવલકથા તત્કાલીન સામાજિક–આર્થિક વ્યવસ્થાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરતી હોવાથી તેની નેપાળી નવલકથા-સાહિત્યમાં અનોખી છાપ છે.

બળદેવભાઈ કનીજિયા