સુન્દરમ્ વિવાન (Sunderem, Vivan)

January, 2008

સુન્દરમ્, વિવાન (Sunderem, Vivan) (. 1943, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરીને કલાના સ્નાતક થયા.

કૅન્વાસ પર કે કાગળ પર ચિત્રાંકન કરવાને કે પથ્થર, ધાતુ, લાકડા, કાચ કે પ્લાસ્ટિકમાંથી શિલ્પ સર્જવાને સ્થાને સુન્દરમ્ ‘ઇન્સ્ટૉલેશન’ પદ્ધતિએ કલાકૃતિઓ સર્જે છે; જેમાં મૂળ પદાર્થોની આકૃતિઓને ચીતરી કે કંડારીને રજૂ કરવાને બદલે સ્વયં મૂળ પદાર્થો જ રજૂ કરવામાં આવે છે. અનુઆધુનિકતાવાદની આ ‘ઇન્સ્ટૉલેશન’-પદ્ધતિનો ભારતમાં પ્રથમ ઉપયોગ કરનાર કલાકાર સુન્દરમ્ છે. આ ઇન્સ્ટૉલેશન રીતે તેમણે ભારતમાં પ્રથમ પ્રદર્શન 1985માં મુંબઈ ખાતે યોજ્યું હતું.

વિવાન સુન્દરમ્

સુન્દરમ્ માર્ક્સવાદી વિચારધારા તરફ ઝૂકેલા હોય તેવું તેમનાં મોટાભાગનાં ચિત્રો જોતાં સહેલાઈથી અનુભવી શકાય છે. તત્કાલીન સામાજિક-રાજકીય ઘટનાઓના સંદર્ભે એ પોતાના પ્રતિભાવ ચિત્રસર્જન દ્વારા આપતા રહ્યા છે. 1975ની કટોકટી, ઇન્દિરા ગાંધીની હત્યા, રાજીવ ગાંધીની હત્યા, અમેરિકા-ઇરાક યુદ્ધ, અયોધ્યાકાંડ અને 1993નાં મુંબઈનાં હુલ્લડોને તેમણે પોતાનાં ચિત્રો અને ઇન્સ્ટૉલેશન્સમાં વાચા આપી છે.

અમિતાભ મડિયા