સાંઈ, સુરેન્દ્ર (જ. 23 જાન્યુઆરી 1809, બોરગામ, સાંબલપુર મંડલ, ઓરિસા; અ. 28 ફેબ્રુઆરી 1884, આંદામાન) : સ્વાતંત્ર્ય-સંગ્રામના આરંભકાળે જેનો બલિ લેવાયો તે સ્વાતંત્ર્યવીર. તેના જન્મ અને બાળપણના સમયે હજુ અંગ્રેજોની સત્તા મજબૂત બની નહોતી; તેમ છતાં પરદેશી શાસનની અનિષ્ટતા પારખી સુરેન્દ્ર નાની વયથી જ અંગ્રેજોનો વિરોધી બન્યો. ત્યારે વનરાજિ ગાઢ હતી. તેણે અંગ્રેજો સામે ગેરીલા અથવા છાપામાર પદ્ધતિઓની લડાઈ આદરી. તેને સાથીઓ મળી આવતાં તે સાહસિક બન્યો, પણ દગાફટકામાં કુશળ અંગ્રેજો તેને પકડવામાં સફળ થયા. તેના પર રાજદ્રોહ આદિ ભારે આરોપો મુકાયા. ન્યાયનું નાટક ચાલ્યું અને તેને આજીવન દેશનિકાલની શિક્ષા ફરમાવાઈ. આંદામાનના નામચીન કારાગૃહમાં તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. પરિણામે સુરેન્દ્રે દૃષ્ટિ ખોઈ. લાંબી રિબામણીને અંતે તેણે કારાગૃહમાં જ દેહ છોડ્યો. લોકો તેને વીર સાંઈ કહી ભારે આદરપૂર્વક સ્મરે છે.
બંસીધર શુક્લ