ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ

January, 2001

ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ (જ. 18 સપ્ટેમ્બર 1954, જોધપુર, રાજસ્થાન) : આધુનિક ગુજરાતી સાહિત્યનાં તેજસ્વી લેખિકા. શૈશવથી જ કંઈક ચીલો ચાતરવાની વૃત્તિ. ઘરમાં બધાં ગુજરાતી બોલે ત્યારે એ મારવાડીમાં બોલે ! પાછળથી લીંબડીઅમદાવાદમાં એમનો પરિવાર સ્થિર થયો. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. તથા હિન્દી સાથે એમ. એ., ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ કથ્ય ઔર શિલ્પ કે નયે આયામ’ વિષય ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ. એ પછી અધ્યાપન સાથે ગુજરાતી-હિન્દીમાં તેમનું લેખનકાર્ય. ઉમા આટર્સ અને નાથીબા કૉમર્સ કૉલેજમાં હિન્દી વિભાગના અધ્યક્ષપદેથી સેવાનિવૃત્ત થયા છે.

થોડું પણ ઘૂંટીને લખનારાં લેખિકા. ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ (1992) તેમની પ્રથમ નવલકથા. ગુજરાતી નવલકથામાં કંઈક નવા કહી શકાય તેવાં બે સ્ત્રી વચ્ચેના સજાતીય સંબંધનું તેમાં કળાસભર નિરૂપણ થયું છે. કોઢથી પીડાતી એક કદરૂપી સ્ત્રી સૌંદર્ય પામવા કેવી કેવી મથામણ કરે છે તેનું અહીં પ્રમાણમાં સંતર્પક કહી શકાય એવું ચિત્ર તેઓ આપે છે. પ્રસ્તુત નવલકથાએ અભ્યાસીઓમાં ઠીક ઠીક ચર્ચા જગવી હતી. 1992-93 વર્ષનો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પુરસ્કાર પણ આ કૃતિને પ્રાપ્ત થયો હતો. તાજેતરમાં તેમની બીજી નવલકથા ‘અખેપાતર’(1999)ને  2003નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. પ્રસ્તુત કૃતિ કેન્દ્રીય પાત્ર કંચનબાની આસપાસ વિસ્તરીને જીવનના અનેક રંગોને ઉદ્ઘાટિત કરી આપે છે. ‘છાલિયું’ પ્રતીક રચનાનો અકાટ્ય અંશ બનીને અનેક અર્થોને નિમંત્રી રહે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ 1999માં આ રચના પુરસ્કૃત થઈ હતી.

આ ઉપરાંત તેમણે હિન્દીમાં ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ’ (1993), ‘આજ કે રંગનાટક’ (1998), હરિવલ્લભ ભાયાણીના ગ્રંથનો હિન્દી અનુવાદ ‘અપભ્રંશ વ્યાકરણ’ (1994), ધીરુબહેન પટેલની ‘આંધળી ગલી’નો હિન્દી અનુવાદ ‘અંધી ગલી’ (1994) વગેરે ગ્રંથો આપ્યા છે. વળી ‘ફણીશ્વરનાથ રેણુ’, ‘દાદૂ દયાલ’, ‘બીજાના પગ’ વગેરે હિન્દી પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપીને સફળ અનુવાદક તરીકેની છાપ પણ ઊભી કરી છે.

પ્રવીણ દરજી