ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય

January, 2001

ભટ્ટ, બળવંતરાય ગુલાબરાય (જ. 23 સપ્ટેમ્બર 1921, ભાવનગર) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર. તેમનું ઉપનામ ‘ભાવરંગ’. મુંબઈની ‘ધ વિક્ટૉરિયા મ્યૂઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ (1941). સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં સંગીતનો ડૉક્ટર ઇન મ્યૂઝિક (D.MUS) કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી (1950). તેમણે શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ પં. ઓમકારનાથજી પાસે લીધી. તેમણે ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની ખયાલ ગાયકીમાં; ધ્રુપદ, તરાના તથા ખયાલ ગાયકીની રચનાઓ સંગીતબદ્ધ કરવામાં અને મંત્રો તથા શ્લોકોના ગાયનમાં તેમજ એકાંતર તાલ(cross rhythm)માં પ્રશંસનીય પ્રભુત્વ મેળવ્યું.

બળવંતરાય ગુલાબરાય ભટ્ટ

તેમને ભાવનગરના મહારાજા તરફથી (1941–42) અને હંસરાજ પ્રાગજી ઠાકરસી ટ્રસ્ટ તરફથી (1943–45) શિષ્યવૃત્તિ મળી હતી. આ ઉપરાંત તાનસેન-વિષ્ણુ દિગંબર શિષ્યવૃત્તિ(1949)માં પ્રથમ વિજેતા બન્યા હતા.

આકાશવાણીનાં કેન્દ્રો પરથી તેઓ 1933થી ગાયક તથા વાદક તરીકે કાર્યક્રમો આપતા રહ્યા છે. ભારતભરમાં તેમજ પરદેશમાં અનેક સ્થળે સંગીત પરિષદોમાં તેમણે ભાગ લીધો. સંગીતશિક્ષકો માટે તાલીમ-શિબિરો યોજી તથા સંગીત-વિષયક શિક્ષણ અંગે વ્યાખ્યાનો આપ્યાં. પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ‘વિશ્વસંગીત’ના પ્રાધ્યાપક એચ. એસ. પાવર્સ માટે 65 રાગોના નિશ્ચિત પાઠ આપી તેમનું રેકૉર્ડિંગ કરાવ્યું. દેશના નામાંકિત ગાયક કલાકારોની હાર્મોનિયમ, તબલાં અને ઇસરાજના વાદ્યવાદક તરીકે સંગત કરી. તેમણે 250 ઉપરાંત વિવિધભાષી ભજનોનું સંગીતનિયોજન કર્યું. ભારત સરકાર તરફથી શુભેચ્છા મિશનના સભ્ય તરીકે નેપાળપ્રવાસ (બે વાર). અમેરિકાનો સ્વખર્ચે પ્રવાસ ખેડી ત્યાંની અનેક યુનિવર્સિટી સમક્ષ વ્યાખ્યાન-નિદર્શનો યોજ્યાં. અંધજનોની વિવિધ સંસ્થાઓ માટે પણ તેમણે સેવા બજાવી. ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીમાં 3 વર્ષ સભ્યપદ. વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પર્ફોર્મિંગ આર્ટ્સમાં રીડર તરીકેની કામગીરી પછી હાલ નિવૃત્ત.

1978–79માં ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી તથા ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમી તરફથી બહુમાન (1981–82). 1990માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.

‘ભાવરંગ લહરી’(તેમના સ્વરનિયોજનવાળી રચનાઓના 3 ગ્રંથ)નું પ્રકાશન અને પં. ઓમકારનાથજી વિશેના અંજલિ-ગ્રંથ ‘સંગીતાંજલિ’(3 ગ્રંથ)નું તેમનું સંપાદન નોંધપાત્ર છે. બનારસ યુનિવર્સિટીમાં ડી. મ્યૂઝિક પદવી માટે તેમણે ઘણા શિષ્યોને માર્ગદર્શન આપ્યું છે. તેમની સંગીતદીક્ષા પામેલા અનેક શિષ્યો દેશ-વિદેશમાં છે.

મહેશ ચોકસી