ફ્રાન્કોઇ, બાર-સિનોસિ (જ. 30 જુલાઈ 1947, પૅરિસ, ફ્રાન્સ) : આયુર્વિજ્ઞાનમાં 2008ના વર્ષના નોબેલ પુરસ્કારનાં સહવિજેતા ફ્રેન્ચ મહિલા વિષાણુવિજ્ઞાની (virologist). તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસમાં વિષાણુવિજ્ઞાની તરીકે અને ધ યુનાઇત દ રૅગ્યુલેશન દે ઇન્ફેક્શિયસ રીત્રોવિરેલ, પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસનાં નિયામક છે.
તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટમાં 1970ના દાયકાની શરૂઆતમાં જોડાયાં. તેમનાં સંશોધનો વાઇરસના વિશિષ્ટ સમૂહ–રીટ્રોવાઇરસ પર શરૂઆતથી જ કેન્દ્રિત થયાં. આ ક્ષેત્રના તેમના જ્ઞાનને કારણે 1983માં AIDS (acquried immuno deficiency syndrome) વાઇરસની શોધ કરી. આ શોધને લીધે રોગનિયંત્રણ માટેની નિદાનાત્મક (diagnostic) કસોટીઓની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. માનવપ્રતિરક્ષા-ન્યૂનતા વિષાણુ(human immuno deficiency virus, HIV)ના નિયંત્રણમાં યજમાનની સહજ સુરક્ષા(defence)ની અસર ઉપર અને માતામાંથી શિશુમાં થતા સંચારણ ઉપર તેઓ સંશોધન કરી રહ્યાં છે. તેમણે 200થી વધારે વૈજ્ઞાનિક પ્રકાશનોનું સહલેખન કર્યું છે અને 250થી વધારે આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં ભાગ લીધો છે. તેમણે ઘણા યુવાન સંશોધકોને પ્રશિક્ષિત કર્યા છે.
બાર-સિનોસિએ કેટલીક વૈજ્ઞાનિક સોસાયટી અને સમિતિઓમાં તથા નૅશનલ એજન્સી ફૉર ઍઇડ્ઝ રિસર્ચ, ફ્રાન્સ જેવાં ઍઇડ્ઝનાં સંગઠનોમાં સક્રિયપણે પ્રદાન કર્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ WHO અને UNAIDS-HIVના સલાહકાર તરીકે પણ સેવા આપી છે.
1980ના દસકાથી બાર-સિનોસિએ વિકાસશીલ દેશો સાથે સહકારાત્મક વલણનો પ્રારંભ કર્યો છે અને બહુવિષયક નેટવર્કનો તેમણે પ્રબંધ કર્યો છે. તેઓ નિવારણ (prevention) સ્વાસ્થ્યસંભાળ અને ચિકિત્સાનાં ક્ષેત્રોમાં નક્કર સુધારણાઓ સાધ્ય કરવા ઇચ્છે છે અને તેથી મૂળભૂત સંશોધન અને ચિકિત્સીય સંશોધન વચ્ચે સ્થાયી કડીઓની સ્થાપના માટે સતત કાર્યરત છે.
બાર-સિનોસિને ઍઇડ્ઝ માટે કારણભૂત HIVના પાયારૂપ સંશોધન બદલ લ્યુક મૉન્ટેગ્નિયર અને હૅરાલ્ડ ઝુર હોઝેન સાથે સંયુક્તપણે આયુર્વિજ્ઞાનના ક્ષેત્રમાં 2008ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
બળદેવભાઈ પટેલ