ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck)

February, 1999

ફ્રાન્ક, વિલ્ઝેક (Frank Wilczck) (જ. 15 મે 1951, મિનોલ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2004ના નોબેલ પુરસ્કારના વિજેતા. પ્રબળ આંતરક્રિયાના સિદ્ધાંતમાં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ ડૅવિડ પોલિટ્ઝર અને ડૅવિડ ગ્રૉસની ભાગીદારીમાં આ પુરસ્કાર મળ્યો છે.

પૉલિશ અને ઇટાલિયન ઉદગમના વિલ્ઝેકે ક્વીન્સની જાહેર શાળામાં શિક્ષણ મેળવ્યું. 1970માં તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્રના વિષય સાથે વિજ્ઞાનની સ્નાતકની પદવી મેળવી. 1972માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્રના વિષયમાં માસ્ટર ઑવ્ આર્ટ્સની પદવી મેળવી અને 1974માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

વિલ્ઝેક ફ્રાન્ક

સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન માટે MIT કેન્દ્ર ખાતે તેઓ ભૌતિકવિજ્ઞાનનું હર્મન ફેશબેક (Feshback) પ્રાધ્યાપકપદ ધરાવે છે. તદુપરાંત તેમણે પ્રિન્સ્ટનમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડવાન્સ્ડ સ્ટડીઝ તેમજ સાન્તા બાર્બરાના ઇન્સ્ટિટ્યૂટ ફૉર થિયોરેટિલ ફિઝિક્સ ખાતે પણ સંશોધનકાર્ય કર્યું છે.

એક્ઝિયૉન્સ (axions  જો અસ્તિત્વ ધરાવે તો તે અતિ હલકો કણ છે જેનું દળ પ્રોટૉનના દળ કરતાં 10–12 ગણું ઓછું હોય છે.), એનિયૉન્સ (અતિ હલકા કણો), ઉપગામી સ્વતંત્રતા અને ક્વાર્ક-દ્રવ્યની વર્ણ-અતિવાહક (color superconducting) અવસ્થા વિશે તથા ક્વૉન્ટમ-ક્ષેત્ર-સિદ્ધાંત (field theory) વિકસાવવામાં વિલ્ઝેકનું મહત્વનું યોગદાન રહ્યું છે.

તેમણે ઘણાં બધાં ક્ષેત્રે મહત્વનું સંશોધનકાર્ય કર્યું છે; જેમકે, સંઘનિત દ્રવ્ય ભૌતિક (condensed matter physics), ખગોળ ભૌતિકી અને કણ-ભૌતિકી.

હાલમાં શુદ્ધ કણ ભૌતિકીમાં સૈદ્ધાંતિક ખ્યાલો અને અવલોક્ય (observable) ઘટનાઓના સંયોજન; બ્રહ્માંડવિજ્ઞાન (cosmology) ક્ષેત્રે કણ-ભૌતિકીનો વિનિયોગ, દ્રવ્યની વર્તણૂક અને શ્યામલ છિદ્રો(black holes)ના ક્વૉન્ટમ સિદ્ધાંત ઉપર તેઓ સંશોધનકાર્ય કરે છે.

વિલ્ઝેકે 1973માં બેટ્સી ડેવિન (Betsy Devine) સાથે લગ્ન કર્યું અને અત્યારે તેમને બે પુત્રીઓ એમિટી અને મીટા છે.

પ્રહલાદ છ. પટેલ