ફુતૂહાતે આલમગીરી : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ આલમગીરના સમયમાં જોધપુરના વીર દુર્ગાદાસ રાઠોડ સાથેનાં યુદ્ધોના ઇતિહાસનું વર્ણન કરતો ગ્રંથ. અણહિલવાડ પાટણનો નાગર ગૃહસ્થ ઈશ્વરદાસ એક કુશળ વહીવટદાર, મુત્સદ્દી અને વિદ્વાન હતો. તે ઔરંગઝેબની નોકરીમાં હતો. મુઘલ સમયમાં ગુજરાતી હિંદુઓમાં નાગરો સરકારી નોકરીમાં મહત્વના અધિકારીઓ હતા. તે સમયે ફારસી રાજભાષા હોવાથી તેઓ ફારસી ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. ઈશ્વરદાસે આ ગ્રંથ લખ્યો છે. તેમાં ઔરંગઝેબ – આલમગીરના સમયમાં વીર દુર્ગાદાસ રાઠોડ સાથે થયેલાં યુદ્ધો તથા પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. લેખક સમકાલીન હતા તથા તેમાંના કેટલાક પ્રસંગોમાં તેમણે ભાગ લીધો હોવાથી, પ્રસ્તુત પુસ્તકમાં વર્ણવેલા બનાવો આધારભૂત હતા તેની ખાતરી થાય છે.
એમના ઇતિહાસમાં ઈ. સ. 1657થી 1698 સુધીના બનાવો વર્ણવવામાં આવ્યા છે. આ ગ્રંથની ફક્ત એક હસ્તલિખિત નકલ મળે છે, જેની 1750માં પાટણમાં નકલ કરવામાં આવી હતી. ડૉ. જી. બર્ડે ‘હિસ્ટરી ઑવ્ ગુજરાત’ લખવામાં તથા સર જદુનાથ સરકારે ‘તારીખે ઔરંગઝેબ’ લખવામાં આ ગ્રંથનો ઘણો ઉપયોગ કર્યો છે. આ ગ્રંથ ઈશ્વરદાસે 76 વર્ષની મોટી ઉંમરે 1731માં પૂરો કર્યો હતો.
જયકુમાર ર. શુક્લ