ફિલ્મનિર્માણ : છબીઘરના પડદા પર પ્રદર્શિત કરાતા ચલચિત્રનું નિર્માણ. ચલચિત્ર અથવા ફિલ્મને નિર્માણના અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ફિલ્મનિર્માણની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે જુદા જુદા કસબીઓ સંકળાયેલા હોય છે. આ બધામાં બે જણ સૌથી મહત્ત્વના હોય છે. એક તો નિર્માતા, જે ફિલ્મ બનાવવાનો ઇરાદો ધરાવે છે, અને તે માટે જરૂરી નાણાંનું રોકાણ કરે છે. બીજો છે દિગ્દર્શક, જેનું મહત્ત્વ કોઈ જહાજના કપ્તાન જેટલું છે. સમગ્ર ફિલ્મ તેના નિર્દેશો મુજબ તૈયાર થતી હોય છે. વાર્તાલેખક, પટકથાલેખક, સંવાદલેખક, ગીતકાર, સંગીતકાર, ધ્વનિમુદ્રક, પ્રકાશસંયોજક, સંકલનકાર, છબીકાર, નૃત્યસંયોજક, ફાઇટમાસ્ટર તથા અન્ય ટેક્નિશિયનો ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા આવશ્યક કસબીઓ છે. આ કસબીઓમાં કેટલાક એકથી વધુ જવાબદારીઓ પણ નિભાવતા હોય છે. નિર્માતા-દિગ્દર્શક એક વ્યક્તિ હોઈ શકે; પટકથાલેખક-સંવાદલેખક-વાર્તાલેખક એક વ્યક્તિ હોઈ શકે, દિગ્દર્શક અને કૅમેરામૅન પણ એક વ્યક્તિ હોઈ શકે. ઘણા કિસ્સાઓમાં નિર્માતા-દિગ્દર્શક પટકથાનો લેખક પણ હોય છે અને ઘણા કિસ્સાઓમાં તે ફિલ્મનો નાયક પણ હોય છે; પણ ફિલ્મનિર્માણનાં વિવિધ પાસાંને જુદી જુદી રીતે જોઈએ તો કોઈ પણ નિર્માતા જ્યારે ફિલ્મ બનાવવાનો વિચાર કરે છે અને એ માટે પૂરતાં નાણાંની વ્યવસ્થા કરે છે ત્યારે પ્રથમ તે દિગ્દર્શકનો સંપર્ક કરે છે અને ચિત્રનિર્માણના આયોજનનું કામ દિગ્દર્શકને સોંપે છે. નિર્માતા અને દિગ્દર્શક સાથે મળીને વાર્તાની પસંદગી કરે છે. એ વાર્તાને ફિલ્મના ઢાંચામાં ઢાળવા માટે પટકથા લખવામાં આવે છે, જેમાં દિગ્દર્શકે ફિલ્મની જે રીતે કલ્પના કરી હોય તે રીતે તેને કાગળ પર ઉતારાય છે. ચલચિત્ર દૃશ્ય માધ્યમ છે. તેમાં પાત્રો પડદા પર કેવળ સંવાદો ઉચ્ચારે અથવા કેવળ કથાનકનું વર્ણન ચાલે તેવી પટકથા ઉપયોગની નથી. ચોટદાર સંવાદો, ઊર્મિઓના આવેગો, અણધારી ઘટનાઓ, અવનવાં સ્થાનો આદિનો મહિમા ઘણો છે. તેમના વિના ચિત્ર પ્રભાવક બની શકતું નથી કે પ્રેક્ષકનો રસ જળવાતો નથી. તેથી, મૂળ કથાનક ઉપરથી પટકથા એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેમાં આ તત્વોને પૂરતી માવજત મળે – તે ઊપસી આવે અને વાર્તા પકડ જમાવે. પટકથા તૈયાર થયા પછી સંવાદો લખવામાં આવે છે. સંવાદો લખતી વખતે પાત્રોની ભૂમિકાનું – એની બોલવાની ઢબનું; ફિલ્મની વાર્તા કોઈ ચોક્કસ સમયગાળાની, કોઈ ચોક્કસ પરિવેશની, કોઈ ચોક્કસ સંસ્કૃતિની હોય તો તેનું ધ્યાન રાખવામાં આવે છે. એ પછી પાત્રોને અનુરૂપ કલાકારોની પસંદગી કરવામાં આવે છે.
ફિલ્મનું શૂટિંગ વાર્તાને અનુરૂપ સેટ સ્ટુડિયોમાં તૈયાર કરીને, જરૂર પડ્યે સાર્વજનિક સ્થળ પર, પ્રાકૃતિક વાતાવરણમાં કે જરૂર મુજબના ચોક્કસ સ્થળે કરવામાં આવે છે. સ્ટુડિયોમાં સેટ ઊભા કરવાનું કામ સેટડિઝાઇનર કરે છે; પણ સમગ્ર ફિલ્મ દરમિયાન આ જવાબદારી કલાનિર્દેશક સંભાળે છે. કોઈ વાર બહારના સ્થળનો પૂરા માપનો અથવા મિશ્ર માપનો સેટ ઊભો કરવામાં આવે છે; જેમ કે, ‘ચાણક્ય’ શ્રેણીમાં પાટલિપુત્ર નગરનો પૂરા કદનો સેટ પ્લાસ્ટર ઑવ્ પૅરિસ તથા ઘાસના મિશ્રણથી ઊભો કરવામાં આવ્યો હતો. વિજય ભટ્ટના ‘નરસી ભગત’માં કનુ દેસાઈની કલ્પના અનુસાર ગોપનાથ મંદિર ઘડવામાં આવ્યું હતું. વાર્તાને અનુરૂપ અમુક ચોક્કસ દૃશ્યોમાં કેવા સેટની જરૂર પડશે એનો તે ખ્યાલ રાખે છે. વાર્તાને અનુરૂપ પાત્રોનાં વસ્ત્રો તૈયાર કરવાની જવાબદારી વેશભૂષાનિર્દેશક (costume-designer) સંભાળે છે.
ફિલ્મના શૂટિંગમાં છબીકાર પણ મહત્ત્વનો કસબી છે. અમુક દૃશ્યને દિગ્દર્શક કઈ રીતે રજૂ કરવા માગે છે તે છબીકારને સમજાવે છે. નીવડેલો છબીકાર તેમાં પોતાની સૂઝનો ઉપયોગ કરીને એ દૃશ્યનું શૂટિંગ કરે છે. શૂટિંગ વખતે અદાકારો જે સંવાદો બોલે છે તેને ધ્વનિમુદ્રિત કરી લેવામાં આવે છે. છૂટાં છૂટાં દૃશ્યોનું ચિત્રાંકન અનુકૂળતા મુજબ કરવામાં આવે છે. તેમાં કથાનકનો સમયક્રમ જળવાતો નથી. દિગ્દર્શકની કલ્પના મુજબ તમામ દૃશ્યોનું શૂટિંગ પૂરું થયા બાદ ફિલ્મની પટ્ટીને લૅબોરેટરીમાં મોકલવામાં આવે છે. ત્યાં રાસાયણિક પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રથમ પ્રિન્ટનાં છૂટાં દૃશ્યોના ટુકડાઓ તૈયાર થાય છે. આ ટુકડાઓનું સંકલન કરીને સળંગ કથાનક તૈયાર કરવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ વાર્તામાં આવતાં દૃશ્યો મુજબ ક્રમસર ન કરાયું હોવાથી સંકલનકાર તેને ક્રમ મુજબ અને દૃશ્યો વધુ ને વધુ અસરકારક બને તે રીતે એકબીજાંની સાથે સાંકળે છે. ફિલ્મ સાથે ધ્વનિનું સંયોજન કરવામાં આવે છે. દૃશ્યોને અનુરૂપ પાર્શ્વસંગીત ઉમેરવામાં આવે છે. દૃશ્ય અને ધ્વનિ જુદી પટ્ટીઓ ઉપર અંકિત કરી તેમનું પણ સંકલન કરવામાં આવે છે. રાજ કપૂર તેમનાં ચિત્રોનું સંકલન ઘણુંખરું જાતે કરતા.
શૂટિંગ વખતે કલાકારો દ્વારા બોલાયેલા સંવાદો બરાબર ઉઠાવ ન પામ્યા હોય તો જે તે કલાકાર પાસે તે ફરી બોલાવડાવીને ફિલ્મ સાથે તેનું સંયોજન કરવામાં આવે છે. આ ક્રિયાને ‘ડબિંગ’ કહે છે. અમુક કિસ્સામાં કલાકારને ફિલ્મમાં પ્રયુક્ત ભાષા બરાબર બોલતાં ન આવડતી હોય તો એ ભાષાના સંવાદો મળતા ધ્વનિવાળા કલાકાર પાસે બોલાવડાવીને ફિલ્મ સાથે તેમનું સંયોજન કરવામાં આવે છે.
કોઈ વાર બધું શૂટિંગ પૂરું થયા બાદ દિગ્દર્શકને અમુક દૃશ્ય સંતોષકારક ન લાગે અથવા તો એ દૃશ્યને સ્થાને નવેસરથી કોઈ બીજું દૃશ્ય ગોઠવવા વિચારે ત્યારે ફરી શૂટિંગ કરવામાં આવે છે. આવા છેલ્લી ઘડીના શૂટિંગને થાગડથીંગડ (patch work) પણ કહે છે. કલાકારની માંદગી કે અવસાન જેવા પ્રસંગે પણ આવું કરવું પડે છે. દૃશ્યપરિવર્તન અથવા ભળતા કલાકારના ઉપયોગ જેવી પ્રયુક્તિ પણ કરાય છે.
આમ, બધી ટૅકનિકલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર થતાં જાહેરમાં પ્રદર્શિત કરવા માટેનું પ્રમાણપત્ર મેળવવા સેન્સર-બૉર્ડમાં મોકલવામાં આવે છે. ત્યાંથી પ્રમાણપત્ર મળ્યા બાદ તેને છબીઘરમાં પ્રદર્શિત કરવાની તૈયારીઓ કરવામાં આવે છે. એ જવાબદારી ફિલ્મના વિતરકોની હોય છે. ફિલ્મ માટે પહેલેથી જ તેમણે દેશભરમાં છબીઘરો રોકી રાખ્યાં હોય છે.
હવે આ એનેલોગ પદ્ધતિની નિર્માણ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. અને ડિજિટલ ટેક્નોલોજીથી શુટીંગ થાય છે. આ ટેક્નોલોજી અત્યંત યાંત્રિક છે. જે કેમેરા, સંકલન, ધ્વનિમુદ્રણ, ધ્વનિ સંકલન અને પ્રોજેકશનના સંદર્ભમાં જ જોવાની છે. બીજી બધી સર્જન પ્રક્રિયામાં કોઈ બદલાવ નથી આવ્યો.
ડિજિટલ ફોટોગ્રાફી અને ફિલ્મસર્જનપ્રક્રિયા : ફોટોગ્રાફીના ક્ષેત્રે આજે બધું બદલાઈ ગયું છે. પહેલાં જે ફોટોગ્રાફી થતી હતી તેમાં કૅમેરામાં રોલ લોડ કરવો પડતો હતો. પછી એક્સપોઝ થયેલો રોલ લૅબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયાથી ડેવલપ કરવો પડતો હતો. તે રોલ ડેવલપ થયા બાદ નૅગેટિવ તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ નૅગેટિવ પરથી પૉઝિટિવ તૈયાર કરવામાં આવતો હતો. આ બધી પ્રક્રિયા ખાસ્સી ખર્ચાળ, લાંબી અને સમય માંગતી હતી. આ પ્રક્રિયાને ઍનેલૉગ કહેવામાં આવતી હતી. હવે આજે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રક્રિયા જૂની થઈ ગઈ છે અને ઍનેલૉગ રોલનું ઉત્પાદન પણ બંધ થઈ ગયું છે. પરિણામે કોડાક જેવી કંપનીઓએ દેવાળું ફૂક્યું અને બંધ થઈ ગઈ.
આ જૂની ઍનેલૉગ પદ્ધતિને બદલે હવે ડિજિટલ ટૅકનૉલૉજી આવી છે. હવે કૅમેરામાં રોલ ભરવો નથી પડતો. કૅમેરાની મેમરી ચીપ્સ એક્સપોઝ થયેલી બધી સામગ્રીને સાચવે છે. તેને ત્વરિત જોઈ શકાય છે. અને અનાવશ્યક કે ધાર્યાં અને અપેક્ષિત પરિણામની ન હોય તો તેને તુરત જ રદ – ભૂંસી (ડિલિટ કરી) શકાય છે. એટલે ખર્ચમાં ઘણો ફેર પડે છે. આજે સમગ્ર ટૅકનૉલૉજી ડિજિટલ થઈ ગઈ છે. ધ્વનિ(સાઉન્ડ–Sound) મુદ્રણ પણ ઍનેલૉગમાંથી ડિજિટલ થઈ ગયું છે. એટલે જૂની ટૅકનૉલૉજીના જવા સાથે બધાં જૂનાં યંત્રો, કૅમેરા, ટેપ રેકૉર્ડર, પ્રોજેક્ટરો વગેરે અનેક યંત્રસામગ્રી જૂની અને નકામી થઈ ગઈ અને એની સામે એ જ બધાં યંત્રો નવી ટૅકનૉલૉજીમાં ડિજિટલ થઈ ગયાં છે. નવી ટૅકનૉલૉજીમાં એકમાત્ર લેન્સ એક જ એવું ઉપકરણ છે જે નથી બદલાયું. અલબત્ત એની અંદરની રચનામાં જરૂર કેટલોક બદલાવ આવ્યો છે. આ ખાસ કરીને લેન્સમાં રહેલી ડાયાફામ (એપરચર–Aperture)માં જે બ્લેડની સંખ્યા હતી તેમાં વધારો થયો છે, તેટલું જ. કૅમેરામાં પણ પહેલાં જે સિંગલ લેન્સ રિફ્લેક્સ (DSLR) આવતો હતો તે પછીથી ડિજિટલ સિંગલ લેન્સ રિફ્લેક્સ (SLR) તરીકે ઓળખાતો હતો. આ કૅમેરામાં એક અરીસો આવતો જેના દ્વારા સામેનું દૃશ્ય વ્યૂફાઇન્ડરમાં જોવા મળતું હતું. તે સમય જતાં કૅમેરામાંનો અરીસો (મિરર) નીકળી ગયો. તેથી કૅમેરા અરીસા વગરનો – મિરરલેસ થવાથી ‘રિફ્લેક્સ’ શબ્દ નીકળી ગયો. હવે બધા કૅમેરા રિફ્લેક્સ નહીં તેવા – DSL – આવે છે જેથી કૅમેરાનું વજન પણ ઘટ્યું છે.
આજે નૅનો ટૅકનૉલૉજીનો જમાનો છે. બધું બહુ નાનું (કૉમ્પૅક્ટ–Compact) બનવા અને મળવા લાગ્યું છે. હવે તો નાના એવા મોબાઇલ ફોન(Smart Phone)માં પણ કૅમેરા આવવા લાગ્યો છે. તેમાં સ્થિર (Still) તથા હાલતું ચાલતું (Moving) ચિત્ર ઝડપી શકાય છે. વળી તેની કિંમત પણ કૅમેરાની સરખામણીમાં ઘણી ઓછી હોય છે એટલે ઘણા લોકોને પરવડી શકે છે એટલે અનેક લોકો ફોટોગ્રાફી કરવા લાગ્યા છે. આ મોબાઇલ ફોન(Smart Phone)માં જે ફોટોગ્રાફી થાય છે તે બધા કૅમેરા (DSLR) દ્વારા કાર્યરત હોય છે. જોકે હવે કેટલાક લોકો મોબાઇલથી પણ ફિલ્મનું શૂટિંગ કરવા લાગ્યા છે અને અનેક ટૂંકી (Short) ફિલ્મો તેના દ્વારા સર્જાઈ છે.
ડિજિટલ ટૅકનૉલૉજીની શરૂઆત : ડિજિટલ ટૅકનૉલૉજીની શરૂઆત આમ તો ખાસ્સી જૂની છે એટલે કે તેની શોધ અને શરૂઆત 1950માં થઈ હતી, પણ તેનું નિર્માણ અને તેનો વ્યાપક ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષોથી થયાં હતાં. પહેલાં ધ્વનિ(Sound)ના ક્ષેત્રમાં અને પછી દૃશ્ય(Visual)ના ક્ષેત્રમાં તેની શરૂઆત થઈ.
હોલિવુડમાં જ્યારે ડિજિટલ ટૅકનૉલૉજીની શરૂઆત થઈ અને તે અંગેનાં ઉપકરણો વસાવવાની વાત નિર્માતાઓ પાસે આવી ત્યારે દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગે તેનો સૌથી વધુ વિરોધ કરેલો હતો અને ડિજિટલ ટૅકનૉલૉજીનો એક વખત ઉપયોગ થવો શરૂ થયો તે પછી હોલિવુડમાં સૌથી વધુ આ ટૅકનિકનો ઉપયોગ પણ સ્ટીવન સ્પીલબર્ગ દ્વારા થયો છે.
ડિજિટલ ટૅકનૉલૉજીની શોધ 1950માં થઈ. પહેલાં તેનો પ્રયોગ ધ્વનિને મુદ્રિત (Record) કરવા માટે થયો હતો. 1951માં સૌપ્રથમ વખત તેનો પ્રયોગ થયો જેમાં એક મૅગ્નેટિક ટેપ પર મુદ્રણ (Recording) કરવામાં આવ્યું છે. અને એની સફળતાથી સૌપ્રથમ ધ્વનિ(sound)ને જ આ ટૅકનૉલૉજી દ્વારા રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 1957માં પહેલો ફોટો કમ્પ્યૂટર દ્વારા રસેલ કિરર્સ(Russel Kirsch) દ્વારા સર્જવામાં આવ્યો હતો. આ ફોટો રસેલના પુત્રનો જ હતો. જે ટૅકનિકથી તે ઇમેજ — ફોટો સર્જવામાં આવેલો, તેનો કઈ રીતે કૅમેરામાં વિનિયોગ કરવો તેના વિશે સંશોધન થવા લાગ્યું.
ડિજિટલ એટલે શું? : સામાન્ય રીતે ડિજિટનો અર્થ ‘સંખ્યા’ થાય છે. આ સંખ્યા એટલે એકથી નવ (1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9) અને શૂન્ય (0). આ સંખ્યા અંગ્રેજીમાં ડિજિટ તરીકે ઓળખાય છે. કૅમેરા જ્યારે કોઈ દૃશ્યને ઝડપે છે ત્યારે તેમાં રહેલું સેન્સર (કૅમેરાના એક યાંત્રિક ભાગનું નામ) ઝડપાયેલા દૃશ્યને સંખ્યા(ડિજિટ)માં રૂપાંતરિત કરે છે. જેને સાચવવાનું કાર્ય મેમરી કાર્ડ(મેમરી ચીપ્સ) કરે છે. ધ્વનિનું પણ આ જ રીતે સંખ્યા(ડિજિટ)માં રૂપાંતર થાય છે. આ રૂપાંતરિત દૃશ્ય સંખ્યાંક (ડિજિટલ) રૂપમાં સચવાય છે અને ફરી તેને જોવા કે સાંભળવા ઇચ્છીએ ત્યારે મેમરી કાર્ડ કે ચીપ્સમાં રહેલાં દૃશ્ય કે ધ્વનિ સંખ્યા(ડિજિટ)માંથી ફરી દૃશ્ય કે ધ્વનિમાં રૂપાંતરિત થતાં આપણે તેને જોઈ કે સાંભળી શકીએ છીએ. આમ આ સમગ્ર પ્રક્રિયા યાંત્રિક છે. મોબાઇલમાં કે કૅમેરામાં કે કમ્પ્યૂટરમાં આ જ રીતે પ્રક્રિયા થતી હોય છે. બજારમાં મળતી શ્રાવ્ય (ઓડિયો–Audio) કે દૃશ્ય–શ્રાવ્ય (વીડિયો–Video) સીડી (કૉમ્પૅક્ટ ડિસ્ક) એ પેન ડ્રાઇવ આ જ રીતે કાર્ય કરે છે. તેમાં રહેલો ડેટા પણ સંખ્યાંક(ડિજિટલ) રીતે સચવાયેલો હોય છે.
મોબાઇલ અને કૅમેરા દ્વારા ઝડપાયેલા ફોટાઓને ઝડપી લીધા બાદ કંપોઝ કરી શકાય છે તથા તેમાં કલર કરેકશન પણ થઈ શકે છે. એ રીતે ફોટાને એમાં જ સંકલિત (એડિટ–Edit) કરી શકાય છે. એટલે ફોટાનું ઇચ્છિત પરિણામ મેળવી શકાય છે. આ વ્યવસ્થા જૂના ઍનેલૉગમાં શક્ય નહોતી. તે ઉપરાંત કમ્પ્યૂટર ઉપર ફોટોશૉપમાં તેને અનેક રીતે જોઈ શકાય છે. ઍનેલૉગમાં જે પ્રક્રિયાઓ લૅબોરેટરીમાં કરવી પડતી હતી તે બધી કમ્પ્યૂટરમાં થઈ શકે છે.
અહીં એક ઉદાહરણ નોંધવું પડશે. ફોટોગ્રાફીમાં બ્રીક સોલોરાઇઝેશન નામની એક પ્રોસેસ કરવામાં આવતી હતી. ડાર્કરૂમમાં આ પ્રોસેસથી એક પ્રિન્ટ તૈયાર કરતાં ચારથી પાંચ કલાક થતા હતા. આ જ પ્રોસેસ આ જ કમ્પ્યૂટરમાં ફક્ત એક સેકન્ડમાં કમાન્ડ આપવાથી થતી હોય છે. આમ ડિજિટલ પ્રોસેસમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. અલબત્ત ડિજિટલ કાર્ય કરવા માટેનાં ઉપકરણો આજે અત્યંત મોંઘાં આવે છે, જે બધાને પરવડી ન પણ શકે.
આજે પ્રૉફેશનલ કૅમેરા અત્યંત મોંઘા આવે છે. ડિજિટલ સિંગલ લેન્સ રિફ્લેક્સ (DSLR) કે મિરરલેસ (SLR) કેમેરા અનેક કંપનીઓ બનાવે છે. તેમાં આ ડિજિટલ પ્રક્રિયા કેમેરાનું બૉડી કરતું હોય છે. પણ જેને આંખ કહેવાય તેવા લેન્સ અનેક જાતના અને ફલક(rang)ના આવે છે અને તે પણ બધા અત્યંત મોંઘા આવે છે. કેટલા દૃશ્ય ફલક(Srang)ને ઝડપવું છે તેના આધારે લેન્સની પસંદગી કરવાની હોય છે. અહીં ફલકને બે અર્થમાં જોવાનું છે, તે એક – વાઇડ એટલે કે પહોળાઈમાં કેટલા ભાગને અને બીજું – ટેલિસ્કોપિક કે ટેલેફોટો લેન્સ એટલે કેટલા દૂરના દૃશ્યને ઝડપવું છે તેના આધારે લેન્સની પસંદગી કરવાની રહે છે.
કૅમેરામાં જે પહેલાં સિંગલ લેન્સ રિફ્લેક્સ (SLR) આવતા હતા તેમાં કેટલીક યાંત્રિક કરામત (મિકૅનિકલ ડિવાઇઝ) હતી, જે પછીથી ડિજિટલ સિંગલ લેન્સ રિફ્લેક્સ(DSLR)માં પણ હતી. અને તેમાં દૃશ્ય વ્યૂફાઇન્ડરમાં ઑપ્ટિકલ દેખાતું હતું. જે નવી ટૅકનૉલૉજીમાં અરીસો (Mirror) નીકળી જતાં બધા જ પ્રકારની યાંત્રિક કરામત (મેકૅનિકલ ડિવાઇઝ) નીકળી ગઈ. પરિણામે કૅમેરા સદંતર ઇલેક્ટ્રૉનિક અને ચીપ્સ આધારિત થઈ ગયો એટલે તેનું વજન પણ અત્યંત ઘટી ગયું અને સાઇઝમાં પણ નાનો થઈ ગયો. જૂના ઍનેલૉગ મૂવી કૅમેરામાં શૂટિંગ માટેનાં રીલ ચડાવવા (લોડ) કરવાની જે ગેજેટ આવતી એ નીકળી ગયું. આમ કૅમેરા અત્યંત હલકા અને નાના થઈ ગયા. હવે બધા જ કૅમેરામાં મેમરીકાર્ડ લોડ થાય છે. નવા કૅમેરામાં પાછળની સાઇડ સ્ક્રીન આવે છે જેમાં ઝડપાતું દૃશ્ય જોઈ શકાય છે તેમ ઝડપેલું દૃશ્ય પણ અવારનવાર જોઈ શકાય છે.
પહેલાં ઍનેલૉગ સિસ્ટમમાં સ્થિર છબી (Still) અને હાલતીચાલતી (Movie) માટે અલગ અલગ કૅમેરા આવતા હતા. હવે ડિજિટલમાં બધા જ કૅમેરામાં સ્થિર (Still) કે હાલતીચાલતી (Movie) ફોટોગ્રાફી થઈ શકે છે. મોબાઇલમાં પણ એવી સગવડ હોય છે. એટલે કોઈ પણ કૅમેરા દ્વારા ફિલ્મનું સર્જન થઈ શકે છે. સર્જકને કેવું પરિણામ જોઈએ છે તેના આધારે કૅમેરા પસંદ કરવાનો હોય છે. આ કૅમેરા કેટલા પિક્સલ(Pixel)નો છે તેના પર ફોટાના પરિણામ(Quality)નો આધાર હોય છે. એટલે કૅમેરાની અને લેન્સની પસંદગી બહુ મહત્ત્વની હોય છે. કૅમેરામાં પિક્સલને કંટ્રોલ કરતું સેન્સર બહુ મહત્ત્વનો ભાગ(Part) હોય છે.
અત્યારે ડિજિટલ ટૅકનૉલૉજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે દરરોજ કંઈક ને કંઈક નવું નીકળી રહ્યું છે. અને બહુ ઝડપથી નીકળેલું જૂનું અને આઉટડેટેડ થઈ જાય છે. એટલે લીધેલી વસ્તુઓને જે ભાવે ખરીદી હોય છે તે બહુ ટૂંકા સમયમાં જ અત્યંત સસ્તી થઈ જાય છે અને નવી અત્યંત મોંઘી પડે છે. કેનન 6D માર્ક2 કૅમેરાથી ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં તે કૅમેરામાં એટલી બધી નવી ડિવાઇસ આવી કે આજે K4 જેવા કૅમેરા આવી ગયા હોવા છતાં જૂના લાગવા લાગ્યા છે.
સ્થિર (Still) ફોટોગ્રાફી કરતા હોય છે તે બધા મોટે ભાગે ડિજિટલ સિંગલ લેન્સ (DSL) વાપરતા હોય છે. આ પ્રકારના કૅમેરા અનેક બ્રાન્ડ બનાવે છે. જેમાં કેનન, સોની, ઓલમ્પસ જેવી બ્રાન્ડ ખાસ્સી વેચાય છે. આ બ્રાન્ડમાં કયા મૉડલમાં કઈ પ્રકારની ફૅસિલિટી ઉપલબ્ધ છે તેના ઉપર ફોટોગ્રાફરો પસંદગી કરતા હોય છે. પણ જેમને ફક્ત મૂવીનું શૂટિંગ કરવું હોય છે તેઓ થોડો પ્રૉફેશનલ કૅમેરા વધુ પસંદ કરે છે.
પહેલાં રોલમાં સામેના દૃશ્યને ગ્રહણ કરવાની ઝડપ – શક્તિ વિશે માહિતી આપવામાં આવતી હતી. એ મુજબ કેવું દૃશ્ય, કેટલા પ્રકાશમાં ઝડપવું છે તેના પર રોલને પસંદ કરવામાં આવતો હતો. આ ગ્રહણક્ષમતા (Speed) એ.એસ.એ. (અમેરિકન સ્ટાન્ડર્ડ ઍસોસિયેશન – ASA) તરીકે ઓળખાતી હતી. જર્મન સ્ટાન્ડર્ડમાં તે Din તરીકે ઓળખાતી. આ પછી તે ISO (ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઑફ ઑપ્ટિકસ) તરીકે ઓળખાય છે. આ જ સ્ટાન્ડર્ડને નવી ટૅકનૉલૉજીમાં ડિવાઇસના રૂપમાં ગોઠવવામાં આવી છે. કૅમેરાની બૉડીમાં હોય છે. અને એપરચર કે ડાયાફાય લેન્સમાં હોય છે. રોલની સ્પીડ (ISO) અલગ અલગ હોય છે તેમ નવી ટૅકનિકમાં પણ એ જ રીતે જોવામાં આવે છે. જે 100, 200, 400, 800 અને 1000ની સ્પીડ(ISO)માં હોય છે. ISOની પસંદગી શું અને કેવું ઝડપવું છે તેના પર નક્કી કરવાનું હોય છે. અને ફોટોગ્રાફરે પ્રકાશ(લાઇટ)ની ઉપલબ્ધતાને આધારે નક્કી કરવાનું હોય છે. ક્યારેક વિષયને ધ્યાનમાં રાખીને પણ નક્કી કરવાનું હોય છે. ફિલ્મમાં સમગ્ર રોલ એક જ સ્પીડ(ISO)નો આવતો હતો. પણ ડિજિટલ કૅમેરામાં પ્રત્યેક ફ્રેમને માટે ISOની પસંદગી કરવી હોય તો કરી શકાય છે.
તે જ રીતે જ્યારે સિક્વન્સને માટે પણ જરૂરિયાત મુજબનું ISO પસંદ કરવાનું હોય છે. ISOની પસંદગી પ્રકાશની ઉપલબ્ધતા અને વિષય પર નક્કી કરવાની હોય છે. જે સામાન્ય રીતે ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર નક્કી કરતો હોય છે. ફિલ્મમાં દિગ્દર્શક કયા પ્રકારનું દૃશ્ય ઝડપવું છે તે સમજાવી દે પછી સિનેમેટોગ્રાફર તેનું પ્રકાશઆયોજન કરે છે અને એ પ્રકાશઆયોજન અને વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને ISO પસંદ કરે છે. તે ઉપરાંત ફિલ્મના શૂટિંગમાં શટર સ્પીડનું મહત્ત્વ નથી હોતું. ફિલ્મના શૂટિંગમાં કૅમેરાની સાથે જોડાયેલા લેન્સની ડાયાફામને જ કન્ટ્રોલ કરવાની હોય છે. અને આ ડાયાફ્રામ પ્રકાશ અને વિષયવસ્તુમાં શું કેન્દ્રિત કરવાનું છે તેના આધારે સિનેમેટોગ્રાફર હૅન્ડલ કરતો હોય છે.
ધ્વનિ (Sound) અને દૃશ્ય (Video) કૅમેરામાં એકસાથે મુદ્રિત થતાં હોય છે. આ બંનેની ટ્રૅક અલગ અલગ હોય છે એટલે તેને સંકલિત (Editing) કરી શકાય છે. રંગોની સપ્રમાણતા (કલર કરેક્શન – Colour correction), દૃશ્યને સુનિયોજિત (કમ્પોઝિશન–Composition) કરવું કે નિવાર્ય (Unnecessary) દૃશ્યને કાઢી નાખવાની અનુકૂળતા કૅમેરામાં જ હોય છે. તે ઉપરાંત કમ્પ્યૂટર પર આ બધું કરી શકાય છે. કમ્પ્યૂટરમાં ફોટોશૉપ નામનો એક પ્રોગ્રામ હોય છે. તેમાં આ બધી અને બીજી અનેક પ્રકારની સગવડો હોય છે, તેમાં આ પ્રકારનું સંકલન (Editing) કરી શકાય છે, પણ ફિલ્મની લંબાઈ વધુ હોય છે અને તેમાં સાતત્ય જાળવવું અત્યંત મહત્ત્વનું હોય છે, તેથી તેના સંકલન માટે ખાસ વિશિષ્ટ પ્રોગ્રામો તૈયાર કરવામાં આવ્યા હોય છે. તેમાં આ જાતનું સંકલન થતું હોય છે. ફિલ્મના જે વિશિષ્ટ પ્રોગ્રામો હોય છે જે અત્યંત મોંઘા હોય છે.
કૅમેરાની અંદરનું પ્રોસેસિંગ યુનિટ : આજ બધી જ જાતના કૅમેરા – ડિજિટલ લેન્સ કેમેરા (DLSR DSC), મોબાઇલ કે પ્રૉફેશનલ એમ કોઈ પણથી ફિલ્મો સર્જાય છે. એ સર્જક ઉપર અવલંબે છે કે તેને કેવું પરિણામ જોઈએ છે અને ફિલ્મ કેવી રીતે દર્શાવવા માગે છે. તેના પર કૅમેરાની પસંદગી કરવાની છે. તે ઉપરાંત સર્જક કેટલા અંદાજિત બજેટમાં કામ કરવા માગે છે તેના પર પણ અવલંબે છે. સામાન્ય રીતે જેઓ સ્થિર (સ્ટિલ– Still) વર્ક કરે છે તેને ફોટોગ્રાફી કહેવાય છે અને જેઓ હાલતી-ચાલતી-બોલતી (મૂવી કે ફિલ્મ – Movie or Film) સર્જે છે તેના માટે સિનેમેટોગ્રાફી શબ્દ પ્રયોજાય છે.
પણ જે લોકો ખાસ વ્યવસાયી (Professional) દૃષ્ટિકોણથી ફિલ્મસર્જન કરે છે તે ખાસ પ્રૉફેશનલ કૅમેરાનો ઉપયોગ કરે છે. આ પ્રકારના કૅમેરા ઘણી કંપનીઓ બનાવે છે. જેમાં પ્રમુખ કહી શકાય તેવી એરી (Arri), રેડ (Red), જે.વી.સી. (JVC), સોની (Sony) વગેરે કંપનીઓના કૅમેરાનો ઉપયોગ નિર્માણ માટે કરે છે. આ કૅમેરાની કિંમત આશરે દોઢ લાખથી ચાર લાખ સુધીની હોય છે. તેના લેન્સ અને બીજાં ઉપકરણોની કિંમત અલગથી ગણવાની રહે છે.
ડાયાફ્રામ (એપરચર) એ લેન્સમાં આવેલી ડિવાઇસ છે. તેને કૅમેરાની બૉડી સાથે કોઈ સંબંધ નથી. લેન્સ પર તેને પસંદ કરવા માટેના નંબર લખ્યા હોય છે, જે F2.8, F4, F5.6 એવી રીતે બતાવવામાં આવ્યા હોય છે.
એ જ રીતે પહેલાં ધ્વનિ જે ઍનેલૉગ પર મુદ્રિત થતો હોય તે હવે ડિજિટલી રેકૉર્ડ થાય છે. એટલે કે ટેપ- રેકૉર્ડરનો ઉપયોગ થતો હતો તેને બદલે હવે કમ્પ્યૂટર પર રેકૉર્ડ થાય છે. પહેલાં જેને નાગર તરીકે ઓળખવામાં આવતું હતું તેનું સ્થાન હવે કમ્પ્યૂટરે લીધું છે. લિપ્સિંગ માટે મોબાઇલનો ઉપયોગ પણ ઘણા લોકો કરે છે.
કૅમેરામાં સામેના દૃશ્યને ઝડપતું એક મહત્ત્વનું પ્રયુક્તિ(ડિવાઇસ Devise)શટર(Shutter) છે. આ શટર એટલે કૅમેરામાં રહેલું એક બટન, જે દબાવવાથી સામેના દૃશ્યનો ફોટો ઝડપાઈ જાય છે. આ શટરમાં એક પ્રકારની ઝડપ (સ્પીડ Speed) નક્કી કરેલી હોય છે. તે સેટ કરીને શટર દબાવવાનું હોય છે. આ સ્પીડ સામેના દૃશ્યમાં કેટલું અજવાળું છે અને કયો વિષય છે તેને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. આ પ્રકારની સ્પીડની ડિવાઇસ જૂના ઍનેલૉગ (SLR) કૅમેરામાં પણ હતી અને નવા ડિજિટલ કૅમેરા(DSLR)માં પણ આવે છે. શટર હંમેશાં એક ફ્રેમ માટે હોય છે. જેમણે મૂવી ઝડપથી(શૂટ) કરવી છે તેમના માટે મૂવીનું અલગ બટન આપવામાં આવ્યું હોય છે. તેના દ્વારા મૂવીનું શૂટિંગ થાય છે.
જૂના ઍનેલૉગ કૅમેરામાં એક ફરે એવું નૉબ આવતું. જેને સેટ કરીને સ્પીડ ગોઠવવામાં આવતી. આ નૉબ પર આંકડાઓ લખેલા રહેતા. જેમાં બી(B)થી લઈને એક સેકન્ડ અને તેના અલગ અલગ ભાગોમાં પહેલા એક હજાર સુધી અને હવે આઠ હજાર સુધીના આંકડાઓ વંચાય છે. આ આંકડો શટર સેકન્ડના કેટલા ભાગ (સમય) સુધી ખુલ્લું રહેશે તેવી માહિતી આપે છે.
નવા ડિજિટલ કૅમેરામાં પણ આ જ સ્પીડ ગોઠવવામાં આવે છે. પણ તેમાં નૉબ નથી હોતું. સ્ક્રીન પર આંકડાઓ જોવા મળે છે.
થોડું સંકલન (એડિટિંગ) વિશે : ઍનેલૉગમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ રોલ(પટ્ટી)ને સંકલિત (એડિટ) કરવામાં આવે છે અને તે એડિટિંગ મશીન કે મૂવીઓલા પર કરવામાં આવે છે અને તે પણ લૅબોરેટરી પ્રોસેસ બાદ એડિટ કરવામાં આવે છે. પણ ડિજિટલમાં એડિટિંગ કૅમેરામાં પણ થઈ શકે છે. તેમાં ધ્વનિ(સાઉન્ડ) પણ ઉમેરી શકાય છે. અને રંગને પણ સુનિયોજિત (કલર કરેક્શન) કરી શકાય છે. પણ સામાન્ય રીતે પ્રૉફેશનલ ફિલ્મોને પછીથી કમ્પ્યૂટર પર સંકલિત (એડિટ) કરવામાં આવે છે. કલર કરેક્શન પણ એ જ રીતે કમ્પ્યૂટર પર કરવામાં આવે છે. આ અંગેના ખાસ – સ્પેશિયલ સૉફ્ટવૅર પ્રોગ્રામ આવે છે. અને તેના નિષ્ણાતોને જ તે અંગેનાં કામો સોંપવામાં આવે છે. પાર્શ્વ સંગીત તથા જરૂરી ઇફેક્ટ્સ અને દૃશ્યોનું મિશ્રણ (મિક્સિંગ) પણ તે અંગેના નિષ્ણાતો દ્વારા જ થાય છે. આમ આ બધાં કામોના અલગ અલગ નિષ્ણાતો હોય છે તેને જ આ અંગેનાં કામો સોંપવામાં આવે છે. જે બધા શૂટિંગ શીટ કે ક્લેપ બોર્ડ ચાર્ટને ધ્યાનમાં લઈને કાર્ય કરતા હોય છે. જેના પરિણામરૂપ આખરી પ્રોજેક્શન માટેની પ્રિન્ટ તૈયાર થાય છે. જે એક હાર્ડ ડિસ્કના રૂપમાં હોય છે.
ફિલ્મનિર્માણ પૂર્ણ થયા બાદ જે રીતે ઍનેલૉગમાં લૅબોરેટરીમાં કેટલુંક કામ કરવું પડતું હતું તેમ ડિજિટલ ટૅકનૉલૉજીમાં પણ કેટલુંક કામ કરવું પડે છે જે કમ્પ્યૂટર પર થાય છે. આ ખાસ કરીને રંગોને અંગેનું (કલર કલેક્શન) હોય છે. તે ઉપરાંત જો કોઈ ખાસ અસર (સ્પેશિયલ ઇફેક્ટ્સ) આપવાની હોય તો તે પણ કમ્પ્યૂટર દ્વારા થાય છે. આ બધું તૈયાર થઈ જતાં છેલ્લે ટાઇટલિંગ થાય છે અને તે બાદ તેને રજૂઆત માટેની કૉપી તૈયાર કરવામાં આવે છે. આ કોપી કોઈ ચીપ્સ દ્વારા કે હાર્ડ ડિસ્કના રૂપમાં હોય છે જેને કમ્પ્યૂટર સાથે જોડીને પ્રોજેક્ટ કરવામાં આવે છે.
ડિજિટલ પ્રોજેક્શન : જૂની ઍનેલૉગ પદ્ધતિમાં ફિલ્મને પડદા પર જોવા માટે પ્રોજેક્ટરની જરૂર પડતી હતી અને આ પ્રોજેક્ટર ખાસ્સા મોંઘા આવતા હતા. વળી તેને ઑપરેટ કરનાર વ્યક્તિને તે અંગેની ખાસ તાલીમ આપવી પડતી હતી. પ્રોજેક્ટરમાંના આર્કને સેટ કરવો પડતો હતો. આ આર્કનું સેટિંગ્સ યોગ્ય ન થતાં ફિલ્મની ફોટોગ્રાફી ગમે તેટલી સુંદર હોવા છતાં તેની ધારી અસર પ્રેક્ષકો ઉપર પડતી નથી. એ જ રીતે સાઉન્ડને પણ કન્ટ્રોલ કરવો રહે છે. અને ઘણા પ્રોજેક્શન ઑપરેટરો આ યોગ્ય રીતે કરતા નથી હોતા એવું પણ જોવામાં આવ્યું છે.
ડિજિટલ ટૅકનૉલૉજીમાં પ્રોજેક્ટરો અત્યંત નાના અને વજનમાં હલકા થઈ ગયા. વળી એ માટે ખાસ પ્રોજેક્શન રૂમની પણ આવશ્યકતા નથી હોતી. નવાં બનતાં મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં પ્રોજેક્શનરૂમ જ બનાવવામાં આવતા નથી, પણ એને બદલે સિલિંગની સાથે જ પ્રોજેક્ટરને ગોઠવી દેવામાં આવે છે. વળી ઍનેલૉગમાં સાતત્ય જાળવવા માટે જે પ્રોજેક્ટરની આવશ્યકતા રહેતી હતી તેને બદલે એક જ પ્રોજેક્ટરથી રજૂઆત થાય છે. જૂના પ્રોજેક્ટરમાં જે આર્ક રોડ પ્રકાશને માટે વપરાતા હતા તેને બદલે નવા ડિજિટલ પ્રોજેક્ટરમાં હાઈ વોલ્ટેજ બલ્બ આવી ગયા અને તે પણ હવે એવા આવે જે બિલકુલ ગરમ(હીટ) થતા નથી. એટલે એકસરખા પ્રકાશને કારણે પડદા પર દેખાતી દૃશ્યની ગુણવત્તા પણ સારી જળવાય છે.
ડિજિટલ ટૅકનૉલૉજીમાં પ્રોજેક્ટર એક કમ્પ્યૂટર સાથે જોડાયેલું હોય છે. અને આ કમ્પ્યૂટરની સાથે ફિલ્મની રેકૉર્ડેડ હાર્ડ ડિસ્કને લગાડવામાં આવે છે. જેના દ્વારા થિયેટરમાં પ્રોજેક્શન થઈ શકે છે. આ ઉપરાંત ઇન્ટરનેટ દ્વારા એકસાથે અનેક થિયેટરોમાં એક જ જગ્યાએથી પ્રસારિત કરીને અનેક જગ્યાએ ફિલ્મને દર્શાવી શકાય છે.
હરસુખ થાનકી
અભિજિત વ્યાસ
