ફિલિપ્સ-રેખા (Phillips Curve) : ભાવવધારાના દર અને બેકારીના દર વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતી રેખા. ઇંગ્લૅન્ડના એક અર્થશાસ્ત્રી એ. ડબલ્યૂ. ફિલિપ્સે ઇંગ્લૅન્ડના 1861થી 1957ના સમયગાળાના પ્રસ્તુત આંકડાઓનો ઉપયોગ કરીને આ રેખા તારવી હતી. તેમાં નાણાકીય વેતનના વૃદ્ધિદરના અને બેકારીના દરના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંકડાઓને આલેખમાં રજૂ કરતી વખતે બેકારીનો દર (ટકામાં) આડી ધરી પર દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે નાણાકીય વેતનના વૃદ્ધિદરને (ટકામાં) ઊભી ધરી પર દર્શાવવામાં આવ્યો હતો. તેના આધારે તૈયાર કરવામાં આવેલી રેખા સુરેખા ન હતી, પરંતુ નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્રાકાર હતી.
ઉપર્યુક્ત આલેખમાંથી એ સ્પષ્ટ થતું હતું કે અર્થતંત્રમાં જો બેકારીનું પ્રમાણ વધારે હોય તો નાણાકીય વેતનદરમાં ધીમી ગતિએ (નીચા દરે) વધારો થાય; એનાથી ઊલટું, જો અર્થતંત્રમાં બેકારીનું પ્રમાણ અલ્પ હોય તો નાણાકીય વેતનમાં ઊંચા દરે વધારો થાય.
ફિલિપ્સે રજૂ કરેલો સંબંધ આંકડાકીય વિગતોના અવલોકન પર આધારિત હતો. નાણાકીય વેતનના વૃદ્ધિદર અને બેકારીના પ્રમાણ વચ્ચેના વ્યસ્ત સંબંધ માટેનો કાર્યકારણનો સંબંધ લિપ્સીએ દર્શાવ્યો હતો. અર્થતંત્રમાં જો બેકારીનું પ્રમાણ ઓછું હોય તો તેમાં શ્રમની સાપેક્ષ અછત વ્યક્ત થાય છે. આ પરિસ્થિતિમાં કામદારોને આકર્ષવા માટે ઉત્પાદકોને વધુ ઊંચા વેતનદરો ચૂકવવા પડે છે. તેથી નાણાકીય વેતનવૃદ્ધિનો દર વધી જાય છે. આનાથી ઊલટું, બેકારીનું પ્રમાણ વધારે હોય ત્યારે મજૂરો મેળવવા માટે વધુ પ્રમાણમાં વેતન ચૂકવવું પડતું નથી.
મૂળ ફિલિપ્સ-રેખાનું ભાવવધારાના (ફુગાવાના) દર અને બેકારીના દર વચ્ચે સંબંધ દર્શાવતી રેખામાં રૂપાંતર કરવામાં આવ્યું છે. નાણાકીય વેતનદરમાં ઊંચા દરે વધારો થાય તેને પરિણામે ભાવોમાં પણ ઊંચા દરે વધારો થાય. આમ ભાવવધારાના દર અને બેકારીના દર વચ્ચે વ્યસ્ત સંબંધ સહજ રીતે સ્થાપી શકાયો.
ફિલિપ્સ-રેખામાંથી આર્થિક નીતિ માટે એક મહત્વનું તારણ કાઢવામાં આવ્યું : ફુગાવો અને બેકારી વચ્ચે સમાજે પસંદગી કરવાની છે. સમાજ જો બેકારીને નીચી સપાટી પર રાખવા ઇચ્છતો હોય તો તેણે ભાવોમાં ઊંચા દરે થતા વધારાને સહી લેવો પડે. વિકલ્પે, દેશમાં જો ભાવવધારાના દરને નીચી સપાટી પર રાખવો હોય તો બેકારીના ઊંચા પ્રમાણને સહી લેવું પડે.
ઇંગ્લૅન્ડના સંદર્ભમાં (1950–60ના દસકા માટે) ફિલિપ્સની ગણતરી એવી હતી કે ઇંગ્લૅન્ડમાં જો બેકારીનો દર અઢી ટકા હોય તો ભાવોને સ્થિર રાખી શકાય (ભાવવધારાનો દર શૂન્ય હોય). બેકારીના આ દરે નાણાકીય વેતનમાં વર્ષે બે ટકાનો વધારો થાય. મજૂરોની ઉત્પાદકતામાં પણ વર્ષે બે ટકાનો વધારો થતો હોઈ સરેરાશ ઉત્પાદનખર્ચ સ્થિર રહે અને તેથી ભાવોની સ્થિરતા જળવાઈ રહે.
મિલ્ટન ફ્રિડમૅન અને બીજા નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ ફિલિપ્સ-રેખા દ્વારા વ્યક્ત થતા ભાવવધારાના દર અને બેકારીના દર વચ્ચેના વ્યસ્ત સંબંધને પડકાર્યો. તેમનો મુદ્દો એ હતો કે લાંબા ગાળામાં શ્રમ માટેની માંગ અને શ્રમનો પુરવઠો નાણાકીય વેતનદર પર નહિ, પરંતુ વાસ્તવિક વેતનદર પર અવલંબે છે. (નાણાંમાં મળતા વેતનની ચાલુ ભાવોએ ખરીદશક્તિને વાસ્તવિક વેતન કહેવામાં આવે છે.) વેતન અંગેનો સોદો કરતી વખતે કામદારો ભવિષ્યમાં થનાર ભાવવધારાને (અપેક્ષિત ફુગાવાને) નજર સમક્ષ રાખે છે. આ પરિસ્થિતિમાં ભવિષ્યના અપેક્ષિત ફુગાવાની તુલનામાં નાણાકીય વેતનદર ઊંચા દરે વધે (જેથી વાસ્તવિક વેતન વધે) તો જ બેકારી ઘટી શકે. આમ ભાવવધારાના દરને ઊંચી સપાટી પર લઈ જવા માત્રથી બેકારીને ઘટાડી શકાય નહિ. ભાવવધારો અનપેક્ષિત હોય તો જ તે બેકારી ઘટાડવામાં સફળ નીવડે. લાંબો સમય ચાલુ રહેતો કોઈ પણ ભાવવધારો અપેક્ષિત બની જાય છે. ટૂંકા ગાળામાં ભાવવધારો અનપેક્ષિત હોઈ શકે, તેના દ્વારા બેકારીના પ્રમાણને ઘટાડી શકાય. જોકે નાણાવાદીઓમાં પણ આ મુદ્દા પરત્વે મતભેદ પ્રવર્તે છે. જે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ તર્કબદ્ધ અપેક્ષાઓની અભિધારણા(rational expectations hypothesis)નો ચુસ્ત રીતે સ્વીકાર કરે છે તેઓ ટૂંકા ગાળામાં પણ ભાવવધારો અનપેક્ષિત હોવાની શક્યતાનો સ્વીકાર કરતા નથી.
રમેશ ભા. શાહ