ફાઇનર, હરમાન (જ. 24 ફેબ્રુઆરી 1898; અ. 4 માર્ચ 1969) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી. તેમણે શાલેય અને ઉચ્ચશિક્ષણ લંડન ખાતે મેળવ્યું. તેઓ 1922માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી એમ.એસસી. થયા અને રોકફેરલ ફેલો તરીકે તેમણે 1924માં અમેરિકાનો તથા બીજી વાર 1932માં તે જ રૂએ અમેરિકાનો તથા ઇટાલી અને મધ્યયુરોપનો પ્રવાસ કર્યો. અમેરિકાની સોશિયલ સાયન્સ રિસર્ચ કાઉન્સિલના આમંત્રણથી 1937–38ના ગાળામાં એડ્મિનિસ્ટ્રેશન ઑવ્ ટેનેસી વૅલી ઑથોરિટીના તેઓ રિસર્ચ ડિરેક્ટર બન્યા હતા. તેમણે સિવિલ સર્વિસ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના સભ્ય તરીકે પણ 1939માં બ્રિટિશ સરકારને સેવાઓ આપી હતી. તેઓ 1935, ’41 અને ’42 આ ત્રણ વર્ષો શિકાગો યુનિવર્સિટીના મુલાકાતી પ્રાધ્યાપક હતા. કૅનેડાના મૉન્ટ્રિયલ ખાતે સ્થિત થયેલ પોસ્ટ વૉર રિકન્સ્ટ્રક્શન ટૂ ઇન્ટરનૅશનલ લેબર ઑફિસના તેઓ 1942માં ખાસ સલાહકાર રહ્યા હતા.
લંડનની ફેબિયન સોસાયટીના તેઓ અગ્રણી સભ્ય હતા. તેઓ રાજ્યશાસ્ત્રની બહુસમુદાયવાદી વિભાવનાના હિમાયતી હતા. પશ્ચિમી જગતનાં વિવિધ બંધારણો અને સરકારોનો તેમણે કરેલો અભ્યાસ ઘણો ગહન હતો. રાજ્યના એકકેન્દ્રી સાર્વભૌમત્વના તેઓ વિરોધી હતા. માનવો, જૂથો અને સંગઠનો – એ ક્રમમાં સમાજ અસ્તિત્વમાં આવ્યો અને વિસ્તરતો રહ્યો છે તથા કોઈ પણ સમાજનું પ્રાથમિક ઘટક તેનાં સંગઠનો છે એવી તેમની ર્દઢ માન્યતા હતી. આવાં સંગઠનોના વિકાસમાંથી જ ‘રાજ્ય’ નામનું સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે એવી તેમની રજૂઆત હતી. રાજ્ય એ સંગઠનોનું પણ સંગઠન છે અને તેથી જેમ રાજ્ય પાસે સત્તા હોય છે તેમ સમાજનાં અન્ય સંગઠનો પાસે – સમાજના વિવિધ સમુદાયો પાસે અમુક અંશે સત્તા તો હોવી જ જોઈેએ એવી વિચારસરણીના તેઓ હિમાયતી હતા. રાજ્યનું સંગઠન અને તેનું સાર્વભૌમત્વ જ નહિ, પણ અન્ય સંગઠનોના અસ્તિત્વના અધિકારનું પણ તેમણે સમર્થન કર્યું. તેમના મત મુજબ રાજ્યનું કાર્ય સમાજનાં વિવિધ સંગઠનોનું અનુકૂલન (adjustment) કરવાનું છે. વિવિધ સંગઠનો વચ્ચે ઘર્ષણ નિવારી પ્રત્યેક સંગઠનને સમાજમાં કાર્ય કરવાની મોકળાશ રહે એ રીતે સંગઠનોના અસ્તિત્વનું સુચારુ સંકલન સંગઠનોનું પણ સંગઠન ગણાતા રાજ્યે કરવું જોઈએ – આ વિચારસરણીના તેઓ પુરસ્કર્તા હતા.
‘થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ ઑવ્ મૉડર્ન ગવર્નમેન્ટ્સ’ (1932) એમનો પ્રશસ્ય ગ્રંથ છે, જે સરકારનાં વિવિધ સ્વરૂપોના અભ્યાસ અને તુલના માટેનો આધારગ્રંથ ગણાવામાં આવે છે. ઉપરાંત, ‘ફૉરિન ગવર્નમેન્ટ્સ ઍટ વર્ક’ (1922), ‘રિપ્રેઝેન્ટેટિવ ગવર્નમેન્ટ ઍન્ડ પાર્લમેન્ટ ઑવ્ ઇન્ડસ્ટ્રી’ (1924), ‘બ્રિટિશ સિવિલ સર્વિસ’ (1927) અને ‘મેજર ગવર્નમેન્ટ્સ ઑવ્ મૉડર્ન યુરોપ’ (1961) તેમના અન્ય જાણીતા ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ