ફાઇટોલેકેસી

February, 1999

ફાઇટોલેકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ લગભગ 17 પ્રજાતિઓ અને 125 જેટલી જાતિઓ ધરાવે છે અને મોટેભાગે અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. 35 જેટલી જાતિઓ ધરાવતી Phytolacca આ કુળની સૌથી મોટી પ્રજાતિ છે. Phytolacca (P. americana; પૉક બૅરી), Rivina (R. humilis; પિજિયન બૅરી) અને Petiveria ત્રણ સ્થાનિક પ્રજાતિઓ છે. P. americana મેઇનથી મિન્નેસોટા અને દક્ષિણના પ્રદેશોમાં થાય છે. R. humilis ફ્લોરિડાથી ટેક્ષાસ સુધી થાય છે. Petiveria એકલપ્રરૂપી (monotypic) પ્રજાતિ છે; જેની ઉત્તરીય સીમા દક્ષિણ ફ્લોરિડા સુધી જોવા મળે છે. સેક્ષ્ટન અને સેજવિકે આ જાતિની ગુજરાતની સાબરમતી નદીના કિનારે નોંધ લીધી છે.

આ કુળની વનસ્પતિઓ શાકીય, ક્ષુપ કે વૃક્ષ અથવા કેટલીક વાર કઠલતા (lianous) સ્વરૂપે જોવા મળે છે. પર્ણો સાદાં, એકાંતરિક અને અખંડિત હોય છે. ઉપપર્ણો ખૂબ નાનાં અથવા ગેરહાજર હોય છે. પુષ્પવિન્યાસ અપરિમિત (recemose) કે પરિમિત (cymose) પ્રકારનો જોવા મળે છે. પુષ્પો નાનાં, નિયમિત (anisomeriaમાં અનિયમિત), દ્વિલિંગી (ભાગ્યે જ એકલિંગી, એકગૃહી), અધોજાયી (hypogynous) અને નિપત્રી હોય છે. પુષ્પો નિપત્રિકાઓ (bractioles) પણ ધરાવે છે. પરિદલપત્રો 4 કે 5, એકચક્રી, કોરછાદી (imbricate), દીર્ઘસ્થાયી યુક્ત પરિદલપત્રી (gamophyllous) અને વજ્રસર્દશ (sepaloid) હોય છે. દલપત્રોનો અભાવ હોય છે. ઉષ્ણકટીબંધીય અમેરિકન પ્રજાતિ Stegnospermaમાંનું બાહ્યચક્ર વંધ્ય અને પુંકેસરો દલાભ (petaloid) બને છે. પુંકેસરો ત્રણથી માંડી અસંખ્ય અને પરિદલપત્રસમ્મુખ કે એકાંતરિક હોય છે. તેઓ અધોજાયી બિંબ (disc) પરથી એક કે ઘણેભાગે બે ચક્રોમાં ઉદભવે છે. પુંકેસરતંતુઓ મુક્ત અથવા તલ ભાગેથી જોડાયેલા હોય છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર એકથી સોળ જેટલાં મુક્ત કે જોડાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. યુક્ત સ્ત્રીકેસરી બીજાશય સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં કોટરોનું બનેલું હોય છે અને અક્ષવર્તી જરાયુવિન્યાસ (axile placentation) ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક અંડક હોય છે. Rivinaમાં એકકોટરીય અને એકઅંડકીય બીજાશય હોય છે. મુક્ત સ્ત્રીકેસરો બીજાશયો એકસ્ત્રીકેસરી અને એકકોટરીય હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ (Agdestisમાં અધ:સ્થ) હોય છે. તેનાં અંડકો તલસ્થ (basal) અને વક્ર (campylotropous) કે અનુપ્રસ્થ (amphitropous) હોય છે. પરાગવાહિની ટૂંકી અથવા ગેરહાજર હોય છે. પરાગાસનો સ્ત્રીકેસરોની સંખ્યા જેટલાં કે બમણાં, અને તંતુમય (filiform) કે રેખીય (linear) હોય છે.

ફાઇટોલેકેસી : (અ) Rivina humalis; અ1. પુષ્પો અને ફળ સહિતની શાખા; અ2. પુષ્પ; અ3. સ્ત્રીકેસરચક્ર, લંબવર્તી છેદ; (આ) Phytolacca americana; આ1. પુષ્પ; આ2. સ્ત્રીકેસરચક્ર, લંબવર્તી છેદ.

સ્ત્રીકેસરચક્રની સ્થિતિ પર આધાર રાખીને અષ્ઠિલ (drupe), ભિદુર (schizocarpic), અર્ટીકલ અથવા ચર્મફળ (achene) – એમ ફળોના વિવિધ પ્રકારો જોવા મળે છે. બીજ બીજોપાંગવાળું (arillate) હોય છે; જેમાં ભ્રૂણની ફરતે વિપુલ પ્રમાણમાં ભ્રૂણપોષ આવેલો હોય છે.

આ કુળના સભ્યો અન્ય નજીકનો સંબંધ ધરાવતાં કુળો કરતાં નીચે મુજબનાં લક્ષણો દ્વારા જુદાં પડે છે :

(1) બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર; પ્રત્યેક કોટરમાં એક અંડક; (2) દલપત્રરહિત નાનો પરિદલપુંજ; અને (3) રંગીન રસ કે ગર ધરાવતું અનષ્ઠિલ ફળ.

આર્થિક ર્દષ્ટિએ આ કુળ ઓછું ઉપયોગી છે. Phytolaccaની બે જાતિઓ, Rivina humilis, Agdestis, Ercilla અને Petiveriaની જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Phytolacca americanaના તરુણ પ્રરોહ લીલી શાકભાજી તરીકે ઉપયોગી છે. P. acinosaના મૂળમાંથી મેળવેલું તેલ સાંધાના દુ:ખાવામાં વપરાય છે. એક માન્યતા પ્રમાણે, આ વનસ્પતિ ‘ગાંડાપણું’ પ્રેરે છે. તેની આ ઝેરી અસર તેને સંપૂર્ણપણે ઉકાળવાથી નાબૂદ કરી શકાય છે.

યોગેશ ડબગર