શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.) (જ. 24 ફેબ્રુઆરી 1967, મિસુલા, મૉન્ટાના, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઑલ પર્લમટર તથા આદમ રિઝ વચ્ચે વિભાજિત થયો હતો.

બ્રાયન પી. શ્મિટ

બ્રાયન શ્મિટનો ઉછેર મિસુલા, મૉન્ટાનામાં થયો. તેમના પિતા મત્સ્યઉદ્યોગમાં જીવવિજ્ઞાની હતા. કુટુંબે અલાસ્કા સ્થળાંતર કર્યું. 1989માં શ્મિટે યુનિવર્સિટી ઑવ્ ઍરિઝોનામાંથી ખગોળશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને 1993માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે પછીના વર્ષે તેઓ ઑસ્ટ્રેલિયા ગયા જ્યાં તેમણે ‘હાઈ–Z સુપરનોવા સર્ચ ટીમ’ના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ જૂથની મદદથી તેમણે જે સંશોધનો કર્યાં તે માટે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. હાલમાં તેઓ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત છે.

બ્રહ્માંડમાં રહેલા તારાઓ અને આકાશગંગાઓ એકબીજાથી દૂર ને દૂર ગતિ કરે છે, તેથી બ્રહ્માંડ વિસ્તરતું જાય છે. અત્યાર સુધી મોટા ભાગના ખગોળશાસ્ત્રીઓ માનતા હતા કે બ્રહ્માંડની વિસ્તૃત થવાની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણ બળને કારણે ક્રમશઃ અંત પામશે. બ્રાયન શ્મિટ અને તેમના સંશોધક-જૂથે વિસ્ફોટ પામતા સુપરનોવા તારાઓનો અભ્યાસ કર્યો. તેમાંથી ઉત્પન્ન થતા પ્રકાશના રંગ પરથી તેઓએ તારાની ગતિનું અનુમાન કર્યું અને એવા તારણ પર આવ્યા કે તે દૂર ને દૂર ગતિ કરે છે. 1998માં તેઓએ નિશ્ચિત રૂપે દર્શાવ્યું કે બ્રહ્માંડ પ્રવેગાત્મક રીતે (વધતી જતી ગતિથી) વિસ્તાર પામે છે.

બ્રાયન શ્મિટને ગ્રુબર કૉસ્મૉલૉજી ઇનામ તથા શૉ ઇનામ પ્રાપ્ત થયાં છે. 2012માં તેઓ ‘ફેલો ઑવ્ રૉયલ સોસાયટી’ (FRS) તરીકે ચૂંટાયા તથા તે જ વર્ષમાં તેમને ડિરાક ચંદ્રક પણ પ્રાપ્ત થયો. 2015માં તેમને નીલ્સ બ્હૉર ઇન્સ્ટિટ્યૂટનો ચંદ્રક પ્રાપ્ત થયો. તેમને ઑસ્ટ્રેલિયન સરકાર તરફથી પણ ઘણું સન્માન મળ્યું છે. અત્યારે તેઓ  ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના ઉપકુલપતિના તથા અગ્રેસર સંશોધક તરીકે સક્રિય છે.

 પૂરવી ઝવેરી