શ્મિટ્રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl) (. 1 ડિસેમ્બર 1884, કૅમ્નીટ્ઝ, જર્મની; . 9 ઑગસ્ટ 1976, પશ્ચિમ જર્મની) : નિસર્ગચિત્રો અને નગ્ન માનવ-આકૃતિઓ ચીતરવા માટે જાણીતા જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર.

1905માં ડ્રેસ્ડન ખાતેની સ્થાપત્ય-શાળામાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં કાર્લની દોસ્તી લુડવિગ કર્ખનર અને એરિક હેકલ નામના બે સહાધ્યાયીઓ સાથે થઈ. એ ત્રણેય એ વખતે ચિત્રકાર બનવાનાં સપનાં જોતાં હતાં. અભ્યાસ પૂરો કર્યા બાદ ત્રણેએ ભેગાં મળીને ‘ડી બ્રૂક’ (Die ) (‘ધ બ્રિજ’) નામનું અભિવ્યક્તિવાદી કલાજૂથ શરૂ કર્યું. રંગોનું શાંત માધુર્ય નહિ પણ રંગોનાં તોફાની વાવાઝોડાં ચીતરી માનવલાગણીઓને જોરથી ઢંઢોળવાની નેમ આ કલાજૂથની હતી. પરસ્પર અસામંજસ્ય ધરાવતા ભડક રંગો બાજુબાજુમાં ચીતરી મનોચેતનાને ધક્કો પહોંચાડવા આ જૂથ તત્પર બન્યું. આવા રંગો વડે અને પીંછીના ખરબચડા લસરકાઓ વડે શ્મિટ્-રૉટ્લૂફે પોતાનું પહેલું ચિત્ર (આત્મચિત્ર) ચીતર્યું સેલ્ફ પૉર્ટ્રેટ વિથ અ મૉનોકલ (1910). એ અરસામાં ઍમિલ નોલ્ડે નામના જર્મન ચિત્રકાર પણ ‘ડી બ્રૂક’ જૂથમાં જોડાયા અને શ્મિટ્-રૉટ્લૂફને પ્રોત્સાહન મળ્યું. હવે એમનાં માસ્ટરપિસ સર્જાયાં : ‘ટુ હેડ્સ’ અને ‘હેડ ઑવ્ ક્રાઇસ્ટ’. એમની પીંછીના લસરકામાં અજબ જોસ્સો જોવા મળે છે. આફ્રિકન શિલ્પના પ્રભાવ હેઠળ પણ એ આવ્યા.

કાર્લ શ્મિટ્-રૉટ્લૂફ

1920 પછી શ્મિટ્-રોટ્લૂફનાં ચિત્રો વધુ ને વધુ કોમળતાભર્યાં થતાં ગયાં. એમાંથી અગાઉનાં જોસ્સા અને તીખાશ ગાયબ થઈ ગયાં. નાત્ઝી રાજ્યકાળ દરમિયાન એમની ઉપર ચીતરવા માટે પ્રતિબંધ આવી પડેલો. બીજા વિશ્વયુદ્ધ પછી પણ એમની પીંછીમાં અગાઉના જેવી તાકાત ફરી પાછી કદી આવી નહિ. પછીથી જર્મનીની કળાશાળાઓમાં પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી તેમણે અપનાવી.

અમિતાભ મડિયા