શ્મિટ, બર્નહાર્ડ વૉલ્ડમર (Schmidt, Bernhard Voldemar) (. 30 માર્ચ 1879, નેઇસાર આઇલૅન્ડ, ઇસ્ટોનિયા; . 1 ડિસેમ્બર 1935, હૅમબર્ગ, જર્મની) : એક નવા પ્રકારનું ટેલિસ્કોપ બનાવનાર ઇસ્ટોનિયન (રશિયન)જર્મન પ્રકાશીય ઇજનેર અને ખગોળશાસ્ત્રી.

બર્નહાર્ડ શ્મિટ

તેમનો જન્મ અત્યંત ગરીબ મા-બાપને ત્યાં  ઇસ્ટોનિયામાં આવેલા એક નાનકડા ટાપુમાં થયો હતો. તે કાળે ઇસ્ટોનિયા રશિયન સામ્રાજ્યના એક ભાગ રૂપે હતું. શ્મિટ શાળામાં વધુ શિક્ષણ લઈ શક્યા ન હતા, પરંતુ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં તેમને નાનપણથી જ શોખ હતો. આવા એક પ્રયોગ દરમિયાન ગનપાઉડરને ધાતુની ટ્યૂબમાં ઠાંસીઠાંસીને ભર્યા પછી તેમાં પલીતો ચાંપતાં પ્રચંડ ધડાકો થતાં પંદર વર્ષની વયે શ્મિટનો જમણો હાથ કોણીથી પહોંચા સુધીનો કપાઈ ગયો હતો. આમ છતાંય એક હાથ વડે પણ તેમણે પહેલાં તો માત્ર ખગોળરસિયાઓ માટે અને પાછળથી ખગોળશાસ્ત્રીઓ માટે પણ વિવિધ પ્રકાશિક (optical) ઉપકરણો બનાવવાનું ચાલુ રાખેલું. બહુ નાની વયે તેઓ લેન્સ બનાવવાના પ્રયોગો કરતા હતા અને આવી રીતે તેમણે એક કાચની બાટલીના તળિયાના કાચને ઝીણી રેતી વડે ઘસીને બહિર્ગોળ લેન્સ બનાવ્યો હતો. આગળ જતાં તેમણે લેન્સ અને મિરર (દર્પણ) બનાવવાનો વ્યવસાય અપનાવ્યો.

એકવીસ વર્ષની વયે તેમણે ગોટેનબર્ગ(Gothenburg)માં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં અભ્યાસ કર્યો. એક વર્ષ પછી તેઓ જર્મનીના મિટવેઇડા (Mittweida) ખાતે આવેલા ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1904માં સ્નાતક થઈને મિટવેઇડામાં જ રહી ગયા. અહીં રહી તેમણે ખગોળશાસ્ત્રીઓ માટે દર્પણો અને લેન્સ બનાવવાની કામગીરી ચાલુ કરી. 1905માં તેમણે ‘Potsdam Astrophysical Observatory’ માટે 40 સેમી(27 ઇંચ)નો અરીસો બનાવી આપ્યો. આ તેમની આરંભની ઉલ્લેખનીય સિદ્ધિ હતી. આ સ્થળેથી 1926 સુધી તેઓ સ્વતંત્રપણે ઉત્કૃષ્ટ પ્રકાશિક ઉપકરણો બનાવતા રહ્યા. આ અરસામાં તેમણે પોતાની વેધશાળા પણ સ્થાપી. તે પછી બર્ગડૉર્ફમાં આવેલી હૅમબર્ગ વેધશાળા(Hamburg Observatory)ના નિયામક સ્કૉર(Schorr)ના નિમંત્રણથી તેઓ તેમની સાથે જોડાયા. અહીં રહી તેમણે ટેલિસ્કોપના સ્થાપન (mountings) અને ચાલન (drives) ઉપરાંત તેને લગતા પ્રકાશવિજ્ઞાન(optics)માં  એમ અનેકવિધ ક્ષેત્રે કામ કર્યું. ઈ. સ. 1930માં આ જગ્યાએથી જ તેમણે પોતાના નામે ઓળખાતા પ્રખ્યાત ‘શ્મિટ કૅમેરા’ની શોધ કરી. આજે તો તેમના કૅમેરા દુનિયાભરની વેધશાળાઓમાં ફોટોગ્રાફી માટે વપરાય છે. આકાશના સર્વેક્ષણમાં  એક કે એથી વધુ મીટર દ્વારક(aperture)ના શ્મિટ કૅમેરા અનિવાર્ય બની ગયા છે.

હૅમબર્ગમાં જ તેઓ દારૂની લતે ચઢી ગયા. વય વધતાં તેઓ વધુ ને વધુ નશો કરતા ગયા. તેમને એમ હતું કે દારૂ પીને જ તેમને નવા વિચારો આવે છે. આખરે હૅમબર્ગમાં આવેલી ગાંડાની એક ઇસ્પિતાલમાં તેમનું મૃત્યુ થયું.

સુશ્રુત પટેલ