ઇન્ફ્લિબનેટ INFLIBNET (Information and Library Network)
January, 2002
ઇન્ફ્લિબનેટ INFLIBNET
(Information and Library Network)
ઇન્ફ્લિબનેટ એ યુજીસી, ન્યૂદિલ્હી(શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર)નું એક સ્વાયત્ત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર (IUC) છે. યુજીસીએ માર્ચ, 1991માં ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી ઍન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) નીચે આ યોજના શરૂ કરી હતી. જે જૂન, 1996માં એક સ્વતંત્ર ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર તરીકે અસ્તિત્વમાં આવી. માહિતીનો વધુમાં વધુ ઉપયોગ થાય એ માટે ઇન્ફ્લિબનેટ અત્યંત આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ભારતના યુનિવર્સિટી ગ્રંથાલયોનું આધુનિકીકરણ કરે છે. ભારતના શિક્ષણવિદો અને સંશોધકો વચ્ચે વિદ્વત્તાપૂર્ણ પ્રત્યાયન થાય એ માટે ઇન્ફ્લીબનેટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઇન્ફ્લિબનેટનો પ્રાથમિક હેતુ માહિતીનું સ્થાનાન્તર અને માહિતી પ્રાપ્તિની સુવિધાઓ માટે માહિતી પ્રત્યાયનની સુવિધાઓ શરૂ કરીને, તેને ઉત્તેજન આપવાનો છે. જેથી શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક વ્યવસાયને આધાર મળી શકે. આ એક કમ્પ્યૂટર કમ્યુનિકેશન નેટવર્ક છે. જે ભારતની યુનિવર્સિટીનાં ગ્રંથાલયો અને માહિતીકેન્દ્રો, ડીમ્ડ યુનિવર્સિટીઝ, કૉલેજો, યુજીસીનાં માહિતીકેન્દ્રો, રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી સંસ્થાઓ તેમજ સંશોધન અને વિકાસની સંસ્થાઓને એક તાંતણે જોડે છે. આ સંસ્થાઓની તમામ ક્રિયા-પ્રક્રિયાઓ અને સેવાઓનું કમ્પ્યૂટરાઇઝેશન કરીને ઇન્ફ્લિબનેટ તેને ઉત્તેજન આપે છે. એ માટે દરેક સંસ્થા ઇન્ફ્લિબનેટના કમ્પ્યૂટરના હાર્ડવેર, સૉફ્ટવેર, ટૅક્નિક્સ, પદ્ધતિ અને પ્રક્રિયાઓ માટેના માનકો અને એકરૂપ માર્ગદર્શિકાને સ્વીકારે છે. જેથી માહિતીનું એકત્રીકરણ, ભાગીદારી, માહિતીના સ્રોતો અને સુવિધાઓનો વધુમાં વધુ ઉપયોગ શક્ય બને છે. એ માટે વાઙમયસૂચિ માહિતી આપતા વિવિધ સ્રોતો તેમજ વિવિધ સંસ્થાઓના વિવિધ પ્રલેખોની સંઘસૂચિ (Union Catalogue) તૈયાર કરીને આધારભૂત માહિતી ઉપલબ્ધ બનાવે છે. ઇન્ફ્લિબનેટ દ્વારા દેશના અને વિશ્વના કોઈ પણ ખૂણેથી માહિતી પ્રાપ્ત થઈ શકે એ માટે નિસાત (NISSAT) યુજીસી (UGC)ના માહિતીકેન્દ્રો, શહેરના તેમજ અન્ય નેટવર્ક સાથે જોડાવા માટે ગેટવે શરૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝીઝમાંથી ઑનલાઇન માહિતી પ્રાપ્ત થઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
હસ્તપ્રતો તેમજ અન્ય પ્રલેખોમાં રહેલી મૂલ્યવાન માહિતીની જાળવણી માટે ડિજિટાઇઝેશન કરવું, માહિતીનો વધુ ઉપયોગ થાય તે માટે સહભાગી સૂચીકરણ, આંતર-ગ્રંથાલય લોન સેવા સૂચિ તૈયાર કરવી, સહકારી ધોરણે સંગ્રહનો વિકાસ કરવો જેથી ગ્રંથ-પ્રાપ્તિ બેવડાય નહીં, તેમજ માહિતીસ્રોતોનો વધુમાં વધુ ઉપયોગ થાય એ નેમ સાથે ઇન્ફ્લિબનેટ કાર્ય કરે છે. એ ઉપરાંત પ્રોજેક્ટ્સ, સંસ્થાઓ તેમજ વિશેષજ્ઞો વગેરેના ડેટાબેઝીઝ તૈયાર કરીને તેની ઑનલાઇન માહિતી આપે છે.
વૈજ્ઞાનિકો, એન્જિનિયર્સ, સમાજવિજ્ઞાનીઓ, વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને ઈ-મેલ, ફાઇલ ટ્રાન્સફર, કમ્પ્યૂટર ઓડિયો, વીડિયો કૉન્ફરન્સીસ વગેરે દ્વારા શૈક્ષણિક પ્રત્યાયનની સુવિધા પૂરી પાડે છે. તે ભૌગોલિક અંતર કે સમયના અવરોધ વિના 24×7 માહિતી પૂરી પાડે છે.
ગ્રંથાલય યાંત્રીકરણના સંદર્ભમાં ઇન્ફ્લિબનેટ કેટલાંક મહત્વનાં કાર્યો કરે છે. જેમકે, ‘ઇન્ડકૅટ’ IndCat (Catalogue of Indian Universities) જે ભારતીય યુનિવર્સિટીઓની સંઘ સૂચિ છે. જેના દ્વારા ભારતના યુનિવર્સિટી ગ્રંથાલયોની પ્રલેખસામગ્રીની માહિતી ઑનલાઇન પ્રાપ્ત થાય છે. ‘સોલ’ SOUL 3.0 (Software for University Library) જે ઇન્ટીગ્રેટેડ લાઇબ્રેરી મૅનેજમેન્ટ સૉફ્ટવેર છે જે દરેક પ્રકારનાં શૈક્ષણિક ગ્રંથાલયોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું છે. ઇન્ફ્લિબનેટ સાથે જોડાયેલાં પ્રત્યેક ગ્રંથાલયો તેનો ઉપયોગ કરે છે. આ સૉફ્ટવેરમાં આંતરરાષ્ટ્રીય માનકો(standards)ને અનુસરવામાં આવેલાં છે.
ઇન્ફ્લિબનેટે ઈ-કન્સોર્ટિયમ (e-Consortium) રૂપે વિવિધ યોજનાઓ શરૂ કરેલી છે. જેમકે, ઈ-શોધસિન્ધુ (e-ShodhSindhu) એ ઉચ્ચશિક્ષણના ઇલેક્ટ્રૉનિક્સ રિસોર્સીસ છે. જે 10,000થી પણ વધારે સંપૂર્ણ પાઠ સાથેનાં સામયિકો, 1,64,300થી વધારે ઈ-બુક્સ અને નૅશનલ ડિજિટલ લાઇબ્રેરી દ્વારા 6,00,000 ઈ-બુક્સ પૂરી પાડે છે. (ઑગસ્ટ, 2021). ઇન્ફિસ્ટેટસ (INFISTATS) એ વિવિધ ઈ-રિસોર્સીસના ઉપયોગ અંગેના આંકડા પૂરા પાડે છે. જ્યારે ઇન્ફેડ (INFED) દ્વારા અધિકૃત ઉપયોગકર્તાઓને ઓળખીને કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે 24×7 ઈ-રિસોર્સીસ પૂરા પાડે છે. જ્યારે ‘શોધશુદ્ધિ’ (SHODHSUDDH) એ શિક્ષણ મંત્રાલયની યોજના છે. આ યોજના હેઠળ બધી જ યુનિવર્સિટી/સંસ્થાઓ અવરિજિનલ (Ouriginal) (પહેલાનું ઉરકુંડ Urkund) એ વેબ-આધારિત પ્લેજિઆરિઝમ ડિટેક્શન સૉફ્ટવેર મેળવી શકે છે.
ઉપયોગકર્તાઓને માહિતીસ્રોતોની મુક્ત રીતે પ્રાપ્તિ થઈ શકે (Open Access Initiative) એ માટે ઇન્ફ્લિબનેટે ‘શોધગંગા’ (SHODHGANGA) નામે ડિજિટલ રીપોઝિટરી શરૂ કરેલી છે. જેમાં ભારતના યુનિવર્સિટી ગ્રંથાલયોમાં એમ.ફિલ અને પીએચ.ડી. કરતા સંશોધકો–વિદ્યાર્થીઓએ રજૂ કરેલા મહાનિબંધો, લઘુનિબંધોનો ઇલેક્ટ્રૉનિક સંગ્રહ છે. જેના દ્વારા સમગ્ર વિશ્વના શૈક્ષણિક સમાજને એ મુક્ત રીતે પ્રાપ્ત થઈ શકે છે. શોધગંગા માટે ડીસ્પેસ(DSpace) ઓપન સોર્સ સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવેલો છે. શોધગંગોત્રી(SHODHGANGOTRI) એ યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે નોંધણી કરાવવા માટે રજૂ કરવામાં આવેલી – મંજૂર થયેલી સીનોપ્સીસનો સંગ્રહ છે. આ સીનોપ્સીસની સાથે શોધગંગામાં ઉપલબ્ધ એના મહાનિબંધની લિંક આપવામાં આવે છે. આ ઉપરાંત રિસર્ચ પ્રોજેક્ટ ડેટાબેઝ – પણ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ભારતમાં વિવિધ વિદ્યાશાખામાં યુજીસીની નાણાકીય સહાયથી માઇનોર અને મેજર પ્રોજેક્ટ કરતા અધ્યાપકોના રિસર્ચ પ્રોજેક્ટ્સને અહીં ડિજિટલ સ્વરૂપે જાળવવામાં આવે છે.
ઇન્ફ્લિબનેટે ઇન્સ્ટિટ્યૂશનલ રીપોઝિટરી (Institutional Repository) શરૂ કરેલી છે. જે IR@INFLIBNET તરીકે ઓળખાય છે. તેમાં પણ ડીસ્પેસ (DSpace) ઓપન સોર્સ સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ રીપોઝિટરીમાં કેલીબર (CALIBER) અને પ્લાનર (PLANNER)માં પ્રકાશિત થયેલા લેખો/પેપર્સ અપલૉડ કરવામાં આવે છે.
ઇન્ફોપોર્ટ એ ઇન્ફ્લિબનેટે શરૂ કરેલો ઇન્ડિયન ઇલેક્ટ્રૉનિક રિસોર્સીસ માટેનો સબજેક ગેટવે છે. જેના દ્વારા ઇન્ટરનેટના રિસોર્સીસને પૉર્ટલમાં નોંધી શકાય છે, તેમજ ઉપયોગકર્તા સુધી પહોંચાડી શકાય છે. ઇન્ફોપોર્ટ દ્વારા ડ્યૂઈ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિ દ્વારા ઇન્ટરનેટના રિસોર્સીસ શોધી શકાય છે.
આ ઉપરાંત કેટલીક મહત્ત્વની યોજનાઓ છે. જેમકે, વિદ્વાન એ વૈજ્ઞાનિકો, સંશોધકો તેમજ શૈક્ષણિક, સંશોધન અને વિકાસની મહત્ત્વની સંસ્થાઓના વિવિધ વિદ્યાશાખાઓના અધ્યાપકો અને સંશોધકો વિશેની માહિતી આપે છે. આઇરિન્સ (IRINS) એ વેબ-આધારિત રિસર્ચ મૅનેજમેન્ટ સેવા છે. આ પૉર્ટલ શૈક્ષણિક, સંશોધન અને વિકાસની સંસ્થાઓના અધ્યાપકો, સંશોધકો અને વૈજ્ઞાનિકો વચ્ચે વિદ્વત્તાપૂર્ણ પ્રત્યાયન કરવાની અને વિદ્વાનોનું નેટવર્ક રચવાની સુવિધા આપે છે.
ઈ-વિષયવસ્તુ(e-Content)નો વિકાસ કરવા માટે તેમજ સેવાઓ આપવા માટે ઈ-પીજી પાઠશાળા (e-PG Pathshala) યોજના યુજીસી દ્વારા (MHRD, NME–ICT હેઠળ) શરૂ કરવામાં આવેલી છે. જે તમામ અનુસ્નાતક અભ્યાસક્રમોનો ગેટવે છે. જેમાં સમાજવિજ્ઞાનો, આર્ટ્સ, લલિતકલાઓ અને માનવવિદ્યાશાખાઓ, કુદરતી વિજ્ઞાનો તેમજ ગાણિતિક વિજ્ઞાનોના અભ્યાસ આધારિત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા 70થી વધારે વિષયોની ઇલેક્ટ્રૉનિક વિષયવસ્તુ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો 24×7 તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે ઈ-અધ્યયન (e–Adhyan) એ અનુસ્નાતક અભ્યાસક્રમોની 700 વધારે ઈ-બુક્સ પૂરી પાડતું પ્લૅટફૉર્મ છે. જ્યારે યુજીસી મૂક્સ (UGC MOOCs) એ સ્વયંમ (SWAYAM)ના અનુસ્નાતક વિષયોના ઑનલાઇન અભ્યાસક્રમો પૂરા પાડે છે. યુજીસી એ સ્વયમનું એક રાષ્ટ્રીય સંયોજક છે. અને ઇન્ફ્લીબનેટ એ યુજીસી-મૂક્સ માટેનું ટૅક્નિકલ પાર્ટનર છે. ઈ-પાઠ્ય (e–Phathya) દ્વારા વિદ્યાર્થીઓને ઑફલાઇન માહિતી પ્રાપ્ત થઈ શકે છે. ‘વિદ્યામિત્ર’ (Vidya–Mitra) એ ઇન્ટીગ્રેટેડ ઈ-કન્ટેન્ટ પૉર્ટલ છે. જેમાં 44,450 ઈ-ટેક્સ્ટ, ઈ-ટ્યૂટોરિયલ્સ વીડિયો અને 37,827 અન્ય સામગ્રી ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ઇન્ફ્લિબનેટ ભારત સરકારની અનેક યોજનાઓમાં સહયોગ આપે છે, જેમકે; નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રેન્કિંગ ફ્રેમ વર્ક (NIRF), અટલ રેન્કિંગ ઑવ્ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑન ઇનોવેશન એચીવમેન્ટ (ARIIA) નૅશનલ બોર્ડ ઑવ્ એક્રીડીટેશન (E–NBA) નૅશનલ બોર્ડ ઑવ્ નૅશનલ એસેસમેન્ટ ઍન્ડ એક્રીડીટેશન કાઉન્સિલ (NAAC) વગેરેમાં મહત્વનું યોગદાન આપે છે. આ સાથે સરકારની ઈ-ગવર્નન્સ ઍન્ડ ટૅકનિકલ સર્વિસીઝની યોજનાઓમાં પણ ઇન્ફ્લિબનેટ સહભાગી છે.
માનવશક્તિના વિકાસ માટે ઇન્ફ્લિબનેટ વર્કશૉપ, સેમિનાર અને તાલીમ માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. તેમજ ન્યૂઝલેટર્સ તથા સેમિનાર પ્રોસીડિંગ્સના પ્રકાશનો કરે છે.
ઇન્ફ્લિબનેટ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ પાસે, ટીસીએસ સામે, ઇન્ફોસિટી, ગાંધીનગરમાં આવેલું છે.
ઊર્મિલા ઠાકર