ઇન્ફ્લુએન્ઝા : શરીર અને માથાનો દુખાવો કરતો ઇન્ફલુએન્ઝાના વિષાણુ(virus)થી થતો વિકાર. ચેપયુક્ત ગળાના સોજામાંથી ઝરતા પ્રવાહીના ઉધરસ અને છીંક દ્વારા ફેંકાતા 10μનાં ટીપાંઓથી તેનો ફેલાવો થાય છે, તેને ‘ફ્લૂ’ પણ કહે છે. તેનો વાવર (epidemic) સામાન્યત: શિયાળામાં થાય છે. ક્યારેક તે ફક્ત ગળાનો સામાન્ય સોજો, શ્વાસનળીશોથ (bronchitis) કે ન્યુમોનિયા રૂપે પણ થાય છે. રિચાર્ડ ફાઇબરે શોધેલ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા નામનો જીવાણુ આ રોગનું કારણ નથી તે જાણી શકાયું છે. ઑર્થોમિક્ઝોવાઇરાઇડ કુળ(family)ના ઇન્ફ્લુએન્ઝા ‘એ’, ‘બી’ અને ‘સી’ પ્રકારના વિષાણુઓ આ રોગ સર્જે છે. તેમનામાં જનીનીય (genetic) ફેરફારો થાય છે અને તે દ્વારા ઘણા ઉપપ્રકારના વિષાણુઓ પણ બને છે. વિષાણુ 80-100 nm વ્યાસવાળા (આવરણવાળા), ગોળ આકારના કે લંબગોળ કણો જેવા હોય છે. તેમની સપાટી પર ગ્લાયકોપ્રોટીનના ઝીણા કાંટા હોય છે (જુઓ નીચેની આકૃતિ.). સ્મિથ ઍન્ડ્રુઝ અને  ૦૭

આકૃતિ 1 : ઇન્ફ્લુએન્ઝાના વિષાણુ : (1) મેદાવરણનાં બે પડ, (2) ન્યૂરામિનિડેઝ કંટક, (3) હેમાગ્લુટિનીન કંટક, (4) એમ પ્રોટીન (5) ન્યુક્લિઓપ્રોટીન, (6) આર. એન. એ., (7, 8, 9) પૉલિમરેઝ પ્રોટીન

આકૃતિ 1 : ઇન્ફ્લુએન્ઝાના વિષાણુ : (1) મેદાવરણનાં બે પડ, (2) ન્યૂરામિનિડેઝ કંટક, (3) હેમાગ્લુટિનીન કંટક, (4) એમ પ્રોટીન, (5) ન્યુક્લિઓપ્રોટીન, (6) આર. એન. એ., (7, 8, 9) પૉલિમરેઝ પ્રોટીન

બેડલોએ ‘એ’ પ્રકારનો વિષાણુ શોધ્યો હતો. ‘બી’ અને ‘સી’ પ્રકારના વિષાણુ અનુક્રમે 1940 અને 1949માં શોધાયા. 1510થી 1990 સુધીમાં લગભગ 31 વિશ્વવ્યાપી વાવર (pandemic) થયા છે એમ મનાય છે. વીસમી સદીના પાંચ વિશ્વવ્યાપી વાવર – 1900, 1918, 1957, 1968 અને 1977 – માંથી 1918ના વાવરમાં, પ્રથમ વિશ્વયુદ્ધ કરતાંય વધુ પ્રમાણમાં, 10 લાખથી વધુ માણસો મૃત્યુ પામ્યા હતા. ભારતમાં તેની આનુષંગિક તકલીફો (complications) ઓછી થતી હોવાથી તેનો મૃત્યુદર ઓછો છે. સન 1972થી અત્યાર સુધીમાં વાવર સિવાયના સમયે અમેરિકામાં 20,000 જેટલાં મૃત્યુ નોંધાયેલાં છે. આ સમયગાળાના 3 વાવરમાં 1,20,000 જેટલાં મૃત્યુ નોંધાયેલાં છે. દરેક સ્થાનિક કે વિશ્વવ્યાપી વાવર સમયે જુદા જુદા પ્રકારે ઉપપ્રકારના વિષાણુઓ કારણભૂત હોય છે. તેના કારણે અગાઉના વાવરથી ઉત્પન્ન થયેલી પ્રતિકારશક્તિ નિષ્ફળ જાય છે. જનીનીય બિન્દુવિકૃતિ(point mutation)ને કારણે અથવા બે ઉપપ્રકારના જુદા જુદા વિષાણુ એક જ કોષમાં ચેપ કરે તો તેમાંથી ઉદભવતા નવા જ પ્રકાર/ઉપપ્રકારના વિષાણુને કારણે આ વિષાણુઓની પ્રતિજનશીલતા (antigenicity) બદલાતી રહે છે.

દરેક વાવરમાં સૌપ્રથમ બાળકોમાં તેના ચેપથી તાવ આવે છે, ત્યારબાદ પુખ્તવયના દર્દીઓમાં તેના ચેપનો ફેલાવો થાય છે. સમય જતાં ગળાનો શોથ (pharyngitis) અને છેલ્લે ન્યુમોનિયાનું પ્રમાણ વધતું જાય છે તેને કારણે ઘણાં મૃત્યુ થાય છે. કુલ વસ્તીના 10 %થી 50% વ્યક્તિઓ અસરગ્રસ્ત થાય છે. વાવરના છેલ્લા તબક્કામાં વિષાણુનો બદલાયેલો નવો પ્રકાર/ઉપપ્રકાર વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. સામાન્ય રીતે ત્યારપછીનો જે બીજો વાવર ફેલાય તેમાં આ નવો ઉદભવેલો પ્રકાર/ઉપપ્રકાર કારણભૂત હોય છે. બીજા વિશ્વયુદ્ધ સમયે તેની રસીના બહોળા પ્રચારથી તે કાબૂમાં આવ્યો હતો; પરંતુ તેણે ફરીથી હાગકાગમાં દેખા દીધી. તેથી તે એશિયન ફ્લૂ પણ કહેવાયો હતો. વિષાણુઓ ગળાના અધિચ્છદીય પડ(epithelium)ના સ્તંભકોષો(columnar cells)માં પ્રવેશી તેમાં દર 4-6 કલાકના ગાળામાં પોતાની સંખ્યા બેવડાવે છે. મૂળ કોષ મૃત્યુ પામે ત્યારે તે આસપાસના કોષોમાં પ્રવેશીને પોતાની સંખ્યાવૃદ્ધિ કરતા રહે છે. આમ શરીરમાં પ્રવેશેલા વિષાણુની સંખ્યાવૃદ્ધિને આધારે 18થી 72 કલાકમાં માંદગીનાં ચિહ્નો (signs) અને લક્ષણો (symptoms) ઉત્પન્ન થાય છે. એક કે બે દિવસમાં લોહીમાં વિષાણુ-પ્રતિરક્ષક(interferon)નું પ્રમાણ વધવા માંડે છે અને તે પછી માંદગી આપોઆપ ઘટવા માંડે છે. બીજા અઠવાડિયા પછી વિવિધ પ્રતિદ્રવ્યોનું પ્રમાણ વધતું જાય છે, ચોથા અઠવાડિયે તે મહત્તમ કક્ષાએ પહોંચે છે.

આકૃતિ 2 : ઇન્ફ્લુએન્ઝાના દર્દમાં દર્દીની શારીરિક સ્થિતિ

આકૃતિ 2 : ઇન્ફ્લુએન્ઝાના દર્દમાં દર્દીની શારીરિક સ્થિતિ

એકદમ ચઢી આવતો તાવ (જે પ્રથમ 12 કલાકમાં 39o, 40o સે. કે 41o સે. સુધી જાય છે), ટાઢ વાય, માથું દુખે, શરીર કળે, થાક લાગે, અરુચિ થાય, ક્યારેક સાંધાનો દુખાવો થાય, આંખો બળે, આંસુ વહે કે પ્રકાશમાં જોવાની તકલીફ ઊભી થાય – એ તેનાં લક્ષણો છે. સૂકી ખાંસી, નાક નીતરવું, નાકથી શ્વાસ લેવામાં તકલીફ પડવી, અવાજ ભારે થવો, ગળું દુખવું, ગળાના બહારના ભાગમાં સ્પર્શજન્ય વેદનાવાળી લસિકાગ્રંથિઓની થોડી વૃદ્ધિ થવી વગેરે ચિહનો પણ જોવા મળે છે. ક્યારેક વિષાણુજન્ય કે જીવાણુજન્ય ન્યુમોનિયા થાય છે. હૃદયના દ્વિદલકપાટ(mitral valve)વાળા દર્દીઓમાં વિષાણુજન્ય ન્યુમોનિયા અને વૃદ્ધો કે હૃદય-ફેફસાં કે ચયાપચયના રોગવાળા દર્દીઓમાં જીવાણુજન્ય ન્યુમોનિયા થાય છે. કોઈક કોઈક દર્દીમાં રાઇ(Reye)નું સંલક્ષણ, સ્નાયુશોથ (myositis) પરિહૃદ્-શોથ (pericarditis) તથા આડછેદી મેરુરજ્જુશોથ (transverse myclitis) કે મગજનો શોથ (encephalitis) પણ જોવા મળે છે.

સારવાર રૂપે પીડાનાશક અને તાપમાન ઓછું કરતી જ્વરનાશક દવાઓ વપરાય છે. સોળ વર્ષથી નીચેનાં બાળકોમાં ઍસ્પિરિનના ઉપયોગથી રાઇના સંલક્ષણને કારણે મગજ અને યકૃતની જીવનજોખમી બીમારી થવાનો ભય વધુ છે. આનુષંગિક તકલીફોનો ભય હોય તેવા દર્દીઓમાં તથા વાવર ફેલાયેલો હોય ત્યારે ઇન્ફ્લુએન્ઝા થતો અટકાવવા ‘ઍમેન્ટીડીન’ અને ‘રીમેન્ટીડીન’ દવાઓ વપરાય છે. તે ઇન્ફ્લુએન્ઝા-એ સામે અસરકારક છે. ઇન્ફ્લુએન્ઝા ‘બી’ તેમજ ‘એ’ સામે ઝેનામિવિર અને ઑઝેલ્ટામિવિર અસરકારક છે. જો પ્રથમ 48 કલાકમાં દવા શરૂ કરાય તો 50% દર્દીમાં તકલીફો વહેલી શમે છે. 5થી 10% કિસ્સામાં ચિંતા, અનિદ્રા અને એકાગ્રતામાં મુશ્કેલી જેવી તકલીફ થાય છે. ઝેનાતિમિરની વરાળને મોં વાટે લેવાય છે. તે ક્યારેક દમના દર્દીમાં દમનો હુમલો કરે છે. બાળકોમાં એમેન્ટિકિજ અને ઝેનામિવિર આપી શકાય છે. રિબાલિસિ નામની નવી દવા પણ અસરકારક જણાઈ છે. રોગ થતો અટકાવવા નિષ્ક્રિય વિષાણુની બનાવેલી રસી 80% કિસ્સાઓમાં સફળ રહે છે. વિષાણુની પ્રતિજનશીલતા (antigenicity) બદલાતી રહેતી હોવાથી રસીની પ્રતિરક્ષાશીલતાને દર વર્ષે ચકાસવામાં આવે છે. રસીની અસર એકાદ વર્ષ રહે છે. ઇન્ફ્લુએન્ઝા થવાના ભયવાળા અશક્ત વૃદ્ધો કે હૃદય-ફેફસાંના રોગવાળી વ્યક્તિઓ તેમજ તબીબી અને પરાતબીબી (paramedical) કર્મચારીઓને વાવરના સમયે રસી આપવી હિતાવહ ગણાય છે. અગાઉ રશિયામાં જીવંત વિષાણુવાળા પ્રવાહીને સૂકવી તેનો ભૂકો રસી રૂપે સૂંઘવા માટે અપાતો હતો. તેની અસર દીર્ઘ સમય સુધી રહેતી ન હોવાથી તે પદ્ધતિ હાલ પ્રચલિત નથી.

હરિત દેરાસરી

શિલીન નં. શુક્લ