ખસમ : ખ-સમનો મૂળ અર્થ છે ખ અર્થાત્ આકાશના જેવું. વિશાળ-વ્યાપક. હઠયોગની સાધનાનો મૂળ ઉદ્દેશ ચિત્તને બધા સાંસારિક ધર્મોથી મુક્ત કરીને તેને નિર્લિપ્ત બનાવવું. આ સર્વધર્મ-શૂન્યતાને મનની શૂન્ય અવસ્થા કહેવામાં આવે છે. શૂન્યનું પરિચાયક આકાશ છે. આથી પરિશુદ્ધ, સ્થિર, નિર્મલ ચિત્તને આકાશની ઉપમા અપાય છે. બૌદ્ધ પરંપરામાં પણ ખસમ શબ્દનો પ્રયોગ આ અર્થમાં થયો છે. સિદ્ધાચાર્ય બોધિચિત્તની સાધનામાં મનનું શૂન્ય-સ્વરૂપ અથવા ખસમ-સ્વરૂપ ધારણ કરવાનો ઉપદેશ આપે છે.

સંતોએ ખસમ શબ્દનો પ્રયોગ પતિ કે પ્રિયતમના અર્થમાં કર્યો છે. અને તેનો આધાર અરબી શબ્દ ‘ખસમ’ હોવાનું જણાય છે. અલબત્ત ક્યાંક ક્યાંક પાતિવ્રત્યને બદલે એના મરણ પર ખુશી વ્યક્ત થતી જોવામાં આવે છે. પલટૂની એક કુંડલિયામાં કહ્યું છે, ‘પલટૂ ઐસે પદ કહે બૂઝે સો નિરવાન, ખસમ બિચારા મર ગયા જોરુ ગાવૈ તાન.’ આમાં ખસમના મૃત્યુનો અર્થ શૂન્ય-સ્વભાવ ધારણ કરી ચિત્તના નિર્વાણની પ્રાપ્તિ થવી. સરહપાના દોહામાં પણ આ રીતે ગૃહપતિના મરણ પર સ્ત્રીની પ્રસન્નતાનું વર્ણન થયું છે એ પણ આ અર્થમાં છે.

પ્રવીણચંદ્ર પરીખ