ગોર્ડિમર, નૅડિન (Gordimer Nadine) (જ. 20, નવેમ્બર, 1923, સ્પિંગ્સ, ગઉટૅન્ગ (Gauteng), દક્ષિણ આફ્રિકા; અ. 13 જુલાઈ, 2014 જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : વિશ્વવિખ્યાત દક્ષિણ આફ્રિકન નવલકથાકાર અને વાર્તાકાર. 1991માં સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા બન્યાં. તેમના પિતા ઇસોડોરે ગોર્ડિમર (Isodore Gordimer) લિથુઆનિયા(જે યુરોપ મહાદ્વિપમાં આવેલો એક દેશ)થી સ્થળાંતર કરીને દક્ષિણ આફ્રિકામાં આવીને સ્થાયી થયેલા. પિતા યહૂદી હતા અને માતા નાન ગોર્ડિમર (Nan Myers Gordimer) અંગ્રેજી કુળના હતાં. ઇંગ્લૅન્ડના હતાં. પ્રાથમિક શિક્ષણ ટ્યૂટર દ્વારા ઘેર જ મળ્યું. ત્યારબાદ કૉન્વેન્ટ સ્કૂલમાં. એ પછી જોહાનિસબર્ગની વિત્વાતેરસ્રાન્ડ (Witwaterstrand) યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
બાળપણમાં અત્યંત નાજુક તબિયત રહેતી. આથી એકાંતમાં વાચન અને લેખનની અભિરુચિ કેળવાયેલી. નવ વર્ષની વયે તેમણે ટૂંકી વાર્તા લખવાની શરૂઆત કરેલી. જોહાનિસબર્ગના અઠવાડિક ફોરમ(Forum)માં તેમની વાર્તા ‘come again tomorrow’ પ્રગટ થઈ ત્યારે તેઓ 15 વર્ષના હતા. તેઓ New Yorker, Harper’s અને Virginia Quarterly જેવા જાણીતા સાહિત્યિક સામયિકોમાં લખતાં થયાં ત્યારથી જ વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠિત થયેલાં.
નૅડિન ગોર્ડિમર દક્ષિણ આફ્રિકામાં ઊછર્યાં. જીવનના પ્રારંભકાળમાં જ તેઓ રંગભેદની સમસ્યાઓ અંગે સભાન બન્યા. એ જ વિચારસરણીએ તેમના મનનો કબજો લીધો. પરિણામે રંગભેદને કારણે થતા અન્યાયો વિશે તેમણે લખવાની શરૂઆત કરી. સામાજિક અને વ્યક્તિગત સંબંધો વિશે તેઓ અત્યંત તીવ્રતાથી લખતા તેમની મોટાભાગની નવલકથાઓ અને વાર્તાઓનું મુખ્ય વિષયવસ્તુ રંગભેદ રહ્યું છે.
ગોર્ડિમરની પ્રથમ નવલકથા ‘The Lying Days’ 1953માં પ્રગટ થઈ. જેમાં સામાજિક કાર્યકર સાથે કાર્ય કરવાને કારણે રાજકીય સભાનતા પ્રાપ્ત કરનાર આશ્રિત નારીનું જીવનચરિત્રાત્મક ચિત્રાંકન છે. 1958માં પ્રગટ થયેલી ‘World of Stranger’ એ કૃતિએ ગોર્ડિમરનો પરિચય કરાવ્યો. જોહાનિસબર્ગમાં લખાયેલી આ કથામાં દક્ષિણ આફ્રિકાની મુક્તિના સંઘર્ષમાં શ્વેત પ્રજાની ભૂમિકાની સમસ્યાનું આલેખન છે. તેમની પ્રથમ બે નવલકથાઓમાં અશ્વેત અને શ્વેત વચ્ચે મૈત્રીભર્યો સુમેળ થવાનો આશાવાદ છે. જે તેમના પછીના સર્જનોમાં જોવા મળતો નથી. (1963માં પ્રગટ થયેલી ‘Occasion for Loving’માં શ્વેત દક્ષિણ આફ્રિકન ઉદારમતવાદીઓનો સામનો કરવામાં થતી નૈતિક દ્વિધાની તલસ્પર્શી સમીક્ષા છે. એક પછી એક પ્રગટ થતી નવલકથાઓમાં તેઓ રંગભેદની અસરને નિવારવા માટે ઝીણવટથી તપાસ કરે છે. 1966માં પ્રકાશિત નવલકથા The Late Bourgeois World દક્ષિણ આફ્રિકાના સમાજના મધ્યમ વર્ગના માનસના દંભને છતો કરે છે. આ નવલકથા પર દક્ષિણ આફ્રિકામાં 12 વર્ષ સુધી પ્રતિબંધ રાખવામાં આવેલો. તેમનાં અન્ય પુસ્તકો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ.
ગોર્ડિમરની કારકિર્દીના પૂર્વાર્ધમાં લખાયેલી તેમની સીમાસ્તંભરૂપ મહત્વની નવલકથા ‘A Guest of Honour’ 1970માં પ્રગટ થઈ. જે વિચારસભર, સંઘટિત વસ્તુવિધાનવાળી, પ્રશિષ્ટ શૈલીમાં લખાયેલી નવલકથા છે. જેમાં દક્ષિણ આફ્રિકા સ્વતંત્ર થતાં, દેશવટો આપેલ ક્રાંતિકારી દેશમાં પાછો ફરે છે. તેની સચ્ચાઈ સામે, લાંચરુશવત, લાલસા અને નવી સરકારની બુદ્ધિહીનતા, અંતે ક્રાંતિકારીની પ્રતિકારશક્તિ અને તેની રાજકીય હત્યા – એ કથાવસ્તુનું નિરૂપણ છે. 1970ના મધ્ય-સમયમાં ગોર્ડિમરે તેમની નવલકથાઓ માટે વિશેષ જટિલ ટૅકનિક્સ વિકસાવી. આ સમયગાળામાં તેમણે ત્રણ શ્રેષ્ઠ (Masterpieces) નવલકથાઓ આપી. 1974માં પ્રગટ થયેલી ‘The Conservationist’ નવલકથામાં દક્ષિણ આફ્રિકામાં સત્તાનું જે માળખું ભાંગી પડે છે એની કથા છે. આ નવલકથાને (સંયુક્ત) બુકર પ્રાઇઝ પ્રાપ્ત થયેલું. 1979માં ‘Burger’s Daughter’ નવલકથા પ્રગટ થઈ જેમાં સંક્રમિત થતા સમાજના લોકોના જીવન સાથે રાજકીય વિકાસનું આલેખન છે. 1981માં પ્રગટ થયેલ July’s Peopleમાં તેમણે શ્વેત જીવનપદ્ધતિનો અંત અને એકાએક થયેલાં સત્તાપરિવર્તનથી શ્વેત અને અશ્વેત વચ્ચેના સંબંધોનું નિરૂપણ કર્યું છે. આ નવલકથામાં એક શ્વેત કુટુંબને એક અશ્વેત વ્યક્તિની કૃપા પર જીવવાની ફરજ પાડવામાં આવે છે. જે પહેલાં એ લોકોનો નોકર હતો. નવલકથાકારે જાતિની સર્વોપરિતા અને પૂર્વગ્રહોની જે જડ રોપાયેલી છે એનું વર્ણન કર્યું છે. A sports of Nature, 1987 એ દક્ષિણ આફ્રિકાના સામાજિક ક્રમનું એક ગંભીર તહોમતનામું છે. શ્વેત દક્ષિણ આફ્રિકન હીરોઈન તેના અશ્વેત પતિનું મૃત્યુ થતાં નવા સર્જાયેલા અશ્વેત આફ્રિકન રાષ્ટ્રની પ્રથમ પ્રમુખ બને છે. 1990માં ‘My Son’s Story’ પ્રગટ થાય છે. જેમાં રાજકીય સત્વશીલ વ્યક્તિઓના જીવનમાં અંગત નૈતિકતાની જરૂરિયાત પર ઝોક આપ્યો છે, તેમજ લઘુમતી સમાજમાં પ્રેમ, એના માર્ગમાં આવતાં અવરોધો અને મુશ્કેલીઓ વગેરેનું નિરૂપણ છે.
ગોર્ડિમરની નવલકથાઓમાં દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં 40–50 વર્ષ દરમિયાનના બેકાબૂ રાજકીય વિકાસનો આલેખ – તવારીખ મળે છે. દક્ષિણ આફ્રિકાના અનુભવનો ઇતિહાસ અને રંગભેદનો પ્રતિકાર કરીને તદ્દન અયોગ્ય – ગેરવ્યાજબી રૂઢિને તત્કાળ નાબૂદ કરવા પ્રેરે છે. ગોર્ડિમર બધા જ પ્રકારના ત્રાસ–જુલમોની સામે પ્રતિકાર કરનાર, વૈશ્વિક મુક્તિને ઝંખનાર રૂપે ઊભરી આવે છે.
નવલકથાના શક્તિશાળી સર્જન પછી પણ તેમણે ટૂંકી વાર્તાના ક્ષેત્રે કરેલ પ્રદાન પણ અનન્ય છે. એમાં પણ એમની સર્જનશક્તિની પરાકાષ્ઠા જોઈ શકાય છે. વિશ્વની અનેક યુનિવર્સિટીઓમાંથી તેઓને માનદ પદવીઓ પ્રાપ્ત થયેલી. તેઓ આંતરરાષ્ટ્રીય PENના વાઇસ પ્રેસિડેન્ડ હતાં. દક્ષિણ આફ્રિકાના લેખક મંડળ (Congress of South African Writers)ના તેઓ એક્ઝિક્યુટિવ સભ્ય હતાં. તેમજ આફ્રિકન નૅશનલ કૉંગ્રેસના પણ સભ્ય હતાં. તેમનું સમગ્ર જીવન લેખનને સમર્પિત હતું. 1954માં તેઓના રેઈનહૉલ્ડ કાસ્સીરેર (Reinhold Cassirer) સાથે લગ્ન થયેલાં. તેમનાં બે સંતાનો છે.
નવલકથા અને વાર્તા સિવાયના અન્ય સ્વરૂપોમાં પણ તેમણે કામ કર્યું છે. દક્ષિણ આફ્રિકન વિષયો પર તેમણે ટીવી માટે ડૉક્યુમેન્ટરીઝ કરેલી. તેમના પુત્ર હ્યુગો કાસ્સીરેર (Hugo Cassirer)ની સાથે ટેલિવિઝન ફિલ્મ Chosing Justice : Allan Boesak કરેલી. ઉપરાંત 1989માં BBC Film – Frontiers કરેલી. સાત સ્ક્રીનપ્લેમાંથી ટેલિવિઝન માટે ચાર નાટકો લખ્યાં. જે તેમની ટૂંકી વાર્તાઓ ઉપર આધારિત હતાં.
40 જેટલી ભાષાઓમાં તેમનાં પ્રકાશનો થયાં છે. 46 જેટલાં પુસ્તકો તેમજ 11 જુદા જુદા ઍવૉર્ડ્ઝ તેમને પ્રાપ્ત થયા હતા.
ઊર્મિલા ઠાકર