પોલિટ્ઝર, એચ. ડેવિડ (જ. 31 ઑગસ્ટ 1949, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને ડૅવિડ ગ્રૉસ તથા ફ્રાન્ક વિલ્ઝેકની ભાગીદારીમાં વર્ષ 2૦૦4ના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને ક્વૉન્ટમ વર્ણગતિવિજ્ઞાન(chromodynamics)માં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ આ પુરસ્કાર મળ્યો છે.
1966માં બ્રૉન્ક્સ હાઈસ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા. 1969માં મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી. 1974માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.
પોલિટ્ઝરે ઉપગામી સ્વતંત્રતાની ઘટનાનું વર્ણન આ રીતે આપ્યું છે : જેમ ક્વાર્કસ્ વધુ નજીક તેમ તેમની વચ્ચેની વર્ણ(વીજ)ભાર (electrocharge) વડે અપાતી પ્રબળ આંતરક્રિયા (strong interaction) મંદ પડે છે. જ્યારે ક્વાર્કસ્ એકદમ નજીક હોય છે ત્યારે તેમની વચ્ચેનું ન્યૂક્લિયર બળ એટલું બધું નબળું પડે છે કે તેથી તે મુક્ત કણની જેમ વર્તે છે. ક્વૉન્ટમ વર્ણગતિવિજ્ઞાનને (જે પ્રબળ ન્યૂક્લિયર આંતરક્રિયાનો સિદ્ધાંત છે.) વિકસાવવા માટે આ નિષ્કર્ષ (પરિણામ) અત્યંત મહત્ત્વનો છે. પોલિટ્ઝરે, થૉમસ એપલક્વિસ્ટના સહયોગથી ‘ચાર્મોનિયમ’(charmonium)ના અસ્તિત્વની આગાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ચાર્મોનિયમ ચાર્મ ક્વાર્ક અને તેના પ્રતિકણનો બનેલો મૂળભૂત કણ છે. પ્રયોગકર્તાઓ આ કણને ‘J/? કણ’ કહે છે.
1974થી 1977 દરમિયાન તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફેલો તરીકે રહ્યા. હાલમાં (2૦૦8) તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(Caltech)માં સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક છે.
પ્રહલાદ છ. પટેલ