પોલાન્યિ, જૉન ચાર્લ્સ (જ. 23 જાન્યુઆરી 1929, બર્લિન, જર્મની) : કૅનેડાના રસાયણશાસ્ત્રી. અન્ય બે વિજ્ઞાનીઓ સાથે 1986માં રસાયણશાસ્ત્રના નોબેલ વિજેતા. તેમણે વિજ્ઞાનનો પ્રારંભિક અભ્યાસ માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં કર્યો અને ત્યાંથી જ 1952માં પીએચ.ડી. તથા 1964માં ડી.એસસી.ની પદવીઓ મેળવી. આ ઉપરાંત 197૦માં તેમણે વૉટરલૂ વિશ્વવિદ્યાલયની માનાર્હ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1974થી તેઓ ટોરેન્ટો વિશ્વવિદ્યાલય, કૅનેડામાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્ય કરે છે.
તેમણે અનેક સ્કૉલરશિપો, ફેલોશિપો તથા ઍવૉર્ડ મેળવ્યાં છે. મૅક્સપ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ક્વૉન્ટમ ઑપ્ટિક્સ, ગાર્ચિંગ, જર્મનીના 1982થી તેઓ વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા છે. તેમણે 15૦ ઉપરાંત સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે. ‘ડેન્જર્સ ઑવ્ ન્યૂક્લિયર વૉર’ (1979) નામના પુસ્તકના તેઓ સહસંપાદક છે.
તેમણે રાસાયણિક સંદીપ્તિ નામની એક પદ્ધતિ વિકસાવી છે, જેમાં અણુમાંથી નીકળતા અતિ નિર્બળ પારરક્ત ઉત્સર્જનને માપી શકાય છે તથા તેનું વિશ્લેષણ કરી શકાય છે. રાસાયણિક સંદીપ્તિના આ સંશોધનને લીધે કેટલાંક રાસાયણિક લેસરોની શોધ થઈ શકી છે. આમાંનાં બે તો એટલાં પ્રબળ છે કે નાભિકીય સંગલન શરૂ કરવા માટે તે વાપરી શકાય.
રાસાયણિક સંશોધનમાં ‘પ્રક્રિયા-ગતિકી’ (reaction dynamics) નામનું એક નવું ક્ષેત્ર વિકસાવવા બદલ પોલાન્યિને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના હર્ષબાખ અને બર્કલીના યુઆન લી સાથે 1986ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જ. પો. ત્રિવેદી