પોલાન્સ્કી રોમન

January, 1999

પોલાન્સ્કી, રોમન (જ. 18 ઑગસ્ટ 1933, પૅરિસ, ફ્રાન્સ) : પોલૅન્ડના દિગ્દર્શક, પટકથાલેખક અને અભિનેતા. તેમણે જોકે પોલૅન્ડમાં રહીને માત્ર એક જ ચિત્ર ‘નાઇફ ઇન ધ વૉટર’નું સર્જન કર્યું હતું, પણ આ પ્રથમ ચિત્રે જ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. ચલચિત્રોમાં વાસ્તવિકતાના અત્યંત આગ્રહી પોલાન્સ્કી પોતાનાં ચિત્રોમાં હિંસાનું અતિ ભયાવહ નિરૂપણ કરવા માટે જાણીતા છે. ચલચિત્રોમાં હિંસા જોઈને લોકો શેરીઓમાં હિંસા આચરે છે એવી દલીલને તેઓ હસી કાઢે છે. તેઓ કહે છે, ‘‘તમે જો એવા માણસની વાત કરતા હો, જેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવે છે, તો તમારે માથાને કપાતું બતાવવું જ જોઈએ.’’ પોલાન્સ્કીની આ માન્યતા તેમનાં પોતાનાં ચિત્રોમાં મુખર થઈ ઊઠે છે.

તેમના જીવનમાં એવા આઘાતજનક બનાવો બનતા રહ્યા કે તેની અસર તેમનાં ચિત્રોમાં પણ જોવા મળે છે. તેઓ નાના હતા ત્યારે તેમનો પરિવાર ફરી વાર પોલૅન્ડના ક્રાકોવમાં જઈને વસ્યો હતો. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે પોલાન્સ્કીનાં માતા-પિતાને નાઝીઓએ કેદ કરીને યાતનાશિબિરમાં રાખ્યાં હતાં. માતાનું શિબિરમાં જ અવસાન થયું, જ્યારે પિતાને તેઓ યુદ્ધ પૂરું થયા બાદ મળી શક્યા હતા. અનાથ બાળક તરીકે ઊછરેલા પોલાન્સ્કી બાળપણમાં જર્મન સૈનિકોની વાસનાનો ભોગ પણ બન્યા હતા.

ચલચિત્રોમાં નવો પ્રવાહ લાવનારા સર્જક તરીકે પોલાન્સ્કી ભારે ખ્યાતિ ધરાવે છે. માત્ર 14 વર્ષની ઉંમરે નાટકોમાં અભિનય શરૂ કરીને પોલૅન્ડના બીજા એક ખ્યાતનામ ચિત્રસર્જક આન્દ્રે વાજદાનાં ચિત્રોમાં અભિનય કર્યો હતો. તેમણે દિગ્દર્શનની તાલીમ લીધી અને તેઓ 1959માં સ્નાતક થયા તે પહેલાં તો કેટલાંક લઘુચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું હતું. પ્રથમ ચિત્ર ‘નાઇફ ઇન ધ વૉટર’ બતાવ્યા બાદ પોલૅન્ડ છોડી તેઓ ઇંગ્લૅન્ડ જતા રહ્યા.

પ્રથમ અંગ્રેજી ફિલ્મ ‘રિપલ્ઝન’ 1965માં બનાવી. આ ચિત્રે તેમને પ્રથમ પંક્તિમાં બેસાડી દીધા. જાતીય ગ્રંથિથી પીડાતી યુવતીના મનોવિકારનું નિરૂપણ કરતું આ ચિત્ર હિંસાથી એટલું પ્રચુર અને આઘાતજનક છે કે નબળા હૃદયના પ્રેક્ષકોને તે ન જોવાની સલાહ આપવામાં આવી હતી. ‘ડાન્સ ઑવ્ ધ વેમ્પાયર’(1967)ના નિર્માણ દરમિયાન અભિનેત્રી શેરોન ટેટ પ્રત્યે આકર્ષાઈને તેની સાથે તેમણે લગ્ન કર્યું હતું.

‘રોઝ મેરીસ બેબી’(1968)માં અમેરિકામાં શેતાની શક્તિઓની પૂજાસાધનાનું લોમહર્ષક નિરૂપણ કરાયું છે. ‘ચાઇનાટાઉન’ (1974) શ્રેષ્ઠ જાસૂસી ચિત્રોમાં સ્થાન પામી ચૂક્યું છે. પોલાન્સ્કીનાં અન્ય ચલચિત્રો આ મુજબ છે : ‘મૅકબેથ’ (1971), ‘વૉટ’ (1973), ‘ધ ટેનાન્ટ’ (1976), ‘ટેસ’ (198૦), ‘પાઇરેટ્સ’ (1986), ‘ફ્રૅન્ટિક’ (1988), ‘બિટરમૂન’ (1992), ‘ડેથ ઍન્ડ ધ મેઇડન’ (1994).

હરસુખ થાનકી