પોલરૉઇડ લૅન્ડ કૅમેરા : તસવીર ઝડપ્યા બાદ એક જ મિનિટમાં સંપૂર્ણ તસવીર તૈયાર કરી આપતો કૅમેરા. 1921ના લાયકા, 1927ના રૉલિફ્લૅક્સ અને 1937ના એક્ઝૅક્ટા જેવા કૅમેરાઓએ શરૂ કરેલી પ્રગતિ-દોડમાં કૂદકે ને ભૂસકે વૃદ્ધિ થતી ચાલી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કૅમેરાએ ખરેખર ધડાકો તો ત્યારે કર્યો કે જ્યારે કોડૅક ઇન્સ્ટામેટિક્સ અને એ જ પ્રકારના સ્વયંચાલિત પ્રયુક્તિવાળા કૅમેરાઓના ઉત્પાદકો અને પોલરૉઇડ લૅન્ડ કૅમેરાએ ખાસ કરીને બિનવ્યવસાયી તસવીરકારોની વધતી જતી સંખ્યાને લક્ષમાં રાખીને આશ્ચર્યકારક સફળતા મેળવી.
પોલરૉઇડ લૅન્ડ કૅમેરાનો સંશોધક હતો એડવિન એચ. લૅન્ડ. એક દિવસ લૅન્ડ પોતાની નાની પુત્રીની તસવીરો ઝડપતો હતો. એ તસવીરો કેટલી વારમાં જોવા મળશે એમ જ્યારે પુત્રીએ પૂછ્યું ત્યારે લૅન્ડે જવાબ આપ્યો કે તસવીર તૈયાર કરવા માટે ફિલ્મ ધોવાની, નૅગેટિવ તૈયાર કરવાની અને કાગળ ઉપર ચિત્ર ઉપસાવવાની પ્રક્રિયામાં સારો એવો સમય લાગે છે, અને એ ગતિવિધિ પૂરી થયા પછી જ તસવીર જોઈ શકાશે. આથી એ નાની પુત્રી ખૂબ જ હતાશ થઈ ગઈ. લૅન્ડના માનસ પર પણ એ હતાશા છવાઈ ગઈ. લૅન્ડ પોતે કુશળ તસવીરકાર હોવા ઉપરાંત એક અભ્યાસી વિજ્ઞાની પણ હતો. તસવીર ખેંચ્યા પછી તરત જ તસવીર જોવા મળી શકે એવો કોઈ રસ્તો શોધવાની દિશામાં એ પડી ગયો.
1947માં એડવિન લૅન્ડે ‘એક મિનિટમાં તસવીર’ નામના પોતાના પ્રથમ કૅમેરાની જાહેરાત કરી ત્યારે ફોટોગ્રાફીનાં સાધનોના વેપારીએ તેને નકારી કાઢતાં કહ્યું કે આ એક તરંગી તુક્કો છે કે જે લાંબો સમય ટકશે નહિ; કેટલીક ભવિષ્યવાણીઓ પણ વધવા લાગી; પરંતુ 2૦ વર્ષ પછી જ્યારે 14 કરોડ જેટલા અમેરિકનોએ પોલરૉઇડ લૅન્ડ કૅમેરા વસાવ્યા અને ફોટોગ્રાફીનાં સાધનોના ઉત્પાદક તરીકે પોલરૉઇડ કૉર્પોરેશન આખા અમેરિકામાં બીજા નંબરે આવ્યું ત્યારે અજોડ પ્રક્રિયાના કલાકૌશલ્યનો લાભ લઈને 1૦થી 2૦ સેકંડમાં ઉચ્ચ કક્ષાની તસવીર ઝડપનાર કૅમેરા તરીકે પોલરૉઇડ લૅન્ડ કૅમેરાને નવાજવામાં આવ્યો.
અવનવા કૅમેરાઓમાં કળ પરનો કાબૂ અત્યંત સ્વયંચાલિત અને ભરોસાપાત્ર હોય છે અને સ્પષ્ટ રેખાવાળી યોગ્ય રીતે ઝડપાયેલી તસવીરો મહદંશે હામીદાર હોય છે, પરંતુ એ ઉપરાંત પોલરૉઇડ લૅન્ડ કૅમેરામાં ફિલ્મ-પ્રક્રિયા ખૂબ ટૂંકાવી નાખવામાં આવેલ છે અને તસવીર ઝડપ્યા બાદ એક જ મિનિટમાં સંપૂર્ણ રંગીન તસવીર બની શકે અને તસવીર તૈયાર થઈ ગયે સીટી વગાડી શકે એવો આ કૅમેરા છે.
સામાન્ય રીતે છબીકલામાં, કૅમેરામાં નૅગેટિવ અને ડાર્કરૂમમાં પૉઝિટિવ તૈયાર કરવાની જુદી જુદી પ્રક્રિયાઓ પ્રવર્તે છે, પરંતુ પોલરૉઇડ લૅન્ડ કૅમેરાની અંદર જ એકસાથે બંને પ્રક્રિયાઓ એક મિનિટમાં થાય છે. આ માટે પોલરૉઇડ વિવા જેવી ખાસ ફિલ્મો તૈયાર કરવામાં આવેલી છે. તે અન્ય ફિલ્મોની માફક ગરેડી પર વીંટાળેલી હોવાને બદલે એક પડીકામાં કાગળના સપાટ તાવમાં ગોઠવેલી હોય છે. તેને કૅમેરામાં ગોઠવ્યા બાદ અન્ય કૅમેરાની માફક જ તસવીર ઝડપવામાં આવે છે; પરંતુ ફરક એટલો કે સામાન્ય ફિલ્મ પર માત્ર એક જ બાજુએ નૅગેટિવ માટેનું શીઘ્રપ્રકાશગ્રાહી અવલેહ જેવું દ્રાવણ લગાવેલું હોય છે જ્યારે પોલરૉઇડ ફિલ્મ નૅગેટિવ અને પૉઝિટિવ પદાર્થવાળાં બે પડવાળી બનાવેલ હોવાથી તસવીર ખેંચ્યા બાદ બહાર દેખાતી સફેદ પટ્ટી ખેંચવાથી નૅગેટિવ ઊંધી થઈને પૉઝિટિવ કાગળના સંપર્કમાં આવે છે અને નૅગેટિવ ફિલ્મ પર ચોંટાડેલ લબદો ગરેડી પાસે આવીને અટકે છે, અને ત્યારે બહાર આવેલી પીળી પટ્ટી ખેંચવાથી બંને પડવાળી આખી ફિલ્મ કૅમેરાની બહાર આવે છે અને પેલો લબદો બંને પડની વચ્ચે સમાન રીતે રેળાઈને પૉઝિટિવ કાગળ પર પ્રક્રિયા કરીને પ્રતિમા ઉપસાવે છે અને તેને સ્થાયી કરે છે. ફિલ્મને વાળ્યા વગર દસેક સેકંડ સુધી પકડી રાખીને કાળજીપૂર્વક ઉખાડીને નૅગેટિવથી અલગ કરતાં તૈયાર તસવીર પ્રાપ્ત થાય છે.
રમેશ ઠાકર