અદાલતના અનાદરનો કાયદો

January, 2001

અદાલતના અનાદરનો કાયદો : ભારતના બંધારણ મુજબ સુપ્રીમ કૉર્ટ અને દરેક હાઈકૉર્ટને પોતાના અનાદર માટે સજા કરવાની સત્તા અંગેનો કાયદો. દરેકનો વિના અવરોધે ન્યાય મળે અને ન્યાયના કામમાં કૉર્ટની સત્તા પ્રત્યે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ થાય નહિ તે માટે આવી સત્તા જનહિતાર્થે જરૂરી ગણાઈ છે.

ભારતનું ન્યાયતંત્ર બ્રિટિશ ન્યાયપ્રણાલિકા ઉપર આધારિત છે. ભારતમાં આ માટે સૌપ્રથમ 1926માં કાયદો ઘડવામાં આવ્યો, જેનાથી નીચેની તાબાની કૉર્ટો પ્રત્યેના અનાદર માટે પણ હાઈકૉર્ટ સજા કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. બંધારણ અમલમાં આવ્યા પછી, 1952માં, હાઈકૉર્ટ કે નીચેની કૉર્ટની હદ બહાર થયેલ અનાદર માટે તેની હદમાં કે હદ બહાર રહેતી વ્યક્તિને સજા કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી. પછી 1971માં કૉર્ટના અનાદર માટેનો કાયદો કરવામાં આવ્યો. તેમાં ‘કૉર્ટનો અનાદર’ની વ્યાખ્યા સૌપ્રથમ વાર કરવામાં આવી છે. ‘કૉર્ટનો અનાદર’ એટલે ‘દીવાની અનાદર’ અગર ‘ફોજદારી અનાદર’. ‘દીવાની અનાદર’ એટલે કૉર્ટના ચુકાદા, આદેશ, હુકમ કે કૉર્ટના હુકમનામાનો ઇરાદાપૂર્વક ભંગ કરવો અગર કૉર્ટને આપેલી બાંયધરીનું ઇરાદાપૂર્વક પાલન કરવું નહિ તે. આ અનાદર માટે સજા કરતાં પહેલાં તેનો બચાવ કરવાની પૂરેપૂરી તક આપવાની હોય છે.

‘ફોજદારી અનાદર’ એટલે એવી કોઈ પણ બાબત (તે પછી લખેલા કે બોલેલા શબ્દોથી, નિશાનીથી કે પ્રદર્શનથી કે બીજી કોઈ રીતે) પ્રસિદ્ધ કરવી અગર એવું બીજા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવું કે જેનાથી :

(ક) કોઈ પણ કૉર્ટની બદનામી થાય કે બદનામી થાય તેવું લાગે અગર તો કોઈ પણ કૉર્ટને ઉતારી પાડતું હોય કે ઉતારી પાડે તેવું લાગતું હોય, કે

(ખ) કોઈ પણ ન્યાયને લગતી કાર્યવાહીને બાધક થાય તેવું કે તેવી કાર્યવાહીમાં ખલેલ પડે કે ખલેલ પાડે તેવું લાગે તેવું હોય, કે

(ગ) બીજી કોઈ પણ રીતે ન્યાયના કાર્યમાં ખલેલ પાડતું કે અવરોધક લાગતું હોય.

આમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે તે પ્રસિદ્ધિ વખતે કૉર્ટમાં તે અંગેની કાર્યવાહી ચાલુ છે તેવું માનવાને વાજબી કારણ ન હોય તો, અગર તો, જે તે પ્રસિદ્ધ કરતી વખતે કોઈ ફોજદારી કે દીવાની કાર્યવાહી ચાલુ ન હોય તો તે ‘કૉર્ટનો અનાદર’ ગણાતો નથી.

સુપ્રીમ કૉર્ટ કે હાઈકૉર્ટને બંધારણથી અનાદર માટે સજા કરવાનો અબાધિત અધિકાર છે. તે ઉપરાંત તેમને નીચેની તાબાની કૉર્ટના અનાદર માટે સજા કરવાનો અધિકાર છે. અનાદરનું કૃત્ય કે બનાવ જે તે હાઈકૉર્ટની હકૂમતની હદમાં કે હદ બહાર થયેલ હોય કે જે તે વ્યક્તિ તેવી હદમાં કે હદ બહાર હોય તોપણ તેને સજા થઈ શકે છે. આ તાબાની કૉર્ટમાં રાજ્યસત્તા તરફથી ઝઘડાના નિકાલ માટે નિમાયેલ ટ્રિબ્યુનલોનો પણ સમાવેશ થાય છે.

સુપ્રીમ કૉર્ટ કે હાઈકૉર્ટમાં ચાલુ કૉર્ટે કોઈ વ્યક્તિ અનાદરનું કૃત્ય કરે તો તેને કસ્ટડીમાં લઈ ત્યાં જ તેની સામે પગલાં લઈ શકાય. આ સિવાય ‘ફોજદારી અનાદર’ માટે સુપ્રીમ કૉર્ટ કે હાઈકૉર્ટ પોતાની મેળે જ પગલાં લઈ શકે. તે સિવાય એટર્ની જનરલ કે ઍડ્વોકેટ જનરલ તે માટે અરજી કરે અગર તો તેમની લેખિત સંમતિ મેળવીને બીજી કોઈ વ્યક્તિ અરજી કરે તો સુપ્રીમ કૉર્ટ કે હાઈકૉર્ટ પગલાં લઈ શકે. નીચેની તાબાની કૉર્ટનો તેવો અનાદર થાય તો તે કૉર્ટના પોતાના રેફરન્સથી કે ઍડ્વોકેટ જનરલે તે માટે અરજી કર્યેથી તે અંગે હાઈકૉર્ટ પગલાં લઈ શકે. આવી અરજી માટેની સમયમર્યાદા એક વર્ષની છે.

આ કાયદાનો હેતુ એ છે કે સામાન્ય માનવીને ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ રહે અને દરેક અદાલત કોઈ પ્રકારના ભય કે પક્ષપાત વિના ન્યાયનું કામ કરી શકે. ન્યાયની પ્રક્રિયાને સઘન રીતે બાધક બને તેવા કૃત્ય માટે જ સજા થઈ શકે અને નહિ કે કોઈ તાંત્રિક (technical) પ્રકારના અનાદર માટે. વળી આ કેસોમાં જો આરોપી ખરા દિલથી માફી માંગે અને તેની શુદ્ધ બુદ્ધિની અદાલતને ખાતરી થાય તો તેને માફી બક્ષવામાં આવે છે.

સત્યેન્દ્ર ઝવેરી