અદાલત : રાજ્ય દ્વારા ન્યાયનો અમલ કરવા માટેનું મુકરર સ્થાન. અદાલત શબ્દનો ન્યાયાધીશ એવો પણ અર્થ કરવામાં આવે છે. જુદા જુદા અધિનિયમોમાં ‘અદાલત’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ન્યાયપંચો અદાલતો નથી તેમજ લવાદો અને સંસ્થાઓની કમિટીઓ પણ અદાલત નથી; બહોળા અર્થમાં અદાલત એટલે દીવાની તેમજ ફોજદારી ન્યાયિક કાર્યવાહી સ્વીકારી તેને સાંભળી તેનો ફેંસલો કરનાર વિધિસરની સત્તા. અદાલતોનું મુખ્ય કાર્ય કોઈ વ્યક્તિએ અમુક ગુનો કર્યો છે કે કેમ અને કર્યો હોય તો તેની સાથે શો વ્યવહાર કરવો તે કાયદાને અનુસરીને અદાલત નક્કી કરે છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના મતભેદો અને તકરારોના નિકાલ માટે નિષ્પક્ષ અને શક્તિશાળી ન્યાયવ્યવસ્થા ન હોય તો નાગરિકો કાયદો હાથમાં લે અને અવ્યવસ્થા પ્રવર્તે. એવી પરિસ્થિતિમાં કોઈ સમાજવ્યવસ્થા ન રહે. દીવાની અદાલતોની સ્થાપના તથા તેમની કાર્યપદ્ધતિ અંગે ભારતમાં જુદાં જુદાં રાજ્યો(જમ્મુ-કાશ્મીર સિવાય)માં એકસરખા કાનૂની પ્રબંધો લાગુ પાડવામાં આવેલા છે. દીવાની અદાલતો સમક્ષ ચાલતી દીવાની પ્રકારની કાર્યવાહી અંગેના પ્રબંધો દીવાની કાર્યરીતિ સંહિતા, 1908 (Civil Procedure Code, 1908) છે. જ્યારે ફોજદારી અદાલતોમાં ચાલતી ફોજદારી કાર્યરીતિ સંહિતા (Criminal Procedure Code, 1973) છે. ભારતમાં સ્થાપવામાં આવેલી અદાલતો મુખ્યત્વે ઇંગ્લૅન્ડમાં પ્રચલિત ‘કૉમન લૉ’ના સિદ્ધાંતો ઉપર આધારિત છે.

ગુજરાત રાજ્યમાં સ્થાપવામાં આવેલી અદાલતો પૈકી સૌથી નીચલી કક્ષાની દીવાની અદાલત સિવિલ જજ, જુનિયર ડિવિઝનની અદાલત છે. આ અદાલતની ભૌગોલિક સીમાનો વિસ્તાર તાલુકા અગર તાલુકાઓનો વિસ્તાર છે, જ્યારે તેની નાણાકીય હકૂમતની સીમા રૂ. 20,000 સુધીની છે. બીજી અદાલત સિવિલ જજ, સીનિયર ડિવિઝનની અદાલત છે. આ અદાલતની ભૌગોલિક સીમાનો વિસ્તાર પણ તાલુકા અગર તાલુકાઓનો વિસ્તાર છે. તે જિલ્લા અદાલતના તાબા હેઠળની અદાલતો છે. જિલ્લા અદાલતની ભૌગોલિક સીમાનો વિસ્તાર જિલ્લા અગર જિલ્લાઓનો વિસ્તાર છે. જિલ્લા અદાલતની નાણાકીય હકૂમત અબાધિત છે. ખાસ કેન્દ્રીય અધિનિયમો જેવા કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955; ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925; સંરક્ષક અને પ્રતિ-પાલ્ય અધિનિયમ, 1890 વગેરે અન્વયે જિલ્લા અદાલતોને ખાસ હકૂમત આપવામાં આવેલી છે. જિલ્લા અદાલતો રાજ્યની વડી અદાલતોના તાબા હેઠળની અદાલતો છે.

સિટી કૉર્ટ્સ ઍક્ટ, 1961 અન્વયે અમદાવાદ શહેર મહાનગર માટે સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કૉર્ટ સ્થાપવામાં આવેલી છે, જે ગુજરાતની વડી અદાલતના તાબા હેઠળની અદાલત છે. ઉપરાંત મુંબઈ ભાડા નિયમન અધિનિયમ, 1947 અન્વયે અમદાવાદ મહાનગર માટે પ્રેસિડન્સી સ્મૉલ કૉઝ કૉર્ટ્સ ઍક્ટ, 1882 અન્વયે સ્મૉલ કૉઝ કૉર્ટની સ્થાપના કરવામાં આવેલી છે. આ બંને અદાલતોની ભૌગોલિક સીમાનો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સીમાનો વિસ્તાર છે. અમદાવાદની સિટી સિવિલ કૉર્ટની નાણાકીય હકૂમત અબાધિત છે. આ અદાલત અમદાવાદ મહાનગરની જિલ્લા અદાલત તથા કૉર્ટ ઑવ્ સેશન્સ પણ છે. અમદાવાદની સ્મૉલ કૉઝ કૉર્ટને મુંબઈ ભાડા નિયમ અધિનિયમ અન્વયે આગવી અને અબાધિત હકૂમત છે. અન્ય દીવાની પ્રકારના દાવાઓમાં આ અદાલતની નાણાકીય હકૂમત રૂ. 5,000 સુધીની છે.

વડોદરા, રાજકોટ અને સૂરત મહાનગરો માટે પ્રોવિન્શિયલ સ્મૉલ કૉઝ કૉર્ટ ઍક્ટ અન્વયે સ્મૉલ કૉઝ કૉર્ટ સ્થાપવામાં આવેલી છે. તે અનુક્રમે વડોદરા, રાજકોટ અને સૂરતની જિલ્લા અદાલતોના તાબા હેઠળની અદાલતો છે અને તેમને ભાડા કબજાના દાવાઓમાં આગવી અને અબાધિત હકૂમત છે, જ્યારે અન્ય દીવાની પ્રકારના દાવાઓમાં તેની નાણાકીય હકૂમતની સીમા રૂ. 2,000 સુધીની છે.

યંત્રચાલિત મોટરવાહનથી થયેલા અકસ્માત અંગેના નુકસાની વળતર મેળવવાના કેસ મોટર વિહિકલ્સ ઍક્ટ અન્વયે સ્થાપવામાં આવેલી ટ્રિબ્યુનલો સમક્ષ ચાલે છે. ન્યાયિક કાર્યવાહીના પક્ષકાર કાર્યવાહીમાં જાતે અગર કોઈ ધારાશાસ્ત્રી મારફતે હાજર થઈ શકે છે.

દીવાની પ્રકારની ન્યાયિક કાર્યવાહી માટે બૉમ્બે કૉર્ટ ફીઝ ઍક્ટ, 1959ના પ્રબંધો પ્રમાણે કૉર્ટ ફી સ્ટૅમ્પ આપવાનો હોય છે. કૉર્ટ ફી સ્ટૅમ્પ ભરવાને જવાબદાર પક્ષકાર પાસે કાયદેસરની કૉર્ટ ફીની રકમ ભરવા માટે પૂરતાં સાધનો ન હોય તો તેવી વ્યક્તિ ‘અકિંચન’ તરીકે કૉર્ટ ફીની રકમ ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે. ગરીબ વ્યક્તિ કાનૂની સલાહ-સૂચન તથા ધારાશાસ્ત્રી રોકવા માટે નાણાં ખર્ચી શકે તેમ ન હોય અગર ફોજદારી કેસના તહોમતદાર પોતાના બચાવ માટે નાણાં ખર્ચી ધારાશાસ્ત્રી રોકી શકે તેમ ન હોય ત્યારે મફત કાનૂની સલાહ મેળવવા અદાલતને અરજી કરી જરૂરી દાદ મેળવી શકે છે.

ઉમાકાન્ત મા. પંડિત