પૉર્ટ–ઑ–પ્રિન્સ : હૈતીનું પાટનગર, મોટું શહેર અને બંદર. ભૌ. સ્થાન : 18o 32′ ઉ. અ. અને 72o 2૦’ પ.રે. ઉત્તર કૅરિબિયન સમુદ્રના મહા ઍન્ટિલીઝ(વેસ્ટ ઇન્ડિઝ)માં હિસ્પાનિયોલા ટાપુના પશ્ચિમ કિનારે ગોનાઇવ્ઝના અખાતના શીર્ષભાગ પર તે આવેલું છે. આ શહેર કિનારાના મેદાની ભાગમાં સપાટ ખીણના પશ્ચિમ છેડા પર વસેલું છે. તે અર્ધચંદ્રાકાર પર્વતોથી ઘેરાયેલું છે અને બંદર તરીકે તે ખૂબ જ આરક્ષિત છે.
આ શહેરની ઉત્તર તરફ હૈતીનું મધ્યનું ફળદ્રૂપ મેદાન આવેલું છે, જ્યારે પૂર્વમાં અને દક્ષિણમાં પર્વતો તથા ટેકરીઓ આવેલાં છે. વેસ્ટઇન્ડિઝના આ શહેરમાં આબોહવા મધ્યમસરની ગરમ રહે છે. વાર્ષિક સરેરાશ તાપમાન 27o સે. જેટલું રહે છે અને વાર્ષિક સરેરાશ વરસાદ 1,4૦૦ મિમી. જેટલો પડે છે. ટેકરીઓને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ માફકસરનું રહે છે.
અહીંનું બારું આરક્ષિત રહેતું હોવાથી હૈતીનો પરદેશ સાથેનો મોટા ભાગનો વેપાર આ બંદર મારફતે થાય છે. શેરડી, તમાકુ, કૉફી, કોકો અને કેળાં અહીંની મુખ્ય પેદાશો છે. ઉદ્યોગોમાં જિનિંગ, સુતરાઉ કાપડ-ઉદ્યોગ અને સિમેન્ટ-ઉત્પાદન મુખ્ય છે. સિમેન્ટ અને સુતરાઉ કાપડ ઉપરાંત ખાંડ, રમ, ગોળની રસી (મોલાસિસ), આટો અને હસ્તકારીગરીની ચીજવસ્તુઓની અહીંથી નિકાસ થાય છે. આ શહેર હૈતીનું વ્યાપારી અને વાહનવ્યવહાર માટેનું પણ મુખ્ય મથક છે.
1749માં ફ્રેન્ચોએ અહીં વસાહત શરૂ કરેલી. 177૦માં તે સેન્ટ ડૉમિનિકનું પાટનગર બન્યું. ત્યાં સુધીમાં તો તે ફ્રાન્સની એક વસાહત તરીકે સમૃદ્ધિ પામ્યું હતું. 18૦4માં તે સ્વતંત્ર હૈતીનું પાટનગર બન્યું. ત્યારપછીના ગાળામાં તે ભૂકંપથી અને આગથી એટલું બધું તારાજ થઈ ગયેલું કે તેના જૂના અવશેષો ભાગ્યે જ બચેલા. આજે ફરીથી તે અત્યંત આધુનિક શહેર તરીકે તૈયાર થઈ ગયું છે. આ શહેર 1915 અને 1934 વચ્ચેના ગાળામાં યુ.એસ. લશ્કરી દળોના કબજામાં રહેલું.
અહીંનાં જાણીતાં સ્થળોમાં 1915માં બાંધવામાં આવેલું કેથીડ્રલ, 1918માં જીર્ણોદ્ધાર પામેલો નૅશનલ પૅલેસ અને આયર્ન માર્કેટનો સમાવેશ થાય છે. 1944માં અહીં હૈતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. શહેરની પાછળના ભાગમાં ટેકરીઓના ઢોળાવો પર સુંદર આવાસો ધરાવતાં પરાં આવેલાં છે. (2૦15) મુજબ આ શહેરની વસ્તી અંદાજે 26,18,894 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા