પૉર્ટ એલિઝાબેથ

January, 1999

પૉર્ટ એલિઝાબેથ : દક્ષિણ આફ્રિકાના કેપ પ્રાંતના દક્ષિણ છેડે હિન્દી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલું, કેપ ટાઉન પછી બીજું સ્થાન ધરાવતું તથા હિન્દી મહાસાગરમાંથી ફંટાતા ઍલગોઆ ઉપસાગર પર આવેલું મહત્વનું બંદર તથા ઔદ્યોગિક શહેર. આ શહેર ઍલગોઆ ઉપસાગરને કિનારે કિનારે લગભગ 16 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલું છે. ભૌગોલિક સ્થાન : 33o 37′ દ. અ. અને 25o 40′ પૂ. રે. અહીંનું બારું ઊંડું હોવાથી વહાણોની અવરજવર માટે અનુકૂળ થઈ પડે છે, માલની હેરફેર ઘણી રહેતી હોવાથી તે દક્ષિણ આફ્રિકાનું ત્રીજા નંબરનું ધમધમતું બંદર ગણાય છે. અહીં સંદેશાવ્યવહારની ઉત્તમ સુવિધા છે, વીજળી સસ્તી છે અને જળજથ્થો પણ વિપુલ છે. આ કારણોથી તેનો ઝડપી વિકાસ થયો છે.

આ શહેરની પશ્ચિમે 60થી 90 મીટર ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ આવેલો છે. અહીં ભૂમધ્ય સમુદ્રના દેશો જેવી આબોહવા રહે છે. શિયાળામાં વરસાદ પડે છે અને ઉનાળા સૂકા હોય છે. તેના પીઠપ્રદેશમાં પશુપાલન, શાહમૃગ અહીં ઘઉંનો પાક મુખ્ય છે. તે ઉપરાંત દ્રાક્ષ, લીંબુ, નારંગી જેવાં ખાટાં ફળો વિશેષ થાય છે.

અહીં મોટરગાડીઓ અને રબરનો મુખ્ય ઉદ્યોગ છે. તે ઉપરાંત લાકડાં વહેરવાની મિલો ટાયર, કેબલ, બૅટરી, સુતરાઉ કાપડ, પગરખાં, ચામડાની વસ્તુઓ, રસાયણો, સ્વયંસંચાલિત યંત્રો, સાબુ, કાચ, ખાદ્ય પદાર્થો, જામ બનાવવાનો અને ડબ્બાઓમાં ફળો પૅક કરવાનો – એમ અનેક ઉદ્યોગો વિકસ્યા છે. અહીં ઘણાં પરદેશી કંપનીઓનાં કારખાનાં પણ છે.

આ શહેર અંદરના ભાગમાં કિમ્બર્લી સાથે 1873માં રેલમાર્ગે જોડાયા પછી વધુ વિકાસ પામ્યું છે. અહીંના બારાને તરંગાવરોધ (breakwater) દ્વારા સુરક્ષિત બનાવાયું છે. આ બારા પરથી મૅંગેનીઝ, લોહઅયસ્ક, કોલસો, ચામડું, શાહમૃગનાં પીંછાં, ઊન, ખાટાં ફળોની નિકાસ તથા યંત્રો, ચા વગેરેની આયાત થાય છે. ક્યારેક ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે દેશો માટે પણ જરૂરી માલસામાનની આયાત આ બંદર દ્વારા થાય છે.

આ શહેરમાં પૉર્ટ એલિઝાબેથ યુનિવર્સિટીની સ્થાપના 1964માં થઈ હતી. આ બંદર તેના રમણીય દરિયાઈ કંઠારપ્રદેશ (sea-beaches) માટે ખૂબ જાણીતું બનેલું હોવાથી વિહારધામ તરીકે વિકસ્યું છે અને ઘણા પર્યટકો તેની ખાસ મુલાકાત લે છે. અહીં લગભગ 2000 જેટલા સર્પો ધરાવતો જગપ્રસિદ્ધ સર્પઉદ્યાન, હાથીઓ માટેનો અડ્ડો, રાષ્ટ્રીય ઉદ્યાન, સેંટ જ્યૉર્જ પાર્ક, સેટલર્સ પાર્ક, કલાસંગ્રહસ્થાન, સામુદ્રિક સંગ્રહસ્થાન વગેરે જોવાલાયક સ્થળો છે. અહીંના વ્યાપારી સંકુલમાં ઘણી આધુનિક ઇમારતો છે. આ શહેરની વસ્તી 6,50,000 જેટલી છે.

આજે પૉર્ટ એલિઝાબેથ તરીકે ઓળખાતા સ્થાનમાં અગાઉના વખતમાં ક્ષોઝા (Xhosa), ટેમ્બુ (Tembu) અને પોંડો (Mpondo) લોકો ખેતી કરતા હતા. પંદરમી સદીમાં અહીં પોર્ટુગીઝ શોધસફરીઓ આવેલા ખરા. 1799માં આ વિસ્તારમાં અંગ્રેજોએ  ફૉર્ટ ફ્રેડરિક નામે કાયમી લશ્કરી વસાહત સ્થાપી. 1820 પછી આજના શહેરની ઈશાનમાં આવેલા ગ્રેહામ્સટાઉનમાં તેમજ તેની આજુબાજુમાં આવીને લોકો વસતા ગયા. કેપ કૉલોનીના તે વખતના કાર્યકારી ગવર્નર સર રફેન ડૉન્કિને તેમનાં મૃત પત્ની એલિઝાબેથના નામ પરથી આ સ્થાનને પૉર્ટ એલિઝાબેથ નામ આપ્યું. શહેરની રહેણાકની મુખ્ય વસ્તી પશ્ચિમે આવેલા ઉચ્ચપ્રદેશનાં સોપાનો પર વસેલી છે. 1913 પછી આ શહેરનો વધુ વિકાસ થતો ગયેલો છે.

શિવપ્રસાદ રાજગોર