પૉન્ટાપિડાન હેન્રિક (Pontoppidan Henrik)

January, 1999

પૉન્ટાપિડાન, હેન્રિક (Pontoppidan, Henrik) (. 24 જુલાઈ 1857, ફ્રૅડરિકા, ડેન્માર્ક; . 21 ઑગસ્ટ 1943, ચારલોટ્ટેન્લુન્ડ, ડેન્માર્ક) : ડેન્માર્કના વાસ્તવલક્ષી કથાલેખક. ડેન્માર્કના તત્કાલીન જીવનનું પ્રમાણભૂત નિરૂપણ કરનાર લેખક તરીકે એમને 1917નો નોબેલ પુરસ્કાર પ્રદાન થયો. આ પુરસ્કાર ડેન્માર્કના કવિ-વાર્તાકાર કાર્લ જેલરપ અને હેન્રિક પૉન્ટાપિડાનને સમાન હિસ્સે અપાયો હતો.

હેન્રિકનો જન્મ ધાર્મિક પરિવારમાં થયો હતો. એમના પિતા પાદરી હતા. એમનો પરિવાર 1863માં ફ્રેડરિકાથી સ્થળાંતર કરીને રેન્ડર્સ આવ્યો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈને સત્તર વર્ષે કોપનહેગન જઈને ત્યાંની પૉલિટૅકનિક સંસ્થામાં ઇજનેરી વિદ્યામાં અભ્યાસ કર્યો.  અભ્યાસ પૂર્ણ કર્યા વગર એમણે પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી અને થોડાં વર્ષો બાદ મુક્ત પત્રકાર અને પૂર્ણ સમયના લેખક બન્યા. સમાજનું યથાતથ વર્ણન એમના કથાસાહિત્યમાં જોવા મળે છે. એમની વાર્તાઓ ‘વિલેજ પિક્ચર્સ’ (1983) અને ‘ફ્રૉમ ધ હન્ટ્સ’(1987)માં સંગૃહીત થઈ છે. રાજકીય વાતાવરણને નિરૂપતી વાર્તાઓ ‘વાદળાં’ નામક વાર્તાસંગ્રહમાં સમાવી છે.

1890થી 1916 સુધીનાં છવ્વીસ વર્ષોમાં લખાયેલી ત્રણ નવલકથાઓ ‘ધ પ્રોમિસ્ડ લૅન્ડ’ (1896), ‘લકી પેર’ (1894-1904) (આત્મકથાત્મક નવલકથા) અને ‘કિંગ્ડમ ઑફ ધ ડેડ’ (1916)  એ હેન્રિક પોન્ટાપિડનને પ્રતિષ્ઠા અપાવી છે. ડેન્માર્કના ઇતિહાસના મુખ્ય ત્રણ પ્રવાહોની અસર આ કથાકૃતિઓમાં છે. આ નવલકથાઓમાં અંગત અનુભવો, વિચારનું નિરૂપણ અને ક્યાંક કટાક્ષ તો ક્યાંક તત્વજ્ઞાનનું દર્શન જોવા મળે છે. એમાં ડેન્માર્કની સામાજિક સમસ્યાઓ સાથે એની સારી બાજુ પણ પમાય છે.

‘ધ પોલર બેર’ (1887), ‘ધ એપોથેકરી’ઝ ડોટર્સ’ (1890), ‘નાઇટ વૉચ’ (1894), ‘ધ ઓલ્ડ આદમ’ (1894), ‘ઈગલ ફ્લાઇટ’ (1899) ઇત્યાદિ એમની અન્ય નવલકથાઓ છે. એમની છેલ્લી નવલકથા છે ‘મેન્સ હેવન’ તે 1927માં પ્રસિદ્ધ થઈ છે. એમણે સ્મરણકથા પણ લખી છે.

એમની ટૂંકી વાર્તાઓ ખાસી પ્રતિષ્ઠા પામી છે. સામાજિક-રાજકીય પ્રશ્નો પર લખતાં લખતાં અંતિમ વર્ષોમાં એમનો લેખન-અભિગમ માનવમૂલ્યો તરફ વળ્યો.

માનવ-આત્માની મુક્તિ માટે લડનાર આ સર્જકનું 86 વર્ષની વયે અવસાન થયું.

પ્રફુલ્લ રાવલ