પોતદાર દત્તો વામન

January, 1999

પોતદાર, દત્તો વામન (. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; . 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. 1910માં ત્યાંની જ ફર્ગ્યુસન કૉલેજમાંથી ઇતિહાસ વિષય સાથે બી.એ. થયા. તે પછી એક વર્ષ કાયદાનો અભ્યાસ કર્યા બાદ પોતાની શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને સમય જતાં ત્યાં જ મુખ્ય શિક્ષક બન્યા. પુણેની જાણીતી શિક્ષણ-સંસ્થા શિક્ષણ પ્રસારક મંડળના તેઓ આજીવન સભ્ય બન્યા અને આ સંસ્થા દ્વારા સંચાલિત સર પરશુરામ ભાઉ કૉલેજમાં શરૂઆતમાં અધ્યાપનકાર્ય કર્યું અને તે પછી સંસ્થાના આચાર્યપદે કામ કર્યું. શિક્ષણ પ્રસારક મંડળની પ્રવૃત્તિના તેઓ આમરણ આધારસ્તંભ રહ્યા. શિક્ષણ અને સાહિત્યક્ષેત્રમાં તેમણે મેળવેલ નામનાના ફલ-સ્વરૂપે પુણે યુનિવર્સિટીના કુલપતિપદે તેમની નિમણૂક થયેલી (1961-64). ટિળક મહારાષ્ટ્ર રાષ્ટ્રીય વિદ્યાપીઠના કુલપતિપદે પણ તેમણે સેવાઓ આપેલી. મહારાષ્ટ્રના ઇતિહાસાચાર્ય વિશ્વનાથ કાશીનાથ રાજવાડેના તેઓ પટ્ટશિષ્ય હતા. મરાઠી ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી અને હિંદી ભાષા પર એમનું પ્રભુત્વ હતું. આ ચારેય ભાષાઓમાં તેઓ લખતા. તેમણે ઉત્તમ વક્તા તરીકે પણ ખ્યાતિ મેળવી હતી.

દત્તો વામન પોતદાર

1910માં સ્થાપવામાં આવેલ ઇતિહાસ સંશોધક મંડળના તેઓ પ્રથમ મંત્રી હતા અને આગળ જતાં વર્ષો સુધી તેના અધ્યક્ષ પણ રહ્યા. તેમના જ પ્રયત્નોથી આ સંસ્થાના સંગ્રહાલયમાં જૂની દુર્લભ હસ્તલિખિત પોથીઓ, દસ્તાવેજો, સિક્કા અને ચિત્રો વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ શકેલાં.  વાઈ ખાતે પોતાની માતાની સ્મૃતિમાં બનાવેલ ‘આનંદી ધામ’ તરીકે ઓળખાતા તેમના મકાનમાં પણ અલભ્ય ગ્રંથો, વિવિધ સામયિકો, કુંકુમ-પત્રિકાઓ અને નિમંત્રણ-પત્રિકાઓનો વિપુલ સંગ્રહ સચવાયેલો છે. ચૌદ વર્ષની ઉંમરથી પોતદારને આવી વસ્તુઓના સંગ્રહનો શોખ હતો. એમના પ્રયત્નોથી જ 1935માં ઇતિહાસ સંશોધક મંડળના રજતજયંતી મહોત્સવ પ્રસંગે પુણે ખાતે અખિલ ભારતીય ઇતિહાસ પરિષદનું પ્રથમ અધિવેશન થયેલું. 1939માં અહમદનગર ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખપદે તેમની વરણી થયેલી. ભારતની રાષ્ટ્રભાષા હિંદી જ થવી જોઈએ એવી તેમની દૃઢ માન્યતા હતી અને તેથી 1937 પછીના ગાળામાં હિંદીના અગ્રણી પ્રચારક તરીકે તેમણે કામ કરેલું. 1946માં મહારાષ્ટ્ર રાષ્ટ્રભાષા સભાના અધ્યક્ષપદે તેમની પસંદગી થયેલી. 1949માં ભારતીય ઇતિહાસ કૉંગ્રેસના દિલ્હી ખાતે ભરાયેલા અધિવેશનના તેઓ અધ્યક્ષ હતા. યુનેસ્કોમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ તેમણે સેવાઓ આપેલી. 1963માં ભારત સરકાર તરફથી સોવિયેત સંઘની શિક્ષણસંસ્થાઓની મુલાકાતે ગયેલ કુલપતિઓના શિષ્ટમંડળનું નેતૃત્વ તેમને સોંપવામાં આવેલું. તે જ વર્ષે તેઓ કેન્દ્રીય સંસ્કૃત મંડળના અધ્યક્ષ ચૂંટાયા હતા. ઇન્ડિયન હિસ્ટૉરિકલ રેકૉર્ડ્ઝ કમિશનના વર્ષો સુધી તેઓ સદસ્ય હતા.

તેમની સારસ્વત સાધના બદલ બ્રિટિશ સરકારે 1946માં તેમને ‘મહામહોપાધ્યાય’ની ઉપાધિ અને 1967માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ આપેલાં. બનારસ હિંદુ યુનિવર્સિટીએ તેમને માનાર્હ ડૉક્ટરેટ અને હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગે તેમને ‘સાહિત્યવાચસ્પતિ’ની પદવીથી નવાજ્યા હતા.

ભારતની અનેક સંસ્કારસંસ્થાઓ તથા સારસ્વત મંડળો સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા હતા; જેમાં અગાઉ ઉલ્લેખેલી સંસ્થાઓ ઉપરાંત ભારતીય સંસ્કૃતિકોશ મંડળ, કાશી નાગરી પ્રચારિણી સભા, વેદશાસ્ત્રોત્તેજક સભા, ભારતીય સંગીત પ્રસારક મંડળ, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય સ્વાતંત્ર્ય ઇતિહાસ સમિતિ, ભરત નાટ્યમંદિર, પુણે અને ગીતાધર્મમંડળ વગેરેનો સમાવેશ થાય છે.

1950માં તેમની ષષ્ટિપૂર્તિ વખતે ‘પોતદાર ગૌરવ ગ્રંથ’ પ્રસિદ્ધ કરીને વિદ્વાનોએ તેમનું બહુમાન કર્યું હતું. ‘બોલતાચાલતા ઇતિહાસ’, ‘પુરાણપુરુષ’ અને ‘ભીષ્માચાર્ય’ જેવાં વિવિધ અલંકરણોથી મહારાષ્ટ્રના વિદ્યાજગતમાં તેઓ ઓળખાતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે